જયા અને જયંત (1914) : ન્હાનાલાલ દલપતરામરચિત ત્રિઅંકી નાટક. તેમાં 20 પ્રવેશો છે. આત્મલગ્ન અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આદર્શ, વિશિષ્ટ ડોલનશૈલીનો કરેલો સફળ અને સમર્થ વિનિયોગ અને ભાવનાપ્રધાન નાટક (lyrical play) તરીકેનું એનું અરૂઢ છતાં આકર્ષક સ્વરૂપ – આ બધાંને લીધે એ જમાનામાં આ કૃતિ સફળ થયેલી.
નાટકનું કથાવસ્તુ ઉત્પાદ્ય (કાલ્પનિક) છે. એનો સમય છે દ્વાપર અને કલિયુગનો સંધિકાળ. એનો સ્થળવિસ્તાર ગિરિદેશ, વન અને વારાણસીનો છે. ગિરિદેશના રાજવી ગિરિરાજની પુત્રી જયા અને મંત્રીપુત્ર જયંત વચ્ચે નિર્વિકાર અનુરાગના ઊર્ધ્વીકરણની આ કથા છે. નાટકનો ઘટનાક્રમ કંઈક આવો છે :
પ્રથમ અંક : ઇન્દ્રના આમંત્રણથી દૈત્યો પર વિજય મેળવી જયંતનું ગિરિદેશમાં પુનરાગમન; ગિરિદેશમાં એના સત્કારની તૈયારીઓ, જયંતનો ‘જયા ! ગૂંથીશું એવાં જીવન ? તું મ્હારું ધનુષ્ય, ને હું ત્હારું બાણ,’ એ લગ્નપ્રસ્તાવનો ઉચ્ચ જીવનની ઉપાસિકા જયાએ ‘જયંત ! વિલાસને હજી વાર છે; આજ નથી પાકી એની અવધ’ કહી કરેલો અસ્વીકાર, જયંત દ્વારા જયાનું હિમગંગાના પ્રપાતમાંથી રક્ષણ, ગિરિરાજની જયાને જયંત સાથે વરાવવાની ઇચ્છા, રાજરાણીનો જયાને રાજપુત્ર સાથે જ પરણાવવાનો સંકલ્પ, આ પરિસ્થિતિથી જન્મેલો સંઘર્ષ, જયાને અંધારામાં રાખીને માતાએ કાશીરાજને લગ્ન માટે પાઠવેલું નિમંત્રણ, ગિરિદેશ આવતાં માર્ગમાં ઉદ્યાનમાં કાશીરાજ અને તીર્થગોરની બ્રહ્મકન્યા શેવતીની રસલીલા, માતાપિતાએ નિર્ધારેલા આ અણગમતા દેહલગ્નથી બચવા અને આત્મકલ્યાણ સાધવા જયાનું વનમાં નાસી છૂટવું, એની શોધમાં જયંતનું પાછળ જવું, અપમાનિત કાશીરાજનો રોષ.
બીજો અંક : જયાનું વામમાર્ગીઓના મંદિરમાં ફસાઈ જવું, પારધીએ વામાચાર્યને બાણથી હણતાં જયાનો બચાવ, પારધીની જયા પ્રતિ કુર્દષ્ટિ, એને બાણથી વીંધી જયાનો (તેજબા સાથે) છુટકારો, બીજી બાજુએ જયંતની તપસાધના, આકાશવાણી દ્વારા એને મળેલો આત્મલગ્નનો આદેશ, તીર્થગોરના પાપમંદિરમાં જયાનું ફસાઈ જવું અને આત્મશક્તિથી પાપમંદિરનો ઘુમ્મટ ફોડી ગંગાજળમાં એનું કૂદી પડવું ઇત્યાદિ ઘટનાઓની ગૂંથણી બીજા અંકમાં છે.
ત્રીજો અંક : કાશી સમીપ વનમાં ‘હરિકુંજ’માં જયંતે સ્થાપેલા બ્રહ્મચારીઓના આશ્રમની સાધના, બ્રહ્મચારીઓ દ્વારા ગંગાપ્રવાહમાં તરતી મૂર્ચ્છિત જયાને આશ્રમમાં લાવવી, એકાન્તમાં સૂતેલી જયાની ઉપસ્થિતિમાં ‘જનમના જોગી’ જયંતે મેળવેલો અદભુત કામ-વિજય, જયંતને આકાશગામી પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ, કાશીમાં આવેલાં ગિરિરાજ અને રાજરાણીનો પશ્ચાત્તાપ, જયાએ પૂર્વે રોષમાં તરછોડી હતી તે વિલાસિની નૃત્યદાસી(જે પાછળથી વામીઓના મંદિરની દેવી બનેલી તે)નો પણ પોતાની પાપલીલા માટે પશ્ચાત્તાપ, તીર્થગોરનો પણ પશ્ચાત્તાપ, આ બાજુએ જયાનો ‘હવે દેહની કથા ન કરવી’ એવો સંકલ્પ, ‘વિષયોમાં તો વિષ છે જગતનાં’ એવી એની પ્રતીતિ, બ્રહ્મવનમાં બ્રહ્મચારિણીઓનો અલગ આશ્રમ સ્થાપવાનો જયાનો નિર્ણય, જયા અને જયંતની નૈષ્ઠિક બ્રહ્મચર્યયુક્ત આત્મલગ્નની ભાવના સાકાર કરી સંસારને સલૂણો બનાવવાની સાધનાનો પ્રારંભ.
પ્રત્યેક અંક અનેક ર્દશ્યોમાં વહેંચાયેલો છે. કથા સુદીર્ઘ ફલક પર પથરાયેલી હોવા છતાં નાટકનું સંવિધાન કલાત્મક છે. મુખ્ય કથાની સાથે ગૂંથાયેલી ગૌણ કથાઓ પણ કવિના કથયિતવ્યને ઉપકારક બનવા ઉપરાંત નાટકમાં રહસ્ય અને સંઘર્ષ પૂરાં પાડે છે. વામીઓનો સ્વેચ્છાચાર, લગ્નવિહીન દેહોપભોગ જાતીય જીવનની અનવસ્થા(promiscuity)નો નિર્દેશ કરે છે. પારધીનો ખ્યાલ દેહલગ્નનો છે. કાશીરાજ-શેવતી સ્નેહલગ્નનું પ્રતીક બની રહે છે; જયા-જયન્ત આત્મલગ્નનું; અનુક્રમે તમસ્, રજસ્ અને સત્વની ભૂમિકાઓનાં એ દ્યોતક છે. ભાવનાપ્રધાન નાટક હોઈ અહીં પાત્રો સર્જકની ભાવનાનાં વાહક બને છે. તેમ છતાં, એમનાં વ્યક્તિત્વની છાપ અસરકારક રીતે ઊપસ્યા વિના રહી નથી.
‘જ્ય્હાં જ્ય્હાં આત્મા, ત્ય્હાં ત્ય્હાં શરીર; નથી એવું કોઈ બ્રહ્માંડ-મીમાંસાનું ન્યાયસૂત્ર.’ જયંતની આ ઉક્તિમાં નાટકનો પ્રધાન સૂર પ્રગટ થાય છે.
દેવર્ષિનું પાત્ર નાટકમાં અત્રતત્ર દેખા દે છે. સંસારયાત્રાના એ દ્રષ્ટા છે. સૃષ્ટિના પરમસત્ય(ઋત)ના એ પ્રવર્તક-પ્રસારક છે. નાયક-નાયિકાને સદધર્મમાં પ્રેરનાર મંગલમૂર્તિ છે.
કવિએ પ્રયોજેલી ડોલનશૈલી નાટ્યભાષાને અનોખું પરિમાણ આપે છે. દેવર્ષિનું ત્રિકાળદર્શન નિરૂપતા પ્રવેશમાં તેમજ અન્યત્ર પણ કવિની ભાવનાભિવ્યક્તિને એ પયગમ્બરી ઊંચાઈએ લઈ જાય છે. નાટકનાં ગીતોમાં તત્કાલીન રંગભૂમિના લોકપ્રિય લય-ઢાળો ઉપયોગમાં લેવાયા છે. કેટલાંક ગીતો શાસ્ત્રીય રાગોની છાયાવાળાં છે. ગીતના અંતરામાં કવિએ ક્યાંક ક્યાંક અક્ષરમેળ વૃત્તો ગોઠવી દીધા છે. હંસ-હંસીવાળું ર્દશ્ય આ નાટકમાં મનોહર ઊર્મિકાવ્ય જેવું અને નાટકની ઉજ્જ્વલ સ્નેહભાવનાનું દ્યોતક છે. ‘સૂના આ સરોવરે આવો હો રાજહંસ !’ અને ‘એક જ્વાલા જલે તુજ નૈનનમાં, રસજ્યોત નિહાળી નમું હું નમું’ જેવાં ઊર્મિગીતો નિતાન્ત મધુર છે.
આ પ્રકારનાં નાટકોની તખ્તાલાયકી વિવાદાસ્પદ ગણાતી હોય છે. તેમ છતાં ર્દષ્ટિસંપન્ન અભિનેતાઓનું સંઘકાર્ય નાટકની અભિનેયતાને અસરકારક રીતે ઉપસાવી શકે તેમ છે એવું આ નાટકના ભૂતકાળમાં થયેલા કેટલાક પ્રયોગો પરથી પ્રતીત થાય છે. ભાષા, ભાવ અને ભાવનાનું ત્રિવિધ સૌંદર્ય આ કૃતિમાં વિલસતું જણાય છે. એનામાં પ્રશિષ્ટ કૃતિનાં સર્વ લક્ષણો ર્દષ્ટિગોચર થાય છે. नाटकान्तम् कवित्वम् એમ કહેવાયું છે. ન્હાનાલાલની કવિત્વસિદ્ધિનો પૂર્ણ પરિચય આ એક જ કૃતિથી પામી શકાય તેમ છે.
નવનિધ શુક્લ