જયંતિયા ટેકરીઓ : હિમાલય પર્વતમાળાની પૂર્વે મેઘાલય રાજ્યમાં ગારો, ખાસી અને જયંતિયા નામની નીચી પર્વતમાળાઓમાં પૂર્વમાં આવેલી પર્વતમાળા. શિલોંગના ઉચ્ચપ્રદેશની આસપાસ તે પશ્ચિમથી પૂર્વ પથરાયેલી છે. કૂચબિહારથી શરૂ કરી છેક નાગાલૅન્ડની સીમાની અંદર સુધી આ ટેકરીઓની હારમાળા આવેલી છે. પહોળાઈ મેઘાલયની ઉત્તરદક્ષિણ સીમા પ્રમાણે વિસ્તરેલી છે. સાગરની સપાટીથી 1500 મી. સુધી ઊંચાઈ ધરાવતી આ ટેકરીઓમાં સૌથી ઊંચું શિલોંગ શિખર 1965 મી. છે. તે ભારતનો અને વિશ્વનો સૌથી વધુ વરસાદનો વિક્રમ ધરાવે છે. ખાસીમાં આવેલાં ચેરાપુંજીમાં 10,795 મિમી. અને મોસિનરમમાં 12,667 મિમી. કરતાં પણ અધિક વરસાદ પડે છે. આ ટેકરીઓ પર ચાની તથા બીજી ખેતી શરૂ કરવામાં આવી છે. જયંતિયા ટેકરીઓની નજીક આવેલાં અગત્યનાં નગરો રાજધાની શિલોંગ, ચેરાપુંજી, ગરમ પાણીના કુંડ માટે જાણીતું જાકરેમ તથા જોવાઈનો સમાવેશ થાય છે. જળકૃત ખડકોની બનેલી આ ટેકરીઓ સાગ, સાલ, વાંસ વગેરેની જંગલસંપત્તિની બાબતમાં સમૃદ્ધ છે. નાગાલૅન્ડમાં આ ટેકરીઓ બારાઈ પર્વતમાળામાં ભળી જાય છે. ગીચ જંગલો અને હિંસક પશુઓ તથા રોગિષ્ઠ આબોહવાને કારણે માનવવસ્તીનું પ્રમાણ છૂટુંછવાયું અને નહિવત્ છે.
મહેશ મ. ત્રિવેદી