આર્કિમીડીઝ સ્ક્રૂવાહક : આર્કિમીડીઝ સ્ક્રૂના સિદ્ધાંત અનુસાર કોલસા, રાખ વગેરેનું વહન કરવા માટે વપરાતું સાધન. ખાસ કરીને કોલસાથી ચાલતાં વિદ્યુતમથકોમાં આ સાધનનો ઉપયોગ થાય છે.
આર્કિમીડીઝ સ્ક્રૂ, આર્કિમીડીઝ નામના ગ્રીક વૈજ્ઞાનિકે ઈસુ પૂર્વેની ત્રીજી સદીમાં શોધ્યો હતો અને વહાણોમાં ભરાઈ જતા પાણીને ઉલેચવાના પંપ તરીકે તેનો ઉપયોગ થતો હતો. આ સ્ક્રૂના સિદ્ધાંત પર કામ કરતા સ્ક્રૂવાહકની રચના આકૃતિમાં બતાવી છે.
એક પોલા લાંબા નળાકારની મધ્યમાં આંટાવાળા સ્ક્રૂ જેવી સર્પિલ (helical) આકારની ધરી (shaft) રાખેલી હોય છે. નળાકારમાંના સ્ક્રૂને વિદ્યુતમોટર અથવા બીજી કોઈ રીતે ઘુમાવવામાં આવે ત્યારે પ્રવેશદ્વારમાંથી દાખલ થતો પદાર્થ (દા.ત., કોલસા) સ્ક્રૂના આંટાના સહારે આગળ ધકેલાય છે અને તે બીજે છેડે બહાર નીકળે છે. આમ એક સ્થળેથી બીજે સ્થળે તે પદાર્થનું સ્થળાંતર થાય છે.
થર્મલ વિદ્યુતમથકમાં બહારથી લાવીને ઠાલવેલા કોલસાને તેના સંગ્રહસ્થળ સુધી આવા સ્ક્રૂવાહક વડે લઈ જઈ શકાય છે. અહીં વપરાતા સ્ક્રૂનો વ્યાસ સામાન્ય રીતે 15 સેમી.થી 50 સેમી. જેટલો હોય છે. સ્ક્રૂની ધરી પર ફરવાની ઝડપ પ્રતિમિનિટ 70થી 120 આંટા જેટલી રાખવામાં આવે છે. આવો સ્ક્રૂવાહક દર કલાકે વધુમાં વધુ 125 ટન કોલસાનું વહન કરી શકે છે.
સ્ક્રૂવાહક જગા ઓછી રોકે છે તથા કિંમતમાં સસ્તો છે છતાં તેને ચલાવવામાં ઘણી ઊર્જા વાપરવી પડે છે. વળી આ સ્ક્રૂ ત્રીસેક મીટરથી વધુ લાંબો રાખી શકાતો નથી, કારણ કે જો તેમ કરીએ તો ધરીના સળિયામાં વળ ચડવાની શક્યતા રહે છે, આથી જ્યાં કોલસાને ટૂંકા અંતરે લઈ જવાનો હોય ત્યાં જ તે વપરાય છે, ઉપરાંત, આ સ્ક્રૂ જલદીથી ઘસાઈ પણ જાય છે.
કોલસાની જેમ, બૉઇલરમાં એકઠી થયેલી રાખને પણ તેના સંગ્રહસ્થળે પહોંચાડવા આવો સ્ક્રૂવાહક વપરાય છે.
પ્રવીણ શાહ