જયપાલસિંઘ (જ. 1903, રાંચી, બિહાર; અ. 20 માર્ચ 1970) : ભારતના સૌપ્રથમ ઑલિમ્પિક હૉકી-કૅપ્ટન તરીકેનું ગૌરવ ધરાવતા ખેલાડી. શાળાના અભ્યાસકાળ દરમિયાન હૉકીનો પ્રારંભ; ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પણ હૉકી રમતા. ત્યારબાદ કૉલકાતાની મોહનબાગાન ટીમ તરફથી હૉકી રમ્યા. 1930થી 1934 સુધી એ ટીમના સુકાની રહ્યા. 1928માં એમ્સ્ટર્ડામમાં યોજાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતીય હૉકી ટીમે તેમની આગેવાની હેઠળ પ્રથમવાર ભાગ લીધો અને પ્રથમ સ્થાને આવીને સુવર્ણચંદ્રક મેળવ્યો. આ ઑલિમ્પિકની પાંચે સ્પર્ધામાં ભારતે મેળવેલા વિજયોનું મહત્વ એ છે કે કોઈ પણ પ્રતિસ્પર્ધી ટીમ ભારત સામે એક પણ
ગોલ નોંધાવી શકી નહોતી. તેઓ લાંબા વખત સુધી ભારતની લોકસભાના સભ્ય પણ રહ્યા. વળી, પ્રથમ પાર્લમેન્ટેરિયન ક્રિકેટ ફેસ્ટિવલના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી.
પ્રભુદયાલ શર્મા