અષ્ટછાપ કવિઓ : વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુ વલ્લભાચાર્ય (સન 1479થી 1531) અને તેમના પુત્ર ગોસાંઈ વિઠ્ઠલનાથજી(સન 1459થી 1529)ના પુષ્ટિસંપ્રદાયમાં દીક્ષા પામેલા આઠ વિશિષ્ટ કવિઓ. તેમાં સૂરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, નંદદાસ, કુંભનદાસ ગોવિન્દદાસ, છીતસ્વામી, અને ચતુર્ભુજદાસનો સમાવેશ થાય છે. ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ પુષ્ટિમાર્ગની છાપ લગાવીને આઠ કવિઓને ‘અષ્ટછાપ’ કહ્યા છે. આમાંથી પ્રથમ ચાર મહાપ્રભુ વલ્લભાચાર્યજીના અને બીજા ચાર ગોસાંઈ વિઠ્ઠલનાથજીના શિષ્ય હતા.

અષ્ટછાપના આ આઠ કવિઓનું (હિન્દી ભાષાની) સગુણભક્તિધારાની કૃષ્ણભક્તિ શાખામાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. બધા જ કવિઓએ પોતાના આરાધ્ય વ્રજરાજની લીલાઓનું ગુણગાન વ્રજભાષામાં કર્યું છે. કૃષ્ણનું લોકરંજક રૂપ અને રાધાની સાથે શૃંગારમયી લીલાઓની લોકોત્તર છટાનું રસોન્મત્ત વર્ણન એ આ કવિઓની વિશેષતા છે. તેમનાં પદ જયદેવ અને વિદ્યાપતિનાં પદનું સ્મરણ કરાવે તેવાં છે. મુક્ત કાવ્યરચનાના ક્ષેત્રમાં કૃષ્ણભક્ત કવિઓએ શૃંગાર અને વાત્સલ્યને પરાકાષ્ઠાએ પહોંચાડ્યાં છે. આ સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રીનાથજીના અષ્ટયામ કીર્તનને માટે આ કીર્તનકારોએ સખાભાવથી પ્રેમભક્તિનાં પદો રચ્યાં છે. સખ્યભાવની ભક્તિને કારણે પણ આ આઠ કવિઓને ‘અષ્ટસખા’ નામથી ઓળખવામાં આવે છે. અષ્ટછાપીય પદાવલિની વિશેષતા એ છે કે તે છંદ અને તાલને આધારિત હોય છે. આથી જ અષ્ટછાપીય પદાવલિનો કાવ્યોત્કર્ષ સંગીતના નિકષ ઉપર જ આંકી શકાય છે. વિભિન્ન રાગ અને તાલમાં નિબદ્ધ થયેલી ગેય પદાવલિ અષ્ટછાપના કવિઓની હિન્દી સાહિત્યને અનુપમ ભેટ છે. આ કવિઓની પદાવલિના મુખ્ય વિષય મંગલાચરણ, ગુરુમહિમા, નામમાહાત્મ્ય, વ્રજમાહાત્મ્ય, ઋતુવર્ણન તથા ભાગવત ઉપર આધારિત શ્રીકૃષ્ણલીલાવર્ણન છે.

સગુણ ભક્તિધારાના આ આઠ કૃષ્ણભક્તોએ રાધાકૃષ્ણના લૌકિક અને અલૌકિક રૂપનું વર્ણન કરીને નિરાશામાં ડૂબેલી હિંદુ પ્રજાના મનમાં ઉત્સાહ અને આનંદનો સંચાર કર્યો હતો. આથી જ 5૦૦ વર્ષ પછી પણ આ આઠેય કવિઓ લોકપ્રિય રહ્યા છે.

સૂરદાસ (સન 1479-1581) : સૂરદાસની ગણના ‘સૂર-સૂર’ કહીને હિન્દી સાહિત્યના સર્વોત્કૃષ્ટ કવિઓમાં કરવામાં આવી છે. શરૂઆતમાં અંધ ગાયક હતા અને ગૌ ઘાટ ઉપર બેસીને આત્મદૈન્યનાં પદ ગાતા. તેમણે મહાપ્રભુ વલ્લભાચાર્ય પાસેથી દીક્ષા મેળવીને ભાગવતાનુમોદિત કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. શૃંગારની સાથે વાત્સલ્યપૂર્ણ લીલાવર્ણનમાં પણ તેઓ અદ્વિતીય હતા. કહેવાય છે કે સૂરદાસે સવા લાખ પદોની રચના કરી હતી. પરંતુ આજે પાંચ હજારથી વધુ પદ મળતાં નથી. તેમની પદાવલિ ‘સૂરસાગર’માં સંકલિત છે. અન્ય રચનાઓનું નામ ‘સૂરસાગર સારાવલી’ અને ‘સાહિત્યલહરી’ છે.

કૃષ્ણદાસ (સન 1496-1576) : આચાર્ય મહાપ્રભુના શિષ્ય અને સૂરદાસના સમકાલીન. ‘ચોર્યાસી’ વૈષ્ણવોની વાર્તામાં દર્શાવ્યું છે તેમ કૃષ્ણદાસ ગુજરાતમાં રહેતા હતા. અનુમાન છે કે તેઓ ચરોતરના પાટીદાર હતા. તેઓ શ્રીનાથજીના મંદિરના અધિકારી હતા. તેમણે શ્રીનાથજીના મંદિરમાં ગુજરાતી ભાષામાં હિસાબ લખવાની પરંપરાનો આરંભ કર્યો હતો, જે આજે પણ ચાલુ છે. કાવ્યદૃષ્ટિએ તેમની કવિતા સાધારણ કોટિની છે.

પરમાનંદદાસ (સન 1494-1584) : તેઓ મહાપ્રભુ વલ્લભાચાર્યના શિષ્ય અને ઉચ્ચ કોટિના સંગીતજ્ઞ હતા. તેઓ કનોજના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. તેમનાં 835 પદ ‘પરમાનંદ સાગર’માં સંકલિત છે. તેમની મોટી વિશેષતા બાળલીલાવર્ણન અને યુગલસ્વરૂપની ઉપાસના છે. તેમનાં વિરહનાં પદ અત્યંત માર્મિક, સરસ અને  ભાવપૂર્ણ છે.

નંદદાસ (સન 1534-1587) : અષ્ટછાપમાં સૂરદાસજી પછી કાવ્યોત્કર્ષની દૃષ્ટિએ નંદદાસનું નામ આવે છે. વલ્લભાચાર્યના આ શિષ્ય સંસ્કૃતના પંડિત અને કાવ્યમર્મજ્ઞ હતા. તેમના માટે એક કહેવત પ્રસિદ્ધ છે  ‘ઔર કવિ ગઢિયા, નંદદાસ જડિયા.’ તેમની પ્રસિદ્ધ રચના ‘રાસપંચાધ્યાયી’ છે. આ ઉપરાંત તેમની લખેલી અન્ય નવ રચનાઓ પણ પ્રસિદ્ધ છે. તેમાં ‘જ્ઞાનમંજરી’, ‘ભ્રમરગીત’ અને ‘સુદામાચરિત’ સવિશેષ ઉલ્લેખનીય છે.

કુંભનદાસ (સન 1469–1583) : કુંભનદાસ ગોસાંઈ વિઠ્ઠલનાથજીના શિષ્ય અને તેમના સમકાલીન. તેઓ ધન, માન, મર્યાદાની ઇચ્છાઓથી દૂર હતા, વિરક્ત હતા. અકબર બાદશાહે તેમને સિક્રી બોલાવ્યા ત્યારે કવિએ કહ્યું હતું, ‘સંતનકો સિકરીસોં કહા કામ, આવત જાત પન્હૈયા ટૂટે, બિસર જાય હરિનામ.’ તેમનો કોઈ ગ્રંથ પ્રસિદ્ધ નથી અને હજુ સુધી મળ્યો પણ નથી. છૂટાંછવાયાં પદો મળે છે અને તેનો વિષય કૃષ્ણની બાળલીલા અને પ્રેમલીલા જ છે.

ગોવિંદસ્વામી (સન 1505-1584) : ગોવિંદસ્વામીનાં સંગીત અને સ્વરચિત પદોથી પ્રસન્ન થઈ ગોસાંઈ વિઠ્ઠલનાથજીએ તેમનો સમાવેશ અષ્ટછાપમાં કર્યો હતો. તેઓ ગોવર્ધન પર્વત ઉપર રહેતા અને તેની પાસે જ કદંબનું ઉપવન બનાવ્યું હતું, જે આજ સુધી ‘ગોવિંદસ્વામીની કદંબખંડી’ તરીકે ઓળખાય છે. તેઓ કવિ ઉપરાંત પ્રખ્યાત સંગીતજ્ઞ પણ હતા. કહેવાય છે કે તાનસેન પણ ક્યારેક તેમને સાંભળવા માટે આવતા.

છીતસ્વામી (સન 1511-1584) : ગોસાંઈ વિઠ્ઠલનાથજીના શિષ્ય અને પોતાના સમયના જાણીતા સંગીતજ્ઞ. તેઓ મથુરાના ચોબા હતા અને રાજા બીરબલ જેવા ઉમરાવ લોકો તેમના યજમાન હતા. તેમનાં છૂટાંછવાયાં પદો લોકોના મુખે ગવાતાં સંભળાય છે. તેમનાં પદોમાં શૃંગાર ઉપરાંત વ્રજભૂમિ પ્રત્યેની પ્રેમવ્યંજના પણ દૃષ્ટિગોચર થાય છે.

ચતુર્ભુજદાસ (સન 1528-1586) : કુંભનદાસજીના પુત્ર અને ગોસાંઈ વિઠ્ઠલદાસજીના શિષ્ય. તેમની ભાષા પ્રવાહી અને સુવ્યવસ્થિત છે. ચતુર્ભુજદાસરચિત ત્રણ ગ્રંથો મળે છે : ‘દ્વાદશયશ’, ‘ભક્તિપ્રતાપ’ તથા ‘હિતજૂકો મંગલ’. આ ઉપરાંત છૂટાંછવાયાં પદોનો સંગ્રહ પણ મળી આવે છે.

અષ્ટછાપના આ આઠે કવિઓએ દાર્શનિક દૃષ્ટિથી શુદ્ધાદ્વૈત અને ભાવનાકીય દૃષ્ટિથી પુષ્ટિમાર્ગીય ભક્તિનું અત્યંત સુંદર નિરૂપણ સંગીતાધારિત વ્રજભાષાની કાવ્યપદાવલિમાં કર્યું છે.

અંબાશંકર નાગર