અષ્ટકનો નિયમ (law of octaves) : જે. એ. આર. ન્યૂલૅન્ડ્ઝે 1865માં રાસાયણિક તત્વોને પરમાણુભારના ચડતા ક્રમમાં ગોઠવીને બતાવ્યું કે આ રીતે તત્વોને હારમાં ગોઠવવામાં આવતાં હારમાંના દરેક આઠમા તત્વના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો મળતા આવે છે. આને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. સંગીતમાં દરેક આઠમો સૂર મળતો આવે છે તેની જેમ. તે વખતે જાણીતાં 62 તત્વોને તેણે આ પ્રમાણે ગોઠવ્યાં. તત્વોના ગુણધર્મોમાં આવર્તતા હોય છે એવી તેણે સૌપ્રથમ રજૂઆત કરી. તેથી આ નિયમને આવર્ત કોષ્ટકના પાયારૂપ ગણી શકાય. તેના આ કાર્યને તે જમાનામાં હાંસીપાત્ર ગણીને અવગણવામાં આવ્યું હતું. હાલના આવર્ત કોષ્ટકમાં પરમાણુક્રમાંકને પાયાના ગુણધર્મ તરીકે લેવામાં આવે છે.

અષ્ટકનો નિયમ દર્શાવતો કોષ્ટક

સૌ. "PTE-Law of Octaves" | CC BY-SA 2.0

પ્રવીણસાગર સત્યપંથી