જમાલુદ્દીન દાના (જ. 1493, જનૂક, ઈરાન; અ. 22 મે 1607, સૂરત) : માનવતાવાદી સૂફી સંત. નામ સૈયદ જમાલુદ્દીન અને ઇલકાબ ‘ખ્વાજા દાના’ હતો. પિતાનું નામ બાદશાહ ખ્વાજા પરદાપોશ. પિતા શાહ ઇસ્માઇલ સફવીના રાજ્યઅમલમાં ઈરાનમાં શહીદ થયા હતા. તેમના પિતાના શિષ્ય ખ્વાજા સૈયદ હસન અતાએ નદીકિનારે એક જંગલમાં 12 વર્ષ સુધી, પશુ-પ્રાણીઓ વચ્ચે તેનો ઉછેર કર્યો હતો. સંજોગોએ ખ્વાજા દાનાને શીખવ્યું કે સંસાર એક ધર્મશાળા સમાન છે, જગત ક્ષણભંગુર છે, છળકપટ અને દગાફટકાનું સ્થળ છે, મનની શાંતિ અપ્રાપ્ય છે, મૃત્યુની બીક રાખવાથી કંઈ પણ મળશે નહિ. ખ્વાજા દાનાના જીવનમાં કૃત્રિમતા હતી નહિ.
ખ્વાજા બાબાના દેહાંત પછી ખ્વાજા દાના બલ્ખ ગયા, ખ્વાજા અબ્દુલહાદીના મહેમાન થયા અને મૌલાના સઈદ તુર્કસ્તાની પાસેથી બધાં શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સૂફી જ્ઞાનમાં પારંગત થયા. તેમના મુરશિદ (ગુરુ) ખ્વાજા સૈયદ હસન અતા નક્શબંદી હતા. બલ્ખથી કેટલાક મિત્રો સાથે ભારતમાં આવ્યા પછી તે ઠઠ્ઠા, આગ્રા, વડોદરા થઈ સૂરત શહેરમાં સ્થાયી થયા. તે સમયે સૂરત ‘બાબુલ મક્કા’ કહેવાતું. ત્યાંથી લોકો હજ માટે મક્કા જતા.
બલ્ખના સુલતાન પીર મુહમ્મદખાન બિન જાનીબેગની બહેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. ખ્વાજા સઈદ મુહમ્મદ કાસિમ અને ખ્વાજા અન્વારુલ હસન નામના બે પુત્રો ખ્વાજા દાનાના દેહાંત પછી સૂફી નક્શબંદી ગાદી પર બિરાજમાન થયા હતા.
ખ્વાજા દાના ધર્મશાસ્ત્રના સિદ્ધાંતોમાં અજોડ શ્રદ્ધા ધરાવનારા અને ધર્મક્રિયાકાંડ કરનારા તેમજ જ્ઞાનની અઘરી સમસ્યાઓનો ઉકેલ બતાવનારા હતા. ગુજરાતમાં સૂફી નક્શબંદી પરંપરાને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. સમ્રાટ અકબરને તેમનામાં શ્રદ્ધા હતી અને તેનો પુત્ર દાનિયાલ તેમનો શિષ્ય હતો. સૂરતમાં તેમણે પોતાની ખાનકાહ (સૂફી મઠ) બંધાવેલી. તેમનો મકબરો સૂરતમાં એ ખાનકાહમાં છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ