જમા તથા ઉધાર-ચિઠ્ઠી

January, 2012

જમા તથા ઉધાર-ચિઠ્ઠી : જમાચિઠ્ઠી (credit note) : ખરીદીના હિસાબની સરભર અંગે વેપારી તરફથી મોકલાતી નોંધ. વેચાણ કરેલો માલ ગ્રાહક કોઈ કારણસર વિક્રેતાને પરત કરે ત્યારે વિક્રેતા તરફથી ગ્રાહકને મોકલવામાં આવતો દસ્તાવેજ. તેને જમાચિઠ્ઠી કહે છે; તે ચિઠ્ઠી મુજબની રકમ વિક્રેતાના હિસાબી ચોપડામાં ગ્રાહક ખાતે જમા થાય છે. વળી નીચેનાં કારણોસર પણ જમાચિઠ્ઠી લખવામાં આવે છે : (1) ગ્રાહકને વધુ રકમનું ભરતિયું મોકલવામાં આવ્યું હોય, (2) હિસાબી ગણતરીમાં ભૂલ હોય, (3) ગ્રાહકને વળતર આપવાનું હોય.

  જમાચિઠ્ઠીનો નમૂનો

ગુજરાત એમ્પોરિયમ

કાપડના વેપારી

 

નં. ડી 33

આણંદ

તારીખ વિગત રકમ (રૂ.)
2008 સપ્ટેમ્બર 1 સાડી નં. 25, દર સાડીના રૂ. 200ના ભાવે પરત મળી. 5000
ભૂલચૂક લેવીદેવી

ગુજરાત એમ્પોરિયમ વતી,

(સહી)

મૅનેજર

ઉધાર-ચિઠ્ઠી : ખરીદી કરનાર વેપારી ઉધાર ખરીદેલા માલ પૈકી કેટલોક માલ વિક્રેતાને પરત કરે ત્યારે ખરીદનાર તરફથી વિક્રેતાને મોકલવામાં આવતો પત્ર કે ચિઠ્ઠી. ઉધાર-ચિઠ્ઠીમાં – (1) માલ પરત કરનાર વેપારીનું નામ, (2) માલ અંગેની ચોખ્ખી રકમ, (3) માલ અંગેની સંપૂર્ણ વિગત, (4) માલ પરત કરવાનું કારણ દર્શાવવામાં આવે છે.

  ઉધારચિઠ્ઠીનો નમૂનો

સી.કે. ઍન્ડ સન્સ

 

નં. ડી/66

વિદ્યાનગર

તારીખ વિગત રકમ (રૂ.)

2008

સપ્ટેમ્બર 10

કાપડ મીટર 200, દર મીટરના

રૂ. 10ના ભાવે, નુકસાની

હોવાથી પરત કર્યું.

2000
ભૂલચૂક લેવીદેવી

સી. કે. ઍન્ડ સન્સ વતી,

(સહી)

મૅનેજર

ઉધાર-ચિઠ્ઠી નીચેના સંજોગોમાં મોકલવામાં આવે છે : (1) ખરીદેલ માલ નુકસાનીવાળો હોય, નમૂના મુજબ ન હોય કે હલકા પ્રકારનો હોય તેથી માલ પરત કર્યો હોય; (2) ખરીદેલ માલ કરતાં વિક્રેતાએ ભૂલથી વધુ રકમનું ભરતિયું મોકલ્યું હોય; (3) હિસાબની ગણતરીમાં ભૂલ થવાથી ખરીદનારે વધુ રકમ વિક્રેતા ખાતે જમા કરી હોય; (4) ખરીદનારે ખાલી બારદાન વગેરે પરત કર્યાં હોય તેથી વિક્રેતા પાસેથી કોઈ રકમ વસૂલ લેવાની નીકળતી હોય.

ઉધાર-ચિઠ્ઠી જેટલી રકમની હોય તેટલી રકમ ખરીદનારના હિસાબી ચોપડામાં વિક્રેતા ખાતે ઉધારવામાં આવે છે.

ચંદ્રકાન્ત સોનારા