અશ્રુવાયુ (tear gas) : આંખમાં બળતરા ઉત્પન્ન કરી વિપુલ પ્રમાણમાં આંસુ લાવનાર (lachrymators) અને આંખ ઉઘાડવાનું પણ મુશ્કેલ બનાવનાર વાયુરૂપ પદાર્થો. બેકાબૂ ટોળાને વિખેરવા સામાન્ય રીતે આ પદાર્થો વપરાય છે. આ પદાર્થોમાં હેલોજન અવશ્ય હોય છે અને તે ઘન કે પ્રવાહી રૂપે કે હાથબૉમ્બ (ગ્રેનેડ) રૂપે પણ હોઈ શકે. આ પદાર્થો બંદૂક જેવાં સાધનથી સરળતાથી હવામાં ધુમ્મસ રૂપે ફેલાવી શકાતા હોઈ તેને માટે ‘વાયુ’ શબ્દ વપરાય છે. તેમાં બ્રોમોબેન્ઝાઇલ સાઇનાઇડ, ω-ક્લૉરોએસેટોફિનોન (સીએપી), અને ઑર્થોક્લૉરો બેન્ઝાલ મેલોનોનાઇટ્રાઇલ જેવા પદાર્થોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. તેની વધુ અસર થતાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ક્વચિત્ મૃત્યુ નીપજવાના દાખલા પણ બન્યા છે. જીનીવા આચારસંહિતા પ્રમાણે યુદ્ધમાં આ પદાર્થો વાપરવાની મનાઈ છે. સીએપીની બનાવટ નીચે પ્રમાણે કરી શકાય છે.
પ્રવીણસાગર સત્યપંથી