જથ્થાબંધ વેપાર : માલસામાનના વેચાણ-વિતરણની પરોક્ષ રીતમાં ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટેની એક કડી. જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરી, સંગ્રહ કરી, બજારને અમુક અમુક ભાગમાં વિભાજિત કરી, માગ અને પુરવઠાને સમતુલિત કરી વેચાણ કરે છે તથા યોગ્ય માહિતીસંચાર કરવાનું અને છૂટક વેપારીઓને મદદ કરવાનું કાર્ય કરે છે.
જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદકોને સીધી રીતે મદદ કરે છે. આમાં ફરિયાદ-નિકાલ, ગુણવત્તા-જાળવણી, જાહેરાત, જથ્થાબંધ ખરીદીના લાભ, સંગ્રહની સગવડો વગેરે મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત છૂટક વેપારીઓને પણ તે વિવિધ સેવાઓ આપે છે, જેમાં માલનો સંગ્રહ, શાખ ઉપર વેચાણ, વેચાણવધારો, સલાહસૂચનો, જાહેરાત ખર્ચ, વાહનવ્યવહારની સગવડો મહત્વની છે. જથ્થાબંધ વેપારીઓ દ્વારા સમાજને પણ લાભ મળે છે. સમાજના લોકોને માગ પ્રમાણે વસ્તુઓ મળે છે. વિતરણની ખામીઓ દૂર કરી શકાય છે. સંગ્રહખોરી જેવા પ્રશ્નો દૂર કરી ભાવસપાટી અને જીવનવ્યવહાર નિયમિત કરવામાં તે ફાળો આપે છે. સામાજિક રીતે ઊભી થતી કેટલીક ગેરરીતિઓ દૂર કરવામાં જથ્થાબંધ વેપારનો ફાળો મહત્વનો છે.
સંદીપ ભટ્ટ