મક્દિસી (અલ્-મક્દિસી) (જ. 946, અલ્-બયતુલ મક્દિસ, જેરૂસલેમ; અ. 1000) : અરબ ભૂગોળશાસ્ત્રી અને પ્રવાસી. તેમનું નામ શમ્સુદ્દીન અબૂ અબ્દિલ્લા મુહમ્મદ ઇબ્ન અહમદ અલ્-બન્ના અશ્-શામી અલ્-મક્દિસી. તેમણે સ્પેન, સિજિસ્તાન અને ભારત સિવાયના બધા મુસ્લિમ દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે અરબીની સૌથી મૂલ્યવાન ભૂગોળવિષયક કૃતિ લખી હતી. તેનું નામ ‘અહસનુત તકાસીમ ફી મઅરિફતિલ અકાલીમ’ છે. આ કૃતિ લેખકના 20 વર્ષના પ્રવાસોના પરિશ્રમનું ફળ છે. તેની રચનાનું સમાપન 985 અથવા 988માં થયું હતું. તેમાં તે સમયના મુસ્લિમ દેશોના લોકોની આર્થિક સ્થિતિ, રહેણીકરણી, વસ્તી વગેરેની માહિતી છે. લેખકે જાતે કરેલાં નિરીક્ષણોનો વ્યાપક આધાર લેવાની સાથે સાથે તેમના પુરોગામી લેખકો જેવા કે ઇબ્ન ખુર્દાઝબિહ તથા ઇબ્નુલ ફકીહ અલ્-હમઝાનીનાં પુસ્તકોની પણ મદદ લીધી છે. યુરોપમાં મક્દિસી તથા તેમના પુસ્તકનો પહેલવહેલો પરિચય સ્પ્રૅન્ગરે કરાવ્યો હતો. તેઓ 1864માં ભારતમાંથી અહસનુત તકાસીમની હસ્તપ્રત પોતાની સાથે લઈ ગયા હતા. તેને બર્લિન-હસ્તપ્રત કહેવાય છે. આ પુસ્તકની 1260માં તૈયાર થયેલી એક વધુ હસ્તપ્રત ઇસ્તંબુલમાંથી મળી આવી છે, પરંતુ તેનું નામ ‘કિતાબુલ અકાલીમ’ છે. આ બંને હસ્તપ્રતોના આધારે દ ગૉજેએ ‘બિબ્લિયૉથિકા જ્યૉગ્રાફૉરેમ અરૅબિકૉરમ–3’(Leyden, 1877)માં તે કૃતિ પહેલી વાર 1877માં અને તેની બીજી આવૃત્તિ 1906માં પ્રગટ કરી હતી. અરબી ભાષાના અન્ય લેખકો અલ્-બલખી, અલ્-ઇસ્તખરી તથા ઇબ્ન હવકલની ભૂગોળવિષયક કૃતિઓની જેમ ‘અહસનુત તકાસીમ’માં પણ નકશાઓ આપવામાં આવ્યા છે. અલ્-મક્દિસીના નકશાઓને કે. મિલરે ‘મૅપે અરેબિકે(Mappae Arabicae) (Vol. I–V)માં 1926–31માં સ્ટટગાર્ટથી પ્રસિદ્ધ કર્યા હતા. મક્દિસીનાં ભૂગોળવિષયક પુસ્તકોના કેટલાક અંશોનો અંગ્રેજી અનુવાદ પણ એ. એ. રૅન્કિંગ અને આર. એફ. આઝૂના Biblio-theca, Calcutta(1897–1910, Vol. I–IV)માં છપાયો હતો. આ લખાણમાં મક્દિસીએ જે તે પ્રદેશના વર્ણનમાં ત્યાંની સ્થાનિક ભાષાના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરતાં તેની શૈલી અઘરી બની ગયેલી જણાય છે.
મકસૂદ એહમદ
અનુ. મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી