ચૌધરી, નીરદ સી. (જ. 23 નવેમ્બર 1897, કિશોરગંજ, હાલ બાંગ્લાદેશ; અ. 1 ઑગસ્ટ 1999, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી ગદ્યના સમર્થ સ્વામી લેખાતા ભારતીય સાહિત્યકાર. ‘મૉડર્ન રિવ્યૂ’(કોલકાતા)ના સહાયક તંત્રી, અગ્રણી રાજકીય નેતા શરદ બોઝના એક વખતના મંત્રી, ઑલ ઇન્ડિયા રેડિયોના વૃત્તાંતવિવેચક – એમ તેમની પ્રતિભા વિવિધ ક્ષેત્રે વિકસી છે. એમાં સૌથી વધુ લેખન-સફળતા તેમને પત્રકાર અને લેખક તરીકે સાંપડી છે. સદી વટાવી ચૂકેલા અને અંગ્રેજીમાં લખતા રહેલા ભારતીય લેખકના જેવાં પ્રભુત્વ અને સરસતા તેમની પૂર્વેના કે અત્યારના બીજા કોઈ લેખકે અંગ્રેજી ભાષા પરત્વે દાખવ્યાં નથી; આ તેમની વિરલ સિદ્ધિ છે.
પ્રારંભિક શિક્ષણ કિશોરગંજ અને કોલકાતામાં મેળવ્યા બાદ કોલકાતાની રિપન કૉલેજમાં પ્રખ્યાત બંગાળી લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સાથે અભ્યાસ કર્યો. બાદમાં કોલકાતાની પ્રખ્યાત સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં જોડાયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં ઑનર્સ સાથે ગુણવત્તા યાદીમાં પ્રથમ સ્થાન મેળવી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ એમ.એ. કક્ષાએ જાણીતા ઇતિહાસકાર પ્રો. કાળિદાસ નાગના સેમિનારમાં હાજરી આપી; પરંતુ એમ.એ.ની અંતિમ પરીક્ષા આપી ન શકવાથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી ન શક્યા.
ભારતીય લશ્કરના હિસાબ ખાતામાં કારકુન તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી, સાથોસાથ પ્રચલિત સામયિકોમાં લેખો લખ્યા. 18મી સદીના પ્રખ્યાત બંગાળી કવિ ભરતચંદ્ર અંગેનો પ્રથમ લેખ અત્યંત પ્રસિદ્ધ અંગ્રેજી મૅગેઝિન ‘મૉડર્ન રિવ્યુ’માં પ્રગટ થયેલો. ત્યારબાદ પત્રકાર અને જાણીતા અંગ્રેજી અને બંગાળી મૅગેઝિન ‘મૉડર્ન રિવ્યુ’, પ્રવાસી અને સોનીબરેર ચિથીના તંત્રી તરીકે જોડાયા. 1932માં તેઓ જાણીતાં લેખિકા અમિય ધાર સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને દામ્પત્યજીવનથી ત્રણ પુત્રો પ્રાપ્ત થયા.
1938માં તેઓ ભારતમાં આઝાદીની ચળવળના રાજકીય નેતા શરતચંદ્ર બોઝના સેક્રેટરી તરીકે જોડાયા. એના પરિણામસ્વરૂપ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને શરતચંદ્ર બોઝ – સુભાષચંદ્ર બોઝના નિકટવર્તી સંપર્કમાં આવ્યા. ભારતીય રાજકારણમાં તેમણે ભારતીય રાજકીય વર્તુળોમાં કામગીરી દ્વારા સારી પ્રગતિ સાધી અને ભારતીય રાજકીય નેતાગીરીની શક્તિ વિશેનો ભ્રમ દૂર થયો. તેમને આકાશવાણીની કોલકાતા શાખાના રાજકીય વિવેચક નીમવામાં આવ્યા હતા. 1941થી તેમણે આકાશવાણી દિલ્હી શાખા માટે કામગીરી શરૂ કરી.
બ્રિટિશ રાજકર્તાઓને આપણને સમાન નહિ ગણવા બદલ દોષિત ઠરાવતાં તેમનાં વિધાનોથી નારાજ થઈને તેમને સરકારી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા. પૅન્શનથી વંચિત કરવામાં આવ્યા અને ભારતમાં લેખક તરીકે બ્લૅક લિસ્ટમાં મૂકી અભાવગ્રસ્ત જીવન જીવવાની ફરજ પાડી. વધુમાં તેમને આકાશવાણીના રાજકીય વિવેચકની જગ્યા છોડવી પડી કારણ કે ભારત સરકારે કર્મચારીને સંસ્મરણો પ્રસિદ્ધ કરતાં અટકાવતા કાયદાની ઘોષણા કરી.
1955માં બ્રિટિશ કાઉન્સિલ અને બીબીસીએ સંયુક્તપણે તેમને આઠ અઠવાડિયાં માટે ઇંગ્લૅન્ડ લઈ જવાની વ્યવસ્થા કરી અને બીબીસીમાં પ્રવચનો આપવા જણાવ્યું. તેમણે બ્રિટિશ જીવન વિશે આઠ પ્રવચનો આપ્યાં જેનો પાછળથી ‘અ પૅસિજ ટૂ ઇંગ્લૅન્ડ’માં સંગ્રહ કરાયો અને સુધારા સાથે સંપાદિત કરાયાં.
બંગાળીમાં પણ તેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે : બંગાળી જીવન રમણી (રૉલ ઑવ્ વુમન ઇન બેંગાલી લાઇફ); આત્મઘાતી બંગાળી (સ્યૂસાઇડલ બેંગાલી); આત્મઘાતી રવીન્દ્રનાથ (સ્યૂસાઇડલ રવીન્દ્રનાથ); આમાર દેવોત્તર સંપત્તિ (માય લિક્વિડ પ્રોપર્ટી); નિર્વાચિત પ્રબંધ (સિલેક્ટેડ એસેજ); આજી હોતે સતવર્ષ એજ (અ હન્ડ્રેડ ઇયર્સ એગો).
નીરદબાબુ તેમનાં નિર્ભીક તથા વિચિત્ર મંતવ્યો–અભિપ્રાયોને કારણે વિવાદનું કેન્દ્ર પણ બનેલા છે, પરંતુ તેમના સર્જન-સામર્થ્ય વિશે કોઈ વિવાદ નથી; બંગાળી સર્જનક્ષેત્રે તેઓ વિરાટ વિભૂતિ લેખાય છે.
તેમને પ્રથમ યશ અપાવનાર કૃતિ તે ‘ઍન ઑટોબાયૉગ્રાફી ઑવ્ ઍન અનનોન ઇન્ડિયન’ (1951). આ ગ્રંથને પરિણામે તેમને બીબીસી તરફથી લેખક તરીકે ઇંગ્લૅન્ડની મુલાકાત લેવાનું નિમંત્રણ મળ્યું. ઈ. એમ. ફૉર્સ્ટરની કૃતિ સાથે શીર્ષકસામ્ય ધરાવતી પ્રવાસવર્ણનની કૃતિ ‘અ પૅસિજ ટૂ ઇંગ્લૅન્ડ’ (1959) લખાઈ તે આ પરદેશ-પ્રવાસનું સુખદ પરિણામ લેખાય. કોઈ ભારતીય લેખકની કૃતિ ઇંગ્લૅન્ડમાં ‘બેસ્ટ સેલર’ બને એવી આ સર્વપ્રથમ ઘટના હતી.
1965માં લખાયેલી ‘કૉન્ટિનન્ટ ઑવ્ સર્કી’ બદલ તેમને ડફ કૂપર મેમૉરિયલ પ્રાઇઝ મળ્યું. આ પ્રાઇઝ માટે પસંદગી પામનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ભારતીય હતા. આ પુસ્તકમાં તેમનો આકરો મિજાજ અને તેજીલી જબાન જોવા મળે છે. તેમાં તેમણે ભારતમાંના ધૂળ, ગંદકી, તેમજ કામભાવ તથા સંસ્કૃતિ પ્રત્યેના હિંદુઓના વલણ અંગે આક્રોશ ઠાલવ્યો છે. આ પુસ્તકોનાં વિષયવસ્તુ તથા વલણ જોતાં તે પશ્ચિમી વાચકવર્ગ માટે લખાઈ લાગે છે. બીજાં 2 મહત્વનાં પુસ્તકો ‘ધ ઇન્ટલૅક્ટ્યુઅલ ઇન્ડિયા’ (1967) તથા ‘ટુ લિવ ઑર નૉટ ટુ લિવ’ (1971) ખાસ ભારતીય વાચકો માટે લખાયાં છે. તેમનાં બીજાં 2 મહત્વનાં સર્જનો તે ‘ક્લાઇવ ઑવ્ ઇંડિયા : અ પૉલિટિકલ ઍન્ડ સાઇકૉલૉજિકલ એસે’ (1975) તથા ‘સ્કૉલર એક્સ્ટ્રાઑર્ડિનરી : ધ લાઇફ ઑવ્ પ્રોફેસર ધી રિટાયર્ડ, ઑનરેબલ ફીડરિશ મેક્સમૂલર’ (1974) આત્મકથાત્મક છે. આમાંથી બીજી કૃતિ માટે તેમને 1975નો સાહિત્ય એકૅડેમી ઍવૉર્ડ મળ્યો હતો. ‘હિંદુઇઝમ, અ રિલિજિયન ટુ લિવ બાય’ (1979) એ પણ એક યશદા કૃતિ છે.
તેમણે પરદેશનાં તથા ભારતનાં અનેક નામી સામયિકો તથા વર્તમાનપત્રોમાં સંખ્યાબંધ લેખો લખ્યા છે.
સામાન્ય રીતે બંગાળીભાષી પ્રજાજનોની એવી ફરિયાદ રહી છે કે નીરદબાબુએ બંગાળી ભાષાસાહિત્યની ઉપેક્ષા કરી છે. કદાચ આના પ્રતિભાવ રૂપે જ તેમણે આયુષ્યની એક સદી પૂરી કરવાના પ્રસંગે આપેલી એક મુલાકાતમાં તે પોતાની આત્મકથા માતૃભાષા બંગાળીમાં જ લખશે એવું કહ્યું હતું.
તેમણે ઇંગ્લૅન્ડમાં જ સ્થાયી વસવાટ સ્વીકાર્યો હતો અને આંગ્લસંગીત, સાહિત્ય, રહેણીકરણી તથા સંસ્કૃતિના તે ચાહક હતા. છતાં તેમના અંગત ગમા-અણગમા – ખાસ કરીને ભારત વિશેના – તથા તેમનાં વિવાદાસ્પદ મંતવ્યોને બાજુએ રાખીએ તો તેમણે આંગ્લ વાચકવર્ગને ભારતીય માનસને યથાર્થ રીતે સમજાવવાનો જે નિષ્ઠાભર્યો લેખન-પુરુષાર્થ કર્યો છે તે મૂલ્યવાન લેખાશે.
1990માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ્ની માનાર્હ પદવી આપેલી; આ ઉપરાંત ‘કમાન્ડર ઑવ્ ધ બ્રિટિશ ઍમ્પાયર’(CBE)નો ખિતાબ પણ અપાયેલો.
મહેશ ચોકસી