મકવાણા, તેજીબહેન ગોવિંદભાઈ

January, 2002

મકવાણા, તેજીબહેન ગોવિંદભાઈ (જ. 1944, સિંધ, હૈદરાબાદ) : ભાતીગળ કલાશૈલીનાં લોકકલાકાર. મૂળ કચ્છનાં વતની. 1947માં ભારતના ભાગલા થતાં પિતા નગાભાઈ સાથે જૂનાવાડજ અમદાવાદમાં ગાંધીનગર ટેકરા પર આવીને વસ્યાં. પિતા મોચીનું કામ કરતા હતા. તેઓ તેમને ચંપલ બનાવવામાં મદદ કરતાં. 14 વર્ષની વયે ગોવિંદભાઈ સાથે તેમનાં લગ્ન થયાં.

તેઓ માતા પાસેથી ભરતકામ શીખેલાં. શરૂઆતમાં રતનપોળના વેપારીઓના હસ્તકલાના કામથી પ્રારંભ કર્યો. તે દરમિયાન હૅન્ડિક્રાફ્ટ બૉર્ડની સ્થાપના થતાં  તેમાં જોડાયાં. તેમણે બૉર્ડને અનુકૂળ કારીગરીનું કામ પૂરું પાડ્યું.

1982માં હૅન્ડિક્રાફ્ટ બૉર્ડ દ્વારા ઇંગ્લૅન્ડમાં ભરાયેલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં તેજીબહેનની કલાનું નિદર્શન કરવામાં આવ્યું. તેમણે વિદેશમાં ભારતની હસ્તકલાની ખ્યાતિ વધારી. 1987માં અમેરિકામાં શિકાગો ખાતે ભરાયેલ પ્રદર્શનમાં સરકારનાં કલાકાર પ્રતિનિધિ તરીકે તેઓ ગયાં. ત્યાં 15 દિવસ સુધી તેમની કલાકૃતિઓનું પ્રદર્શન યોજાયું.

આ ઉપરાંત સૂરજકુંડ ખાતે બે વખત વિદેશીઓ તેમજ ભારતીયો આગળ તેમણે તેમની કલાકૃતિઓનું નિદર્શન કર્યું. તે ઉપરાંત તેમણે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી અને વડોદરામાં યોજાયેલ કલાપ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.

1986માં સરકાર તરફથી તેમની ઉત્કૃષ્ટ કલાશૈલી બદલ તેમને રાષ્ટ્રીય મેરિટ સર્ટિફિકેટ તથા 1988માં રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં. લલિત કલા માટે તેમને રાજ્ય સરકારનો 1989–90નો શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.

આ ઉપરાંત કુટિર ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રતિભા દાખવવા બદલ તેમને 1997ના વર્ષનો ‘શક્તિ’ ઍવૉર્ડ; 1998ના વર્ષનો મહિલા ઉદ્યોગ સાહસિક ઍવૉર્ડ; 1999ના વર્ષનો સ્વદેશી મેલા, નવી દિલ્હી પુરસ્કાર અને 2000ના વર્ષમાં ઇન્ડિયન એસોસિયેશન, દુબઈ તરફથી ‘ઇન્ડિયા ફેર’ પુરસ્કાર મળ્યા છે.

બળદેવભાઈ કનીજિયા