ચૌધરી, ચરણસિંહ (જ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો; અ. 29 મે 1987, ન્યૂદિલ્હી) : ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા. હકીકતમાં ચરણસિંહના જન્મ વખતે તેઓ એક જમીનદારના ગણોતિયા હતા. એમના બે કાકા લશ્કરમાં સૈનિક હતા. ચરણસિંહે હાઈસ્કૂલનું શિક્ષણ મેરઠમાં અને આગ્રામાં લીધેલું. 1923માં બી.એસસી. અને 1925માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયેલા. ત્યાર પછી કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો. 1928માં ગાઝિયાબાદમાં વકીલાત શરૂ કરી. તે સાથે સ્વતંત્રતાના આંદોલનમાં, ખાસ કરીને 1930ના મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો. તેમને છ માસની જેલની સજા થઈ. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયા તેથી એક વર્ષની સજા થઈ. ફરીથી 1942ની ચળવળમાં ભાગ લેતાં જેલવાસ ભોગવ્યો.
ચરણસિંહની રાજકીય કારકિર્દી જિલ્લા કક્ષાની પ્રવૃત્તિઓથી શરૂ થઈ હતી. સૌપ્રથમ 1932માં તેઓ જિલ્લા લોકલ બોર્ડના ઉપપ્રમુખ બન્યા હતા. 1937ની પ્રાંતિક વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉત્તરપ્રદેશ સરકારમાં સંસદીય મંત્રી તરીકે 1946થી 1951 સુધી; અને ત્યારબાદ 1967 સુધી પ્રધાનમંડળમાં જુદી જુદી જવાબદારી સંભાળી હતી.
1967માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ‘ભારતીય ક્રાંતિદળ’ની સ્થાપના કરી. વિધાનસભામાં સમાજવાદી અને બીજા પક્ષો સાથે જોડાણ કરી તેઓ 1967માં અને 1970માં ઉત્તરપ્રદેશના પંતપ્રધાન બન્યા. 1977માં જનતા પક્ષની રચનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. તેઓ સંસદમાં ચૂંટાઈ આવ્યા અને ગૃહપ્રધાન બન્યા. 1979માં નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન બન્યા. ‘લોકદળ’ પક્ષની રચના કરી. જુલાઈ 1979માં વડાપ્રધાન બન્યા અને આ સ્થાન પર જાન્યુઆરી 1980 સુધી ચાલુ રહ્યા.
ખેતીના અર્થકારણ અંગે તેમના પોતાના આગવા વિચારો હતા, જોકે તેઓ આ બાબતમાં પોતે ગાંધીવાદી હોવાનો દાવો કરતા હતા. જાહેરજીવનની શરૂઆતથી જ તેમણે ખેતી-સંવર્ધન અને ખેતી-ઉત્પાદન અંગે સક્રિય રસ લીધો હતો. 1938માં એક વ્યક્તિગત ધારાસભ્ય તરીકે ‘ખેતી-ઉત્પાદન બજાર’ અંગેનું ખાનગી વિધેયક (બિલ) ધારાસભામાં રજૂ કર્યું. આ બિલનો મુખ્ય હેતુ વેપારીઓ સામે ખેડૂતોને રક્ષણ આપવાનો હતો. જે ગણોતિયા જાતે ખેતી કરવા તૈયાર હોય અને જમીનની કિંમત જમીનદારને આપવા માટે તૈયાર હોય તેમને જમીનમાલિક બનાવવા અંગેનું બિલ પણ 1939માં તૈયાર કર્યું હતું. 1939ના ખેડૂતોના ઋણની નાબૂદીનો ખરડો ઘડવામાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. 1956માં કૉંગ્રેસે જ્યારે અવાડી અધિવેશનમાં સહકારી ખેતી પર ભાર મૂક્યો ત્યારે ચરણસિંહે તેનો વિરોધ કર્યો. 1959માં તેઓએ ‘જૉઇન્ટ ફાર્મિગ ઍક્સરેડ : ધ પ્રૉબ્લેમ ઍન્ડ ઇટ્સ સોલ્યૂશન ટુ ઇન્ડિયાઝ પૉવર્ટી’ પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તકની બીજી આવૃત્તિ 1964માં ‘ઇન્ડિયાઝ પૉવર્ટી ઍન્ડ ઇટ્સ સોલ્યૂશન’ નામે પ્રકાશિત થઈ. ત્યાર પછીનાં એમનાં બે મહત્ત્વનાં પુસ્તકો છે : (1) ‘ઇન્ડિયાઝ ઇકૉનૉમિક પૉલિસી’ (1979); (2) ‘લૅન્ડ રિફૉર્મ્સ ઇન યુ. પી. ઍન્ડ ધ કુલાક્સ’ (1986). ભારતની આર્થિક સ્થિતિના પૃથક્કરણ અને કેવા પ્રકારની નીતિ ઘડાવી જોઈએ કે જેથી ગરીબી ઘટે અને ભારતનો વિકાસ થાય તે અંગે તેમના આગવા વિચારો ઉપરનાં પુસ્તકોમાં દેખાય છે. ગાંધીજીની માફક તેઓ પણ ખેતીના વિકાસને ઉદ્યોગો કરતાં વધુ પ્રાધાન્ય આપતા હતા. તેઓ માનતા હતા કે ભારત જેવા દેશોમાં ખેતી એ આજીવિકાનું જ નહિ પણ ઉત્પાદનનું એક મહત્ત્વનું સાધન છે. ખેતી જેટલી વિકસે, જેટલું વધારે ઉત્પાદન થાય, તેટલો મૂડીનો સંચય વધારે થાય અને ત્યારબાદ આ મૂડીનો જરૂરી ઉદ્યોગો સ્થાપવા અને વિકસાવવા માટે ઉપયોગ કરી શકાય. ખેતીનું ઉત્પાદન વધારવા માટે જમીનસુધારણાના ખાસ કરીને જમીનદારી પ્રથા નાબૂદ કરવાના તેઓ હિમાયતી હતા. તે સાથે તેઓ જમીનની ટોચમર્યાદા માટે ઉત્સુક ન હતા. તેઓ માનતા હતા કે જાતે જમીન ખેડનારામાંથી મોટા ભાગના પાસે ઘણી વધારે જમીન નથી તેથી તે બીજાને આપવામાં ફાજલ પાડી શકાય નહિ એટલે જમીનદાર કે જે જાતે જમીન ખેડતા નથી તેમની પાસેથી જમીન લઈ જે તે જમીન જે ગણોતિયા ખેડતા હોય તેમને અપાવવી જોઈએ. પણ તેથી વધુ જમીનની વહેંચણી શક્ય નથી અને જરૂરી પણ નથી. તેઓ માનતા કે ઘણી બધી જમીન ધરાવનારાઓનું હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે કારણ કે થોડી જમીન પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેઓ યંત્રનો ઉપયોગ કરે છે. ખેતીના યાંત્રિકીકરણથી ખેતી પર આધાર રાખતા લોકોને કામ કરવાની તક ઝૂંટવાઈ જાય છે. આથી ઊલટું ઓછી જમીન ધરાવતા ખેડૂત દ્વારા હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય છે. એટલે સહકારી ખેતી કે જેમાં વધારે જમીન હોય તેમાં ઉત્પાદન ઘટે. વળી તે દ્વારા અમલદારશાહી વધે અને અમલદારોનો એક નાનો વર્ગ વચેટિયા તરીકે ઊભો થાય, જેના પરિણામે લોકોનો ઉત્સાહ ઘટે અને લોકશાહી ખતમ થાય. તેઓ ગામડાંઓના વિકાસ પર ખાસ ભાર મૂકતા હતા. ઉત્તરપ્રદેશના ખેડૂત આંદોલન પર ચરણસિંહના વિચારોનો પ્રભાવ રહ્યો છે. ભારતનો સર્વોચ્ચ ઍવૉર્ડ ભારતરત્ન તેઓને મરણોત્તર આપવામાં આવ્યો છે. આ ઍવૉર્ડ ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં તેમના ખેતી વિષયક પ્રદાન માટે એનાયત થયો.
ઘનશ્યામ શાહ