ભોસલે : છત્રપતિ શિવાજીનું કુળ. મરાઠાઓમાં ભોંસલે કુળના સરદારો ચિતોડ અને ઉદયપુરના સિસોદિયા રાણાઓના વંશજો હોવાનો દાવો કરે છે. ચૌદમી સદીના આરંભમાં અલાઉદ્દીન ખલજીએ ચિતોડનું રાજ્ય ઉજ્જડ કરી દીધા પછી તેમના કુટુંબના કેટલાક સભ્યો દક્ષિણમાં ગયા. અહમદનગરના નિઝામશાહી સુલતાનની સેવામાં રહેલા મલિક અંબરે યુદ્ધો અને વહીવટમાં હિંદુઓનો સહકાર મેળવીને મુઘલોની પ્રગતિ રોકી હતી. આ રાજકીય સંઘર્ષમાં શિવાજીના દાદા માલોજી અને પિતા શાહજીની મલિક અંબરને ઘણી મદદ મળી હતી. સમય જતાં તેમણે પોતાની તાકાત પારખીને સત્તા પ્રાપ્ત કરી.
દેવગિરિના લુખજી જાદવની પુત્રી જિજાબાઈને શાહજી ભોંસલે સાથે પરણાવવામાં આવી હતી. શાહજી એક બહાદુર યોદ્ધો હતો અને તેણે મુઘલો સામે અહમદનગરની નિઝામશાહીની સત્તા ટકાવી હતી. આ રીતે મુઘલોની અપ્રતિમ તાકાત સામે માલોજી અને તેનો પુત્ર શાહજી ભોંસલે બહાદુરીપૂર્વક ઝૂઝ્યા હતા. તેમણે તૈયાર કરેલી ભૂમિકાનો શિવાજીએ પણ લાભ લીધો. મુઘલ શહેનશાહો જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે દખ્ખણને જીતવાના પ્રયાસો કર્યા અને ભોંસલે સરદારોએ તેનું રક્ષણ કર્યું. જોકે મુઘલ સમ્રાટોની અદ્વિતીય તાકાતની તુલનામાં ભોંસલે સરદારોનાં સાધનો ક્ષુલ્લક હતાં. માલોજી અને શાહજીએ નિઝામશાહીની કરેલી નોંધપાત્ર સેવાઓના બદલામાં જાગીરો મેળવી હતી. અહમદનગરના સુલતાનોને માટે ભોંસલે સરદારો અનિવાર્ય બની ગયા હતા. અહમદનગર પાસે ભાટવાડીની લડાઈ(1624)માં દિલ્હી અને બીજાપુરનાં સૈન્યોને હરાવવા માટે શાહજીને યશ અને અનુભવ મળ્યો. તે પછી શાહજહાંના સૈન્ય સામે ઘણાં વર્ષો પર્યંત શાહજીએ નિઝામશાહીનું રક્ષણ કર્યું. અનેક વર્ષોનાં યુદ્ધો બાદ 1636માં મુઘલો અહમદનગર જીતી શક્યા. તે પછી શાહજીએ બીજાપુરના સુલતાનની સેવા સ્વીકારી. શાહજીના પુત્ર શિવાજીને સ્વતંત્ર થવાના સંસ્કાર બાળપણથી મળ્યા હતા. શિવાજીના વિજયો તથા સ્વરાજની સ્થાપનાનો ઇતિહાસ સર્વવિદિત છે. શિવાજી પછી સંભાજી, રાજારામ, શાહુ મહારાજ વગેરે છત્રપતિઓ બન્યા. વળી મરાઠા સત્તાનું વિભાજન થયું અને સાતારા ઉપરાંત કોલ્હાપુરમાં ભોંસલે કુળની નવી મરાઠા સત્તા સ્થાપવામાં આવી.
નાગપુરના ભોંસલે રાજાઓ સાતારાના છત્રપતિઓનાં નિકટનાં સગાં હોવાનો દાવો કરતા હતા. તેઓ પુણે જિલ્લામાં હિંગણેના પટેલ હોવાથી તેઓ હિંગણેકર ભોંસલે કહેવાતા હતા. ત્યાંની ગાદીનો સ્થાપક મુધોજી હતો. મુધોજીનો ભાઈ રૂપાજી અને પુત્ર પરસોજી ભોંસલે મહાન શિવાજીના જાણીતા સરદારો હતા. તેમના ઉલ્લેખો સભાસદ અને ચિટણીસ બખરો(તવારીખ)માં કરેલા છે. પરસોજીએ વહાડ અને ગોંદવાણા પરની ચડાઈઓની આગેવાની સંભાળીને છત્રપતિ રાજારામને સહાય કરી હતી. તેને 1699માં ‘સેનાસાહેબ સૂબા’નો ખિતાબ અને સરંજામ આપવામાં આવ્યા હતા.
ઈશ્વરલાલ ઓઝા