ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ

January, 2001

ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ : અમદાવાદની ગુજરાત વિદ્યાસભા દ્વારા સંચાલિત ઉચ્ચ કક્ષાના અધ્યયન-સંશોધન માટેની વિદ્યાસંસ્થા. ગુજરાતી ભાષા તથા સાહિત્યના વિકાસ અર્થે તેમજ ગુજરાતીમાં શિક્ષણના પ્રસાર માટે અમદાવાદમાં સન 1848માં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સમય જતાં ગુજરાતની અગ્રગણ્ય વિદ્યાસંસ્થા બની. 1939માં એણે આચાર્ય આનંદશંકર ધ્રુવના માર્ગદર્શન નીચે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ શરૂ કર્યો. 1939–40માં આ વિભાગને મુંબઈ યુનિવર્સિટીએ સંસ્કૃત, ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને ગુજરાતી એ ત્રણ વિષયોમાં અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધન માટે માન્યતા આપી. આ વિભાગના અધ્યક્ષ હતા પ્રા. રસિકલાલ છો. પરીખ. 1945–46માં આ વિભાગને મુંબઈના શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ તરફથી બે લાખ રૂપિયાનું દાન મળ્યું. 1946–47માં ગુ. વ. સોસાયટીએ ‘ગુજરાત વિદ્યાસભા’ એવું નવું નામ ધારણ કર્યું ને એના આ વિદ્યાવિભાગને ‘શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન’ નામે સંસ્થાનું સ્વરૂપ પ્રાપ્ત થયું.

વિદ્યાભવનમાં અધ્યક્ષ ઉપરાંત દસ અધ્યાપકોનો સમાવેશ થયો. અનુસ્નાતક શિક્ષણમાં અરબી તથા ફારસીનો ઉમેરો થયો. સમય જતાં પંચાંગ-ગણિત, વૃત્તવિદ્યા, બંગાળી અને નાટ્યવિદ્યા જેવા ઇતર વિષયો ઉમેરાયા. પૂર્ણ સમયના તથા માનાર્હ અધ્યાપકોની સંખ્યા વધતી રહી. પીએચ.ડી.ના માર્ગદર્શન માટે પણ વિદ્યાભવનને વિવિધ વિષયોમાં માન્યતા મળી. અનેક નામાંકિત વિદ્વાનોનાં વ્યાખ્યાનો યોજાયાં ને અનેકાનેક સંશોધન-ગ્રંથો તૈયાર કરાવી પ્રકાશિત થયા. 1950માં ગુજરાત યુનિવર્સિટી સ્થપાતાં ભો. જે. વિદ્યાભવનની ક્ષિતિજો ઉત્તરોત્તર વિકસતી રહી.

આ સંદર્ભમાં સંસ્થા પર આર્થિક ભીંસ વધતી ગઈ. સંસ્થાના કેટલાક અધ્યાપકો અન્ય સંસ્થાઓમાં જોડાવા લાગ્યા. હવે બ્રહ્મચારી વાડી તરફથી રામાનંદ કૉલેજ શરૂ કરાતાં પ્રા. યશવંત શુક્લ વગેરે અનેક અધ્યાપકોની સેવા ત્યાં ખસેડાઈ. આગળ જતાં હ. કા. આર્ટ્સ કૉલેજની સાથે ભો. જે. વિદ્યાભવન માટે પણ આશ્રમ માર્ગ ઉપર નદીકિનારે 1960માં સંસ્થાના પોતાના મકાનનો પ્રબંધ કરાયો. વિદ્યાભવનની વિવિધ પ્રવૃત્તિઓ હવે સ્થિર રીતે પ્રગતિ કરતી રહી. વ્યાખ્યાનો, પ્રકાશનો, સંશોધનગ્રંથો, શોધ-પ્રબંધો ઇત્યાદિ પ્રવૃત્તિઓ વધતી રહી. ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ 9 ગ્રંથોની શ્રેણીમાં પ્રકાશિત થયો. ‘સામીપ્ય’ નામે સંશોધન-સામયિક શરૂ કરાયું. શ્રીમદભાગવત મહાપુરાણની સમીક્ષિત આવૃત્તિ ચાર ગ્રંથોમાં પ્રકાશિત કરાઈ. 1968માં પ્રા. ર. છો. પરીખ નિવૃત્ત થતાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, 1979માં તેમના પછી ડૉ. પ્રવીણચંદ્ર પરીખ અને 1997માં તેમના પછી ડૉ. ભારતીબહેન શેલત નિયામક નિમાયાં. અત્યાર સુધીમાં ભો. જે. વિદ્યાભવન દ્વારા 72 વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે ને 85 જેટલા સંશોધનગ્રંથો પ્રકાશિત થયા છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી