ભૂશિર (Cape) : સમુદ્ર, મહાસાગર કે મોટા સરોવરમાં વિસ્તરતો છેડાનો ભૂમિભાગ. ખંડો, દ્વીપકલ્પો કે ટાપુઓના શિખાગ્ર ભાગને પણ ભૂશિર કહી શકાય. ઉત્તર ગોળાર્ધના મોટાભાગના ખંડોના દક્ષિણ છેડા ત્રિકોણાકાર છે, આ ત્રિકોણોના શિખાગ્ર ભાગોએ ભૂશિરો રચેલી છે. ભૂશિરો રચાવાનાં બે મુખ્ય કારણો છે : (i) ઘસારો : દરિયાઈ મોજાં તેમજ તરંગો કિનારાના ભૂમિભાગનું સતત ધોવાણ કરતાં રહે છે; જો ત્યાંની ભૂમિ જ્વાળામુખીજન્ય કે અન્ય સખત ખડકોથી બનેલી હોય તો તે ઘસારાનો પ્રતિકાર કરે છે, છેડાની ભૂમિ અણિયાળી બની રહે છે, જેથી ભૂશિરની રચના થાય છે. વાયવ્ય સ્કૉટલૅન્ડમાં આવેલી રૉથની ભૂશિર (Cape Wrath) આ રીતે તૈયાર થયેલી છે. (ii) નિક્ષેપ-જમાવટ : દરિયાઈ મોજાં અને તરંગો ઘસારો કરવાને બદલે જો રેતીદ્રવ્ય, ગ્રેવલ, મરડિયા અને ઉપલો કિનારા નજીક ઠાલવ્યા કરે, રેતીની આડશો બનતી જાય, દ્રવ્ય સતત ઉમેરાતું રહે તોપણ ભૂશિરની રચના થઈ શકે છે. યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યની કેનૅવરેલ ભૂશિર આ પ્રકારનું ઉદાહરણ છે.
ભારતની કન્યાકુમારી ભૂશિર, આફ્રિકાના ગુડ હોપની ભૂશિર તેમજ અગુલ્હાસની ભૂશિર તથા દક્ષિણ અમેરિકાની હૉર્નની ભૂશિર અન્ય ઉદાહરણો છે.
ગિરીશભાઈ પંડ્યા