ભૂષણ (જ. ત્રિવિક્રમપુર, કાનપુર; હયાત 1613–1715ના અરસામાં) : હિન્દી રીતિકાલના પ્રમુખ કવિ. મૂળ નામ બીરબલ. પિતાનું નામ રત્નાકર ત્રિપાઠી. બીરબલને પાછળથી ચિત્રકૂટપતિ હૃદયરામના પુત્ર રુદ્ર સોલંકીએ ‘ભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા; જોકે વિદ્વાનો ભૂષણને પતિરામ યા મનિરામ તરીકે પણ નિર્દેશે છે.

કવિ ભૂષણના મુખ્ય આશ્રયદાતા મહારાજા શિવાજી તથા છત્રસાલ બુંદેલા હતા. ભૂષણરચિત કેટલાંક એવાં પદો મળે છે. જેમાં શાહુજી, બાજીરાવ, સુલંકી મહારાજ જયસિંહ, કુમાઉં નરેશ, ઔરંગઝેબ વગેરેની પ્રશંસા છે.

મિશ્રબંધુઓ અને આચાર્ય રામચન્દ્ર શુક્લે આ કવિનો સમય 1613–1715નો માન્યો છે. શિવલિંગ લેંગરે ભૂષણનો જન્મ 1681 અને ગ્રિયર્સને 1603નો ગણ્યો છે. કેટલાક વિદ્વાનોને મતે ભૂષણ શિવાજીના પૌત્ર શાહુના દરબારી કવિ હતા. જોકે આ મત પ્રમાણસિદ્ધ નથી. તેઓ શિવાજીના સમકાલીન હતા અને આશ્રિત પણ.

ભૂષણરચિત છ ગ્રન્થો છે તેમાંથી ત્રણ ગ્રન્થો : ‘ભૂષણ હજારા’, ‘ભૂષણઉલ્લાસ’ અને ‘દૂષણઉલ્લાસ’ હજુ સુધી પ્રાપ્ય નથી અને જે મળે છે તે છે ‘શિવરાજભૂષણ’ જેમાં શિવાજીવિષયક કેટલીક ઘટનાઓ જોવા મળે છે, જે શિવાજી સાથેની તેમની સમસામયિકતા પ્રમાણિત કરે છે. તે ગ્રંથ 384 છન્દોમાં રચેલો છે. તેમાં અલંકારની પરિભાષા સાથે કવિત અને સવૈયા છન્દોનાં ઉદાહરણો તથા દોહા છે. ‘શિવાજી બાવની’માં 52 છંદોમાં શિવાજીની કીર્તિગાથા છે તથા ‘છત્રસાલ-દશક’માં 10 છંદોમાં છત્રસાલ બુન્દેલાનું યશોગાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કવિનાં કેટલાંક શૃંગારિક પદો પણ મળે છે.

ભૂષણની રચનાપદ્ધતિ મુક્તક પ્રકારની છે, જે તેઓ વીરરસપ્રધાન અભિવ્યક્તિ દ્વારા વિશિષ્ટ નાયકોના વ્યક્તિત્વને ઉપસાવે છે. તેમાં તેઓ રૌદ્ર, ભયાનક અને બીભત્સાદિ રસોનો પ્રયોગ પણ કરે છે.

રીતિકાલીન કવિઓમાં કવિ ભૂષણને સફળતા નથી મળી, પણ શુદ્ધ કવિત્વની ર્દષ્ટિએ એમનું સ્થાન તે કવિઓમાં ઊંચું છે. તેમણે પોતાના સમયમાં પ્રચલિત વ્રજભાષામાં લેખનકાર્ય કર્યું તેમજ અરબી, ફારસી અને તુર્કીના શબ્દપ્રયોગોની સાથે સાથે તેમણે બુંદેલખંડી, બૈસવાડીના શબ્દપ્રયોગો પણ કર્યા છે.

તેઓ તત્કાલીન સ્વાતંત્ર્યસંગ્રામના પ્રતિનિધ કવિ હતા. તેઓ રીતિકાળના વીરકાવ્યના ઝગમગતા રત્નરૂપ હતા. તેઓ તેમના યુગના રાજાબાદશાહોના સમર્પિત કવિ કરતાં રાષ્ટ્રીય કવિ તરીકે સવિશેષ ખ્યાતિ પામ્યા છે.

તેમના કાવ્યગ્રંથોના નાયક શિવાજી અને રાજા છત્રસાલ હોવાથી તે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. દેશરક્ષક નાયકો, અન્યાય વિરુદ્ધ સંઘર્ષ કરનારા તથા લોકકલ્યાણકારી શાસકોને, તેઓ સાચા વીર માનતા હતા. તેમનું રણસંગ્રામને બદલે રણપ્રસ્થાનનું વર્ણન વિશેષ જીવંત ભાસે છે.

રજનીકાન્ત જોશી

ઈશ્વરલાલ ઓઝા