ચૉથ અને સરદેશમુખી : ચૉથ એટલે જમીનની ઊપજના ચોથા ભાગ જેટલો કર, અને સરદેશમુખી એટલે કુલ મહેસૂલના 10 % જેટલો કર. શિવાજીના આધિપત્ય હેઠળના પ્રદેશોને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા : એક, સીધી હકૂમત-તંત્ર હેઠળનો પ્રદેશ, જેને સ્વરાજ્ય તરીકે ઓળખવામાં આવતો હતો. બીજા વિભાગમાં મુઘલાઈ પ્રદેશ, એટલે સામાન્ય રીતે મુઘલો કે બિજાપુર રાજ્યના કેટલાક વિસ્તારો કે જેના પર શિવાજીએ પોતાનો અંકુશ સ્થાપ્યો હતો. આ બીજા પ્રકારના આધિપત્ય હેઠળના પ્રદેશોમાંથી ચૉથ અને સરદેશમુખી ઉઘરાવવામાં આવતી. સામાન્ય રીતે ચૉથ હેઠળ થતી આવક રાજ્યની તિજોરીમાં જમા કરાવવામાં આવતી; જ્યારે દખ્ખણના સર્વોચ્ચ મહેસૂલ ઉઘરાવનાર સરદેશમુખ તરીકેના દરજ્જા હેઠળ શિવાજી દ્વારા ઉઘરાવાતી સરદેશમુખીની આવક તેમની ખાનગી આવક ગણાતી. એક મત મુજબ ચૉથ એ દુશ્મન કે વિરોધીના પ્રદેશમાંથી ઉઘરાવાતી ખંડણી હતી.
જે પ્રદેશમાંથી મરાઠા ચૉથ ઉઘરાવતા તે પ્રદેશ મરાઠા લશ્કરના ત્રાસ કે કનડગતમાંથી મુક્ત રહેતો. પરંતુ એ પ્રદેશમાં સર્જાતી આંતરિક ગેરવ્યવસ્થાને થાળે પાડવાની જવાબદારી તેમણે લીધી ન હતી. શિવાજીના સમય પછી મરાઠાઓ ફક્ત તેમને થતો નાણાકીય લાભ જ જોતા. ચૉથની ઉઘરાણી કર્યા પછી આ પ્રદેશના વહીવટ અંગે તેઓએ ઘોર ઉપેક્ષા સેવી હતી.
અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ સરદેશમુખી જમીનની કુલ ઊપજના 10 % જેટલો કર હતો, જે શિવાજી આખા મહારાષ્ટ્રના વંશપરંપરાગત સરદેશમુખ તરીકે ઉઘરાવતા હતા. શિવાજીએ ચૉથની સાથે આ હક પણ પોતાના રાજ્યમાં સમાયેલા મુલકોની બહારના પ્રદેશોમાં પ્રાપ્ત કર્યો હતો. સરદેશમુખી કાયદેસર હતી કે કેમ તે શંકાસ્પદ છે.
યતીન્દ્ર દીક્ષિત