ચૉતાલ : મૃદંગ અથવા પખવાજનો તાલ. ચતુર (ચતસ્ર) જાતિના તાલમાં તેની ગણના થાય છે. ચાર માત્રાના વિભાગ પ્રમાણે થનાર તાલ એ ચતુરસ્ર જાતિમાં આવે છે.

ચૉતાલનો ઉપયોગ ધ્રુપદ ગાયકી માટે થાય છે. જે રાગમાં ધ્રુપદ ગાવો હોય, તેના આલાપ પ્રથમ ગાયક નોમ્ તોમ્ પદ્ધતિમાં ગાય છે. તે વખતે તાલ કે ઠેકા વગાડાતા નથી. આલાપ સમાપ્ત થયા પછી તાલબદ્ધ ગીત ગવાય છે, તે ધ્રુપદ ગીત ઘણું કરી ચૉતાલમાં ગવાય છે. તેવરા, આડાચૉતાલ, ઝંપા, સુરફાક જેવા બીજા તાલ પણ ધ્રુપદ ગાયકી માટે ઉપયોગમાં આવે છે. છતાં ધ્રુપદ ગાવામાં ચૉતાલ વધારે વગડાય છે.

ચૉતાલ ખુલ્લા બાજનો તાલ ગણવામાં આવે છે. પખવાજ પર તે સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. ધ્રુપદ ગાતી વખતે ગાયક (ધ્રુપદિયા) ચૉતાલમાં દુગુન, આડ, કુવાડ જેવા વિભિન્ન લયના પ્રકાર કરીને વૈચિત્ર્યપૂર્ણ કુશળતાથી તેની સમાપ્તિ કરે છે. તબલા પર એકતાલ જેમ વાગે છે એવી રીતે જ ચૉતાલની તાલી-ખાલી-વિભાગ આવે છે. માત્ર એના ઠેકા અથવા બોલ અલગ આવે છે.

ચૉતાલ માહિતી :

માત્રા — 12, ખંડ અથવા વિભાગ 6 (2, 2, 2, 2, 2, 2)

તાલી — 1 – 5 – 9 – 11

ખાલી — 3 – 7

જાતિ — ચતસ્ર

ઉપયોગ — ધ્રુપદ ગાયકી માટે.

ચૉતાલના બોલ અથવા ઠેકા :

પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની લેખનપદ્ધતિમાં —

મંદાકિની અરવિંદ શેવડે