ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ : 1945માં અગાઉના મુંબઈ રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ગુજરાતના વિસ્તાર માટે ચોખાના સંશોધન માટે સ્થપાયેલું સંશોધન કેન્દ્ર. નવાગામનો તાલુકો માતર અને જિલ્લો ખેડા છે. તે અમદાવાદ-મુંબઈ નૅશનલ હાઈવે નં. 8 ઉપર બારેજાથી દક્ષિણમાં 6 કિમી. દૂર આવેલું છે. તે દરિયાની સામાન્ય સપાટીથી 32.4 મી. ઊંચાઈ ધરાવે છે. છેલ્લાં દશ વર્ષનો સરેરાશ વરસાદ 700 મિમી. જેટલો છે. ઉનાળો સખત હોઈ વધુમાં વધુ ઉષ્ણતામાન 44° કરતાં પણ વધી જાય છે. શિયાળો સામાન્ય હોઈ 160 થી 270 સે. તાપમાન જોવા મળે છે. જમીન ક્ષારયુક્ત અને ઓછી નિતારશક્તિ ધરાવે છે. નવાગામ કેન્દ્ર 26.92 હેક્ટર જમીન ધરાવે છે.
સને 1945થી 1960 સુધી આ કેન્દ્રે મુખ્યત્વે પસંદગીની રીત દ્વારા ચોખાની સ્થાનિક જાતોની સુધારણા કરી સુખવેલ–20, કમોદ–118, પંખારી–203, જીરાસાલ–280 જેવી જાતો વિકસાવી. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં આ કેન્દ્રને રાજ્યના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રનો દરજ્જો મળ્યો અને એ રીતે આખા રાજ્યમાં ડાંગર ઉપરના દરેક પ્રકારના સંશોધનની જવાબદારી આ કેન્દ્ર હસ્તક આવી. 1970–71માં અખિલ ભારતીય કૃષિ સંશોધન સુધારણા સંકુલ નીચે ચોખા અંગેનું ગુજરાતનું કેન્દ્ર નવાગામ ખાતે મળતાં આ કેન્દ્ર એક અદ્યતન ચોખા સંશોધન કેન્દ્ર બન્યું છે. ચોખા સંશોધન કેન્દ્ર માટેની અદ્યતન જરૂરી સુવિધાઓ મળવાના કારણે પાક-સંવર્ધન સહાય વિજ્ઞાન, રોગશાસ્ત્ર, કીટકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, જીવ-રાસાયણિક પ્રયોગશાળા વગેરેનો વિકાસ થયો. ત્યારબાદ 1972માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થતાં કૃષિસંશોધન શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણની જવાબદારી કૃષિ યુનિવર્સિટી હસ્તક જતાં મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ પણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં તબદીલ થયું છે. યુનિવર્સિટીની સ્વાયત્તતાના કારણે ચોખા સંશોધનમાં વેગ મળ્યો. આ કેન્દ્ર દ્વારા લગભગ ચોખાની સુધારેલી 39 જાતો બહાર પાડેલ છે, જે પૈકી 24 જેટલી જાતો અદ્યતન વધુ ઉત્પાદન આપતી આવી છે, જેમાં જી.આર.–3, જી.આર.–4, જી.આર.–6, જી.આર.–11 અને સુગંધિત જાતોમાં જી.આર.–101, જી.આર.–102, અંબિકા તથા ક્ષારપ્રતિકારક જાત એસએલઆર–51214 ઘણી જ જાણીતી છે. આ ઉપરાંત ખેડૂત-ઉપયોગી સુધારેલ ખેતીપદ્ધતિઓ અને રોગ તેમજ જીવાત સામે નિયંત્રણનાં પગલાં અંગેની વિસ્તૃત ભલામણો કરેલી છે, જેનાથી ગુજરાતમાં ચોખાનું ઉત્પાદન ગણનાપાત્ર રીતે વધ્યું છે. આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર, મનીલા (ફિલિપાઇન્સ) અને રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર, રાજેન્દ્રનગર સાથે રહીને કામ કરતું એક અગ્રેસર ચોખા સંશોધન કેન્દ્ર ગણાય છે. આ કેન્દ્ર ઉપર ભારત સરકારના અન્ન સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા પુરસ્કૃત પ્રાદેશિક વિસ્તરણ સેવા કેન્દ્ર (રાઇસ મિલિંગ) ચાલે છે, જેનાથી જૂનાં હલરોની જગ્યાએ અદ્યતન પ્રકારની રાઇસ મિલો સ્થાપવાના અભિગમને ઘણો વેગ મળી રહ્યો છે, એટલું જ નહિ; પરંતુ તેનાથી રાજ્યના ચોખા ઉદ્યોગ અને ખાસ કરીને ‘રાઇસ મિલિંગ’ને ઘણો લાભ થઈ રહ્યો છે.
કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા