ચૈત્યગૃહ, ભાજા અને બેડસા : બૌદ્ધ શૈલીના હીનયાન સમયના સૌથી પુરાણા ચૈત્યના 2 નમૂના. (અનુક્રમે) ઈ. પૂ. બીજી સદી અને પહેલી સદી દરમિયાન તે કોરી કાઢવામાં આવેલ. આ નમૂનાની પ્રાચીનતાનો ખ્યાલ ખાસ કરીને બંનેમાં પ્રતીત થતી બાંધકામની કળા પરથી આવે છે. તે અગાઉની કાષ્ઠશૈલીઓનું આબેહૂબ અનુકરણ છે, ખાસ કરીને તેના અંદરના સ્તંભોનો આકાર જે કાષ્ઠના નળાકાર — ઉપરથી પાતળા અને નીચેથી જાડા — સ્તંભોને અનુસરે છે. બહારની દીવાલ પર રચાયેલ કમાનાકાર બારીની રચના પણ ચૈત્ય-ગૃહના બાહ્ય દેખાવનું એક અગત્યનું પાસું ગણાતી; તે રચનાની સાદગી તથા ચૈત્યની પ્રાચીનતાનો ખ્યાલ આપતી.
ભાજાના ચૈત્યમાં આવી બારીનું પરિપક્વ રેખાંકન બહાર ઊપસી આવ્યું હતું. ઘોડાની નાળના આકારનું આ રેખાંકન પછીના નમૂનામાં વ્યાપક અને કલાત્મક રીતે ઘડાતું રહીને ચૈત્યગૃહના આગવા અંગ તરીકે બહાર આવ્યું. જોકે ચૈત્યના સ્થાપત્યમાં બારી સાથેનો આ બાહ્ય ભાગ એક લાક્ષણિક અંગ બની રહેલ, જે અંદરના ભાગ સાથે એવી રીતે સાંકળવામાં આવતો કે જેથી ચૈત્યની છતના ઘાટમાં બરાબર વચ્ચે ગોઠવાય અને અંદરના ભાગ પૂરતો પ્રકાશ મેળવી શકે. કાષ્ઠના રૂપમાં અત્યંત કલાત્મક રીતે લાકડાની જાળી રૂપે તેની રચનાથી બારીને સુશોભિત કરાતી. પ્રકાશ અને હવાની અવરજવર માટે આયોજિત આ રચના બૌદ્ધસ્થાપત્યનું કલાના ક્ષેત્રમાં એક અગત્યનું યોગદાન સાબિત થઈ.
ભાજાનું ચૈત્યગૃહ, બૌદ્ધસ્થાપત્યની માહિતી મેળવવા માટે અને આ પ્રકારના બાંધકામના પુરોગામી તરીકે સ્થાપત્યના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. સમય અને આબોહવાની અસરને લીધે તેનો બહારનો ભાગ જર્જરિત હાલતમાં છે. બહારના ભાગમાં મુખ્ય બારીનું લાકડાનું કામ નાશ પામેલ હોવાથી બહારથી જ છતનો આખો ભાગ ખુલ્લો પડી ગયેલ છે. ખાસ આયોજન પ્રમાણે આ આખી બારીને અંદર જાળી દ્વારા કલાત્મક રીતે બંધ કરાયેલ જેનો હાલ બાજુના ભાગના પથ્થરકામમાં રહેલ સાંધા પરથી ખ્યાલ આવે છે. આ બધા અવશેષો પરથી પથ્થરની કોતરણી અને લાકડાના બાંધકામના સંમિશ્રિત સ્થાપત્યની ભવ્યતાનો આબેહૂબ ચિતાર મળી રહે છે. ભાજામાં અંદરના ભાગમાં પણ કાષ્ઠ-સ્થાપત્યકલાનો ખૂબ ઉપયોગ થયેલ છે, ખાસ તો છતની અંદરના ભાગના માળખામાં; તે કમાનાકાર પદ્ધતિથી કરાયેલ ભાજાનું ચૈત્ય અંદરથી 16.8 મી. લાંબો અને 7.9 મી. પહોળો છે અને તેની બંને બાજુએ 1.06 મી.નો પગથાર આવેલ છે. આ પગથીની એક બાજુ સ્તંભોની હાર છે, જેમાં સ્તંભો 3.36 મી. ઊંચા અને 12.7 સેમી. અંદર ઢળતા કરાયા છે. તે કમાનાકાર છતનો આધાર દર્શાવે છે. છતની ઊંચાઈ 8.8 મી. છે. ચૈત્યના અંદરના ભાગમાં સ્તૂપ આવેલો છે. સ્તૂપ અને ચૈત્યનું અંદરથી કલાત્મક સુશોભન કરાયેલ હશે જેમાં લાકડાના ભાગો તથા ભીંતચિત્રો મુખ્ય હશે. તે અત્યારે હયાત નથી. બૌદ્ધ શૈલીમાં ચૈત્યગૃહના સ્થાપત્યની કલાની પરિસીમા રૂપે બેડસા અને કાર્લાનાં ઉદાહરણો આપી શકાય. આ બંને ઉદાહરણોમાં બાહ્ય દેખાવમાં મૂળભૂત ફરક રહેલો છે. તેનું આયોજન અગાઉ કરતાં જુદી જ રીતે થયેલું. ખાસ તો આખા ખડકમાંથી કમાનાકાર રૂપે રચવામાં આવેલ પ્રવેશનો ભાગ મુખ્ય છે, જેની પછી ચૈત્યની બારી અને પ્રવેશનો ભાગ કોતરાયેલ હશે. આ ભાગના સ્તંભો અને દીવાલની રચના આ પ્રકારનું એક અગત્યનું પાસું છે. બેડસા કાર્લા કરતાં જૂનું છે. અગાઉનાં ઉદાહરણો દરમિયાન એટલે કે લગભગ 200 વર્ષના ગાળા દરમિયાન થયેલ ફેરફારો અને સ્થાપત્યશૈલીના વિકાસ દર્શાવતું આ આગવું આયોજન વિશાળ ખડકમાંથી કોરાયેલ છે જે આગળથી પ્રવેશના માળખા દ્વારા છતના આધારરૂપ આયોજનનો મુખ્ય ભાગ બની રહે છે. ખાસ કરીને અશોકશૈલીના સ્તંભને મળતા પ્રવેશના સ્તંભો દ્વારા તે શાસ્ત્રીય બૌદ્ધપરંપરાથી છેલ્લાં 200 વર્ષ દરમિયાન કેટલા અલગ પડે છે તેનો ખ્યાલ આવે છે. સ્તંભોની રચનામાં કુંભાકાર કુંભી, અષ્ટકોણાકાર સ્તંભ અને શીર્ષના જુદા જુદા ઘાટ આ સમયનું આગવું લક્ષણ ગણી શકાય. સ્થાપત્યકૌશલ (જેના દ્વારા સ્તંભોને સુશોભિત કરાયેલ) પણ આ સમયનું એક લાક્ષણિક પાસું હતું. ચૈત્યનો બાહ્ય ભાગ ઉપર પ્રમાણે ખૂબ જ સુશોભિત કરાયેલ; અંદરનો ભાગ વિપરીત માધ્યમથી અત્યંત સાદગીપૂર્ણ રીતે રચાયેલ જેમાં મુખ્ય સ્તંભો, છત અને સ્તૂપનો સમાવેશ થાય છે. આ ચૈત્ય અંદરથી લગભગ 13.7 મી. અને 15.2 સેમી. લાંબું તથા 6.4 મી. પહોળું છે, જે ભાજા કરતાં થોડું નાનું છે.
રવીન્દ્ર વસાવડા