ચેમ્બરલિન, ટૉમસ ક્રાઉડર (જ. 25 સપ્ટેમ્બર 1843, ઇલિનોય, યુ. એસ.; અ. 15 નવેમ્બર 1928, શિકાગો, ઇલિનોય, યુ. એસ.) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. હિમકાળ અને આંતરહિમકાળ દરમિયાન થયેલી હિમચાદરોની વૃદ્ધિ અને પીછેહઠ પરથી ચતુર્થ જીવયુગના પ્લાયસ્ટોસીન સમયના ગાળાનો વયનિર્ણય સૂચવવામાં તે અગ્રણી હતા. લોએસની ઉત્પત્તિ પણ તેમણે પ્રસ્થાપિત કરી આપેલી. તેમણે જ ગ્રીનલૅન્ડના બરફપટ નીચેથી પ્રાચીન કાળમાં પ્રવર્તેલી ગરમ આબોહવાના જીવાવશેષ-પુરાવા શોધી આપેલા. પૃથ્વીની ઉત્પત્તિ અને તેના વિકાસનો ગ્રહાણુ સિદ્ધાંત પ્રતિપાદિત કરનાર અને સમજાવનાર તે હતા. આ માટે તેમણે ઘણાં વર્ષો સુધી જહેમત ઉઠાવેલી. તેમણે સૂચવેલું કે સૂર્યમાંથી અવકાશમાં થયેલા વિસ્ફોટ દ્વારા વારંવાર ફેંકાતા રહેલા અને પરસ્પર આકર્ષાતા ગયેલા દ્રવ્ય અને વાયુઓનો બનેલો જથ્થો (ગ્રહાણુઓ) એકત્રિત થતો જવાથી પૃથ્વી ઉત્પન્ન થઈ હશે. આ રીતે બંધાતા ગયેલા દ્રવ્યદળના અંદરઅંદરના દાબની અસર હેઠળ સ્નિગ્ધ અને ભારે દ્રવ્ય અંદર તરફ તથા તરલ અને હલકું દ્રવ્ય સપાટી તરફ ધકેલાતું ગયું હશે. આમ ક્રમશ: વિકાસની પ્રક્રિયા દરમિયાન પૃથ્વીનો વર્તમાન ગોળાકાર પ્રાપ્ત થયો હશે.
ગિરીશભાઈ પંડ્યા