ચેમ્બરલિન, આર્થર નેવિલ (જ. 18 માર્ચ 1869, બર્મિગહામ; અ. 9 નવેમ્બર 1940, હેકફિલ્ડ, યુ. કે.) : ઇંગ્લૅન્ડના વડાપ્રધાન. બ્રિટિશ રાજનીતિજ્ઞ જોસેફ ચેમ્બરલિનના પુત્ર. તેમણે બર્મિગહામની જ રગ્બી ઍન્ડ મેસન કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1911માં તે બર્મિગહામની સિટી કાઉન્સિલમાં ચૂંટાયા અને 1915–16માં તેના મેયર બન્યા. પ્રથમ વિશ્વવિગ્રહના સમય દરમિયાન 1916ના ડિસેમ્બરમાં તે ‘રાષ્ટ્રીય-સેવા’ના ડિરેક્ટર તરીકે નિમાયા, પરંતુ 1917માં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું. વળતે વર્ષે આમસભાની ચૂંટણીમાં તે બર્મિગહામમાંથી રૂઢિચુસ્ત પક્ષના ઉમેદવાર તરીકે આમસભામાં ચૂંટાયા અને 1922માં પોસ્ટ-માસ્ટર જનરલના પદે, 1923માં આરોગ્યપ્રધાનપદે તથા 1923ના જ ઑગસ્ટમાં નાણાપ્રધાનપદે નિમાયા. પરંતુ આ પદ ઉપરથી તે બજેટ રજૂ કરે તે પહેલાં જ બૉલ્ડવિનના રૂઢિચુસ્ત પ્રધાનમંડળનું પતન થયું. 1924માં ફરી વખત બૉલ્ડવિન-પ્રધાનમંડળ રચાતાં તેમને તેમાં આરોગ્યપ્રધાનપદ સોંપાયું. આ પદ ઉપરથી તેમણે કેટલાંક મહત્વનાં આરોગ્યવિષયક તથા સામાજિક સેવાવિષયક પગલાં ભર્યાં તથા સ્થાનિક સ્વશાસનના સુધારા કર્યા. 1931માં તેમને રામ્સે મૅક્ડોનાલ્ડની બીજી રાષ્ટ્રીય સરકારમાં ફરી વખત નાણાખાતું સોંપવામાં આવ્યું. 1935માં બૉલ્ડવિનની રૂઢિચુસ્ત સરકારમાં પણ તે નાણાપ્રધાન તરીકે ચાલુ રહ્યા. 1937માં બૉલ્ડવિન નિવૃત્ત થતાં તે રૂઢિચુસ્ત સરકારના નેતાપદે આવ્યા અને તેમણે પ્રધાનમંડળની રચના કરી.
નેવિલ ચેમ્બરલિન શાંતિની નીતિમાં માનતા હતા. તે કોઈ પણ ભોગે માત્ર ઇંગ્લૅન્ડને જ નહિ, પરંતુ યુરોપને પણ, યુદ્ધની ખાનાખરાબીમાંથી બચાવવા માગતા હતા. આથી તેમણે ‘તુષ્ટીકરણની નીતિ’ અપનાવી, જર્મનીના સરમુખત્યાર હિટલર અને ઇટલીના સરમુખત્યાર મુસોલિનીની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાઓને એક પછી એક સંતોષવા માંડી. સપ્ટેમ્બર 1938માં મ્યૂનિક ખાતે મળેલી પરિષદમાં ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સે હવે પછી આક્રમક નીતિ જતી કરવામાં આવશે એવી જર્મનીએ કબૂલેલી શરતના આધારે ચેકોસ્લોવૅકિયાનો પ્રદેશ સુડેટનલૅન્ડ (ક્ષેત્રફળ 28,500 ચોકિમી.) જર્મનીને સુપરત કર્યો હતો. ચેમ્બરલિને તેને ‘‘ગૌરવભેર શાન્તિ’’ કહી હતી પણ બીજે જ વર્ષે તેનો અનાદર કરવામાં આવ્યો હતો.
1939ના સપ્ટેમ્બરમાં હિટલરે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત કરી. ચેમ્બરલિનની વિદેશનીતિની તથા યુદ્ધસંચાલન અને યુદ્ધનીતિની તેના પોતાના પક્ષમાં તથા પાર્લમેન્ટમાં ઉગ્ર ટીકા થવા લાગી. આથી 1940ના મે મહિનામાં તેમણે વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો અને તેમની જગ્યાએ વિન્સ્ટન ચર્ચિલે સરકારની રચના કરી. જોકે ચેમ્બરલિન ચર્ચિલની સરકારમાં લૉર્ડ પ્રેસિડન્ટ તરીકે ચાલુ રહ્યા પણ ઑક્ટોબરમાં રાજીનામું આપી છૂટા થયા પછી નવેમ્બરમાં તેમનું અવસાન થયું.
નેવિલ ચેમ્બરલિન એક શક્તિશાળી, કાર્યકુશળ અને નિષ્ઠાવાન રાજકીય નેતા હતા. સામાન્ય સંજોગોમાં તે ઇતિહાસમાં એક સફળ વડાપ્રધાન તરીકે સ્થાન પામ્યા હોત, પરંતુ કમનસીબે તેમને ઇંગ્લૅન્ડના ઇતિહાસના વીસમી સદીના સૌથી કટોકટીભર્યા સમયમાં રાષ્ટ્રનું સુકાન સંભાળવાનું આવ્યું અને હિટલર તથા મુસોલિની જેવા વધારે શક્તિશાળી સરમુખત્યારો અને ખંધા મુત્સદ્દીઓની સામે તે ઊણા ઊતર્યા.
દેવેન્દ્ર ભટ્ટ