ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝ : બ્રિટિશ શાસન દરમિયાન ભારતનાં દેશી રાજ્યોના રાજવીઓનું મંડળ (1919–1947). બ્રિટિશ અને હિંદ સરકારના પ્રોત્સાહનથી તે શરૂ કરવામાં આવ્યું હતું અને ભારત સ્વતંત્ર થતાં બરખાસ્ત થયું. 1857ના મહાન વિપ્લવ બાદ બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો ત્યાગ કર્યો અને વિકસી રહેલા રાષ્ટ્રવાદ સામે રાજવીઓનો સાથ મેળવવા તેમની પ્રત્યે નરમ નીતિ અપનાવી. ખાસ કરીને 1905–06ની સ્વદેશી ચળવળ (બંગભંગ) પછી રાષ્ટ્રીય જુવાળ વ્યાપક બનતાં હિંદ સરકારને રાજાઓના વિશેષ સહકારની જરૂરિયાત લાગી. આથી હિન્દના વાઇસરૉય લૉર્ડ મિન્ટોએ રાજવી મંડળની રચના કરવા પોતાની સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી (1908); પરંતુ બ્રિટિશ સરકારને તે સમયે આવા મંડળની આવશ્યકતા ન જણાતાં તેણે મિન્ટોની દરખાસ્તનો અસ્વીકાર કર્યો.
પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન હિન્દના રાજાઓએ બ્રિટિશ સરકારને શસ્ત્રો, સાધનો તથા માણસોની પૂરતી સહાય આપીને સામ્રાજ્યની કીમતી સેવા બજાવી. વળી લોકમાન્ય ટિળક તથા ઍની બેસન્ટે 1916માં શરૂ કરેલ હોમરૂલ આંદોલનને લીધે પણ રાષ્ટ્રીય જાગૃતિ દેશભરમાં ફેલાઈ અને વિશેષત: યુવાનવર્ગ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયો. આ પરિસ્થિતિ સામે સામ્રાજ્યવાદી બળ ઊભું કરવા બ્રિટિશ સરકારને રાજવી મંડળ રચવાની અનિવાર્યતા સમજાઈ. હિન્દના રાજવીઓએ પણ હિન્દ સરકારની પ્રેરણાથી 1917ની હિન્દી વજીર મૉન્ટગ્યૂની ભારતની મુલાકાત વખતે તેમની સમક્ષ આવા મંડળની રચના કરવા રજૂઆત કરી.
આ દરમિયાન હિન્દ માટેના મૉન્ટગ્યૂ-ચેમ્સફર્ડ સુધારાને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું, જેની જોગવાઈઓ અનુસાર કેન્દ્રમાં બિનજવાબદાર સરકાર યથાવત્; પ્રાંતોમાં દ્વિમુખી શાસન; તેમાં કોમી, વર્ગીય તથા પ્રત્યાઘાતી તત્વોને ઘણું વધારે પ્રાધાન્ય, રાષ્ટ્રીય પરિબળોને ડામવાનો પ્રયાસ વગેરેને પરિણામે રાષ્ટ્રીય જાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચી. તેમાં સરકારે અમલમાં મૂકેલ રૉલેટ કાયદાએ લોકોનાં વાણીસ્વાતંત્ર્ય અને વ્યક્તિસ્વાતંત્ર્ય પર ભારે કાપ મૂક્યો. આની સામે દેશભરમાં પ્રચંડ વિરોધ ઊઠ્યો અને સરકાર સામેનો લોકોનો અસંતોષ ચરમ સીમાએ પહોંચ્યો. આ પરિસ્થિતિમાં રાજવીઓનો સાથ મેળવવા સરકારને રાજવી મંડળની સ્થાપનાની ખાસ જરૂર લાગી.
નવેમ્બર, 1919માં યોજાયેલી રાજવીઓની પરિષદ સમયે સરકારી જાહેરનામા મારફત રાજવી મંડળની રચનાની વિધિસર જાહેરાત તથા સ્થાપના કરવામાં આવી. ડ્યૂક ઑવ્ કૉનૉટે 8 ફેબ્રુઆરી 1921ના રોજ તેનું ઉદઘાટન કર્યું. હિંદના વાઇસરૉય ચેમ્સફર્ડની ભલામણ મુજબ હિંદનાં કુલ 562 નાનાંમોટાં રાજ્યોના 3 વિભાગ પાડવામાં આવ્યા : (1) લગભગ બધા પ્રકારના આંતરિક અધિકારો ભોગવતા 108 રાજાઓ, (2) મર્યાદિત પ્રકારના આંતરિક હકો ભોગવતા 127 દરબારો તથા (3) ઘણા ઓછા આંતરિક અધિકારો ભોગવતા 327 ઠાકોરો.
રાજવી મંડળના બંધારણ પ્રમાણે પ્રથમ પ્રકારના 108 રાજાઓને મંડળની સામાન્ય સભાના સભ્ય ગણવામાં આવ્યા. બીજા પ્રકારના 127 રાજવીઓને સામાન્ય સભામાં 12 પ્રતિનિધિઓ ચૂંટવાનો અધિકાર આપવામાં આવ્યો; જ્યારે ત્રીજા પ્રકારના 327 ઠાકોરોને રાજવી મંડળમાં કોઈ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નહિ. આમ આ મંડળની સામાન્ય સભા 120 સભ્યોની બની. આ સામાન્ય સભા પ્રતિવર્ષ મુંબઈ, મધ્યપ્રદેશ, પંજાબ તથા રજપૂતાનાના એક એક પ્રતિનિધિનો સમાવેશ થાય તે રીતે એક વર્ષ માટે કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણી કરતી. રાજવી મંડળના પ્રમુખ તરીકે વાઇસરૉય હતા, જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી દર વર્ષે કરવામાં આવતી.
વાઇસરૉયે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે રાજવી મંડળનું સભ્યપદ મરજિયાત હતું. તેના નિર્ણયો માત્ર ભલામણરૂપ હતા; તેના ઠરાવો સ્વીકારવાનું કોઈ બંધન ન હતું. તેની સ્થાપનાથી બ્રિટિશ સરકાર તથા રાજાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોમાં કોઈ ફરક પડતો ન હતો. રાજવી મંડળને કોઈ પણ રાજ્ય કે કોઈ પણ રાજાના વ્યક્તિગત પ્રશ્નો ચર્ચવાની છૂટ ન હતી. આનાથી એ સ્પષ્ટ થયું કે બ્રિટિશ તેમજ હિન્દ સરકાર આ મંડળનો ઉપયોગ ભારતમાં વ્યાપક બનતી જતી રાષ્ટ્રીય જાગૃતિ સામે પોતાને સહાયરૂપ થવામાં જ કરવા માગતી હતી.
રાજવી મંડળની રચનાથી કોઈ ઉપયોગી હેતુ સર્યો નહિ. બ્રિટિશ સરકારની એક વફાદાર સંસ્થા તરીકે જ તેનું અસ્તિત્વ હતું. તેણે દેશી રાજ્યોમાં લોકશાહી પ્રક્રિયા માટે કે લોકોના હિત માટે કોઈ કામગીરી કરી નહિ. ઊલટું, તેણે સ્વાતંત્ર્યઆંદોલનો વખતે બ્રિટિશ સરકારને ટેકો આપ્યો અને દેશી રાજ્યોમાં થયેલી પ્રજાકીય લડતોને કચડી નાખવાના પ્રયાસોમાં સાથ આપ્યો. ઑગસ્ટ, 1947માં ભારતને આઝાદી પ્રાપ્ત થતાં સરદાર વલ્લભભાઈ પટેલના કુનેહભર્યા સઘન પ્રયાસોથી ભારતનાં રાજ્યોનું ભારત સરકાર સાથે જોડાણ થયું અને દેશી રાજ્યોની સાથે રાજવી મંડળનું પણ વિલોપન થયું.
રમણલાલ ક. ધારૈયા