ચેમકુર, વેંકટ (સત્તરમી સદી) : તેલુગુ કવિ. તેમનું આખું નામ ચેમકુર વેંકટ રાજુ હતું. તેઓ તાંજોરના રઘુનાથ નાયકના પ્રસિદ્ધ રાજકવિ હતા. તેમણે રાજાને તેમના લશ્કરી આક્રમણ દરમિયાન સેવા આપી હોવાનું જણાય છે. તેઓ પોતાને નિયોગી બ્રાહ્મણ કહેતા, પરંતુ આમ તો તેઓ નિમ્ન વર્ણના હતા.

તેલુગુ ભાષાનાં 5 મહાકાવ્યોમાં તેમની યશોદાયી કૃતિ ‘વિજયવિલાસમ્’નો સમાવેશ થાય છે. તેમાં તેમણે લક્ષ્મણ અમાત્યના પુત્ર હોવાનું અને તેમની કવિતા સૂર્યદેવતાની પ્રેરણા હોવાનું જણાવ્યું છે. તેમની ‘વિજયવિલાસમ્’ કૃતિથી તેઓ ખ્યાતિ પામ્યા. તેમની બીજી કૃતિ છે : ‘સારંગધર ચરિત્ર’, પણ તેને એટલી સફળતા કે લોકપ્રિયતા મળી નથી. તેમાં તેમણે સારંગધરની વાર્તાને સ્વતંત્ર સ્વરૂપ આપ્યું છે.

‘વિજયવિલાસમ્’માં દ્રૌપદી અને ધર્મરાજના ખંડમાં પ્રવેશી જતાં થયેલા પાપના પ્રાયશ્ચિત્ત રૂપે અર્જુને કરેલી ભ્રમણયાત્રાનાં રોમાંચક પરાક્રમોનું અને પૌરુષનું વર્ણન છે. ઉલૂપી, ચિત્રાંગદા અને સુભદ્રા સાથેનાં અર્જુનનાં લગ્નની તેમાં વાત છે. કવિની શૈલી પ્રસન્નગંભીર છે. ‘સારંગધરચરિત્ર’માં કલાત્મક સ્પર્શ હોવા છતાં કવિએ ગૌરણના ‘નવનાથચરિત્ર’ની વસ્તુ તેમજ ભાષાનો ઉપયોગ કર્યો હોવાથી એમાં તાજગી દેખાતી નથી.

અનિલા દલાલ