ભૂગર્ભજળશાસ્ત્ર (geohydrology):પૃથ્વીની સપાટી નીચે રહેલા જળનું વિજ્ઞાન. ભૂગર્ભજળશાસ્ત્ર અને જળભૂસ્તરશાસ્ત્ર(hydrogeology) બંને લગભગ સમાન વિષયો છે. આ શાખા કોઈ પણ વિસ્તારમાંના ભૂગર્ભજળના ગુણાત્મક અને જથ્થાત્મક પ્રકારો, જળસંચરણ અને પ્રાપ્તિ સાથે સંકળાયેલી છે. આ વિષયનું મહત્વ એટલા માટે છે કે ભૂગર્ભજળમાંથી મળતા લાભોનો સપાટીજળ સાથે સમન્વય કરી શકાય છે. આ શાખા ભૂસ્તરશાસ્ત્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે, કારણ કે ભૂગર્ભજળનું અસ્તિત્વ અને અભિસરણ ભૂપૃષ્ઠના અને પોપડાના અંદર તરફના ખડકોની સછિદ્રતા, ભેદ્યતા, સંરચના, કણરચના તેમજ બંધારણ પર આધાર રાખે છે. ડાઇક જેવા અવરોધો જળ-અભિસરણ અને જળપ્રાપ્તિ પર કાબૂ ધરાવે છે. ભૂગર્ભજળનાં અન્વેષણો માટે ભૂસ્તરીય અને ભૂભૌતિક પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. (સંબંધિત માહિતી માટે જુઓ, જળભૂસ્તરશાસ્ત્ર).
ગિરીશભાઈ પંડ્યા