ભૂગર્ભીય સરોવર : હિમાવરણ હેઠળ ઢંકાયેલું સરોવર. દક્ષિણ ધ્રુવખંડ-ઍન્ટાર્ક્ટિકાના હિમાવરણ હેઠળ ઢંકાયેલું આ સરોવર અભિયાનકારી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રશિયન અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ અહીંથી જે નમૂના મેળવ્યા છે તે 4,20,000 વર્ષ જૂના છે એવો વૈજ્ઞાનિકોનો દાવો છે. તેમના મત મુજબ, આ સરોવરનું જળ 5 લાખથી 10 લાખ વર્ષ પુરાણું હોવાની સંભાવના છે. કેટલાક વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે આ બંધિયાર જળમાં કોઈ પ્રકારનું જીવન પણ હોવું જોઈએ. છેલ્લા 5 લાખ વર્ષ જૂના જીવાણુઓ–કીટાણુઓ અહીં અકબંધ મળી આવશે એવી શક્યતાને તેઓ નકારી કાઢતા નથી. બૅક્ટેરિયા જેવા જીવાણુઓ તો હોવાની પૂરી શક્યતા છે. આમ આ પ્રકારનું સરોવર દુનિયાનું પ્રાચીનતમ સરોવર ગણાવી શકાય.

આ સરોવરનું નામ ‘લેક વૉસ્ટૉક’. છે તેની નજીક દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં રશિયાનું વૉસ્ટૉક વૈજ્ઞાનિક મથક આવેલું છે. તેની લંબાઈ 230 કિમી. અને પહોળાઈ 50 કિમી. જેટલી છે. તેની ઉપર આવરણ તરીકે હિમપટ રહેલો હોવાથી સપાટીજન્ય જૈવિક પ્રવૃત્તિઓથી તે મુક્ત રહી શક્યું છે. તેનો ઘેરાવો 10,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. અહીંથી સમુદ્રતટ 800 કિમી.ના અંતરે છે. ભૂકંપમાપક સાધનો અને ધ્વનિમાપક સાધનો (પડઘા-પદ્ધતિ) દ્વારા કરેલી સર્વેક્ષણ-તપાસમાંથી જાણવા મળ્યું છે કે હિમપટ નીચે 3.7થી 4.2 કિમી.ની ઊંડાઈએ તે રહેલું હોવાનું માલૂમ પડ્યું છે. સરોવરજળની ઊંડાઈ 500 મીટર હોવાનો અંદાજ કાઢવામાં આવેલો છે. વૈજ્ઞાનિકો કહે છે કે અહીંના હિમપટમાં શારકામ કરીને સરોવરની ઉપલી જળસપાટી સુધી પહોંચવામાં આવે તો અત્યંત જળદાબ હેઠળ રહેલું તેનું જળ ઘણા જોરથી બહાર ધસી આવવાની પૂરી શક્યતા છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ હિમપટના વજનને કારણે ભૂગર્ભીય બરફ જળસ્વરૂપમાં ફેરવાઈને સરોવર બન્યું હોય અથવા ત્યાંના ભૂપૃષ્ઠમાંનાં કિરણોત્સારી દ્રવ્યોમાંથી ઉદભવતી ઉષ્માને કારણે બરફનું જળમાં રૂપાંતર થયું હોય. આ ક્ષેત્રમાં આવાં બીજાં પણ નાનાં નાનાં 60 જેટલાં ભૂગર્ભીય સરોવરો મળી આવ્યાં છે. આ નાનાં સરોવરો પૂરતી શારકામ-યોજના હાથ પર લેવાય એવી શક્યતા છે.

ગિરીશભાઈ પંડ્યા