ભુસાવળ : મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 03´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે સાતપુડા હારમાળા અને દખ્ખણના ઉચ્ચપ્રદેશની  અજંતા હારમાળાની વચ્ચે તાપી નદી પર આવેલું છે. મુંબઈથી કોલકાતા અને અલાહાબાદ તરફ જતા મુખ્ય રેલ અને સડકમાર્ગો અહીં થઈને પસાર થાય છે. નજીકના કપાસ ઉગાડતા પ્રદેશોનું વેપારનું તે મધ્યસ્થ મુખ્ય મથક બની રહેલું છે. અહીંથી કેળાં, બાજરી અને મગફળીનો વેપાર પણ થાય છે, વળી અહીં તેલ-ઉત્પાદન કરતું મોટું ઔદ્યોગિક એકમ પણ છે. ગાડીનાં એંજિનોનું કારખાનું પણ અહીં આવેલું છે. પુણે યુનિવર્સિટી સંલગ્ન એક વિનયન કૉલેજ પણ અહીં આવેલી છે. વસ્તી : 1,59,459 (1991).

ગિરીશભાઈ પંડ્યા