ભાવસાર, ભીખુભાઈ (જ. 3 મે 1929, વલસાડ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર. વ્યવસાયે જાણીતા વેપારી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે ગાયક તરીકે તેમણે નામના મેળવી છે. ગુજરાતી ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અભ્યાસને તિલાંજલિ આપી અને હાર્મોનિયમવાદનથી સંગીતક્ષેત્રમાં પદાપર્ણ કર્યું. પિતા ભગવાનદાસ પોતે સારા હાર્મોનિયમવાદક હતા તથા કાકા ઘેલાભાઈ શાસ્ત્રીય સંગીતના શોખીન હતા. તેમની પાસેથી પ્રેરણા લઈ સાત વર્ષની ઉંમરે તેમણે સંગીતની તાલીમ શરૂ કરી. 1946–52ના ગાળામાં ગ્વાલિયર ઘરાનાના જાણીતા સંગીતકાર પંડિત કાશીનાથ તુળપુળે પાસે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લીધી. દરમિયાન જુલાઈ 1948માં આકાશવાણી, મુંબઈ પરથી પ્રથમ કાર્યક્રમ રજૂ કર્યો. 1957માં મેવાતી ઘરાનાના વિખ્યાત કલાકાર પંડિત મણિરામના વિધિવત્ શિષ્ય બન્યા. પંડિત મણિરામના લઘુબંધુ સંગીતમાર્તંડ પંડિત જસરાજ સાથે દેશના વિવિધ સ્થળે સંગત કરી પોતાના જ્ઞાનમાં સતત વધારો કરતા રહ્યા. 1982માં આકાશવાણીએ તેમને ‘A’ ગ્રેડના કલાકાર તરીકે માન્યતા આપી. ત્યારથી અત્યાર સુધીમાં આકાશવાણીના રાષ્ટ્રીય સંગીત સમારોહમાં તથા અમદાવાદના દૂરદર્શન પરથી તેમના કાર્યક્રમો અવારનવાર રજૂ થતા રહ્યા છે. ઉપરાંત, દેશનાં વિવિધ સ્થળોએ આયોજિત સંગીત-સંમેલનોમાં પણ તેમણે તેમની શાસ્ત્રીય ગાયનકલાનો પરિચય આપ્યો છે. તેમણે અત્યાર સુધી બે વાર અમેરિકા અને કૅનેડાનો પ્રવાસ કર્યો છે અને ત્યાં પણ શાસ્ત્રીય સંગીતના જાહેર કાર્યક્રમો આપ્યા છે.

તેઓ હાલમાં આકાશવાણી, દિલ્હીના મધ્યસ્થ ઑડિશન બૉર્ડના સભ્ય તથા 1992–2000 દરમિયાન ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમીના સભ્ય છે.

1983માં વલસાડ નગરપાલિકા દ્વારા તેમનું નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરાની જાણીતી નાટ્યસંસ્થા ‘ત્રિવેણી’ (1993) તથા જૂનાગઢની ‘સંતસભા’ (1994) દ્વારા તેમને ‘સ્વરસાધના ઍવૉર્ડ’ તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થા (1995) દ્વારા તેમને ‘કલાગુર્જરી ઍવૉર્ડ’થી સન્માનવામાં આવ્યા છે. 1994–95 વર્ષના ગૌરવ પુરસ્કારથી ગુજરાત સંગીત નાટક અકાદમીએ તેમનું બહુમાન કર્યું છે. તેઓ છેલ્લાં અનેક વર્ષોથી વિનામૂલ્યે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપતા રહ્યા છે. તેમના બહોળા શિષ્યવર્ગમાં કેટલાકે આકાશવાણીના ‘A’ ગ્રેડ કલાકારનું સ્થાન મેળવ્યું છે. ભારતનાં કેટલાંક શહેરો ઉપરાંત ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા કૅનેડામાં તેમના શિષ્યો શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેમના અગ્રણી શિષ્યોમાં હરેશ ભાવસાર, સુશીલ ભાવસાર તથા અશોક શાહનાં નામ ઉલ્લેખનીય છે.

ભીખુભાઈ ભાવસાર

દક્ષિણ ગુજરાતની કેટલીક અગ્રણી સાંસ્કૃતિક સંસ્થાઓના વિકાસમાં તેમનો ફાળો સક્રિય રહ્યો છે, જેમાં વલસાડની ‘કલાયતન’, બીલીમોરાની ‘સ્વરસાધના’, નવસારીની ‘નવસારી સંગીત મંડળ’, સૂરતની ‘નાદ’ તથા વાપીની ‘સ્પંદન’ સંસ્થાઓનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે