ભાવસાર, રમણીક (જ. 1936, પેથાપુર, જિ. ગાંધીનગર) : ગુજરાતના ચિત્રકાર. પરંપરાગત રીતે કોતરેલા લાકડાના બ્લૉક વડે છાપકામ કરવાનો વ્યવસાય તેમને વારસામાં મળ્યો હતો. પિતાના અવસાન બાદ તેઓ કાકા પાસે રહ્યા અને આ પરંપરા આત્મસાત્ કરી. એવામાં જ કાકાનું પણ અવસાન થતાં વ્યવસાય બંધ થવાથી તેઓ અમદાવાદ આવ્યા. અહીં આર. સી. ટૅકનિકલના કલાભવનમાં જોડાયા અને બાબુભાઈ ગજ્જર પાસે વિધિવત્ શિક્ષણ મેળવ્યું. અહીં એક વર્ષ ભણીને અરુણ મિલમાં  ટેક્સ્ટાઇલ આર્ટિસ્ટ તરીકે તેઓ જોડાયા. આ પછી મુંબઈની  સર જે. જે. સ્કૂલ ઑવ્ આટર્માંથી એડ્વાન્સ્ડ પેઇંટિંગનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી અમદાવાદની રામકૃષ્ણ મિલ, સરસપુર કૉટન મિલ, સારંગપુર મિલ ઇત્યાદિ મિલોમાં આર્ટિસ્ટ તરીકે કામગીરી બજાવી અને સાથે સાથે દુકાનો માટેનાં નામનાં પાટિયાં ચીતરવાનું અને હોટલો રંગી આપવાના કૉન્ટ્રૅક્ટનું કામ પણ કરતા રહ્યા.

તેમની ચિત્રકલા આરંભમાં નવતાંત્રિક (neo-Tantric) પ્રકારની હતી. તેમનાં આ શૈલીનાં ચિત્રોમાં તેમણે ત્રિશૂળ, સાથિયો, લિંગ, યોનિ ઇત્યાદિ પ્રતીક્ધો તૈલરંગોથી તથા સપાટી પર ભભરાવીને ચોંટાડેલી રેતી વડે ઉપસાવ્યાં છે. 1985 પછી ટેક્સ્ટાઇલ ડિઝાઇનનો વ્યવસાય છોડી અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ કલામહાવિદ્યાલયમાં તે વિષયનું શિક્ષણ આપવું શરૂ કર્યું. આ જ સમય દરમિયાન તેમની ચિત્રકલાએ પણ અણધાર્યો વળાંક લીધો. તેઓ નવતાંત્રિક શૈલી છોડીને નિસર્ગ-ચિત્રણ તરફ વળ્યા. તેમનાં નિસર્ગચિત્રોમાં નિસર્ગનું આબેહૂબ ચિત્રણ નહિ, પણ રમણીકભાઈના કલ્પના-જગતમાં રહેલ નિસર્ગનું ચિત્રણ જોવા મળે છે. આમ તેમનાં નિસર્ગચિત્રો વાસ્તવિકતાની નકલ ન રહેતાં વિશેષે સર્જકનાં અંત:સ્થ નિસર્ગ-રૂપોના વિલક્ષણ આવિષ્કાર બની રહ્યાં.

ભાવસારને 1961માં પંજાબ સુવર્ણચંદ્રક મળેલો. નવી દિલ્હીની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સે 1965માં તથા નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટીએ 1965માં ભાવસારનું સન્માન કરેલું.

1966, ’67, ’75, ’78 અને ’84માં ગુજરાત રાજ્ય લલિતકલા એકૅડેમીના ઍવૉર્ડો ભાવસારને મળેલા. વળી 1967માં બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ, 1975માં ભારતી કલાભવનનો ઍવૉર્ડ તથા 1975, ’84 અને ’96માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍવૉર્ડ પણ તેમને મળેલા. 1966 અને ’68માં મધ્યપ્રદેશ કલા પરિષદે તેમનું ઍવૉર્ડ આપી બહુમાન કરેલું.

અમિતાભ મડિયા