ચેતક : મેવાડના રાજવી મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો. સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો યુદ્ધ દ્વારા અંત લાવવાના હેતુથી અકબરે રાણા પ્રતાપને પરાસ્ત કરવા માટે રાજા માનસિંઘની પસંદગી કરી. એપ્રિલ, 1576માં મોટા લશ્કર સાથે માનસિંઘે રાણા પ્રતાપ સામે લશ્કરી ઝુંબેશ શરૂ કરી. હલદીઘાટમાં બંનેની સેનાઓ વચ્ચે ભયંકર લડાઈ ફાટી નીકળી. મહારાણા પ્રતાપે માનસિંઘ પર ભાલાથી હુમલો કર્યો. રાણા પ્રતાપ તેના અત્યંત ચપળ ઘોડા ચેતક પર સવાર હતા. ઘોડાએ મારેલી છલંગ દરમિયાન તે માનસિંઘના હાથીના પગ પર બાંધેલી તલવાર પર ભટકાયો. ઘોડાને આગળના બંને પગમાં ગંભીર ઈજા થઈ. છતાં પોતાના માલિકને બચાવવા માટે આ વફાદાર ઘોડો 3 કિમી. સુધી દોડ્યો અને વચ્ચે આવેલી નદી પાર કર્યા પછી છેવટે ઢળી પડ્યો. રાણા પ્રતાપે તેની સ્મૃતિમાં તે સ્થળે એક ચબૂતરો બંધાવ્યો જે આજે પણ જોવા મળે છે. ચેતકની સ્મૃતિમાં ત્યાંની ટ્રેનને ચેતક ઍક્સ્પ્રેસ નામ અપાયું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે