ચેતન સ્વામી (જ. 4 માર્ચ 1957, શ્રીડુંગરગઢ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની લેખક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કિસ્તૂરી મિરગ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે હિંદીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ ‘જગતી જોત’ માસિકના સંપાદક હતા.

તેમણે રાજસ્થાનીમાં 8 ગ્રંથો આપ્યા છે. ‘આંગને વિચલે ભિંટા’, ‘નિજરાનો’, ‘રચાવ’, ‘આખર’, ‘બુદ્ધગિરિ મહિમા’ અને ‘કિસ્તૂરી મિરગ’ તેમના વાર્તાસંગ્રહો છે. ‘સ્વાલ’ કાવ્યસંગ્રહ, ‘મ્હારો દાગિસ્તાન’, ‘સુપના મોરપંખી’ અનૂદિત ગ્રંથો છે. તેમને શિવચંદ્ર ભરતિયા પુરસ્કાર, કડવા-મીઠા સચ પુરસ્કાર (4 વખત), સુઆગાન સ્મૃતિ પુરસ્કાર (નાનૂમન) તથા રાજસ્થાન રત્નાકર (દિલ્હી) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ચેતન સ્વામી

તેમની પુરસ્કૃત કૃતિ ‘કિસ્તૂરી મિરગ’ નામક વાર્તાસંગ્રહ વિષયવસ્તુની નવીનતા અને પાત્રોના જીવંત અને પ્રામાણિક સંઘર્ષને કારણે ઉલ્લેખનીય બની છે. માનવીય વ્યથાને લેખકે ઊંડાણથી આત્મસાત્ કરી હોવાનું જણાય છે. તેમાં માનવજીવનનાં શાશ્વત મૂલ્યોનું સુંદર નિરૂપણ કર્યું હોવાથી રાજસ્થાનીમાં લખાયેલ આ કૃતિ નોંધપાત્ર બની છે.

બળદેવભાઈ કનીજિયા