ચૅડવિક, સર જેમ્સ (જ. 20 ઑક્ટોબર 1891, મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 જુલાઈ 1974, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ન્યુટ્રૉનની શોધ માટે 1935ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજ્ઞાની. શરૂઆતનો અભ્યાસ મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં. 1911માં યુનિવર્સિટી ઑવ્ મૅન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા પછી તે જ યુનિવર્સિટીમાં એમ.એસસી. માટે જોડાઈ 1911થી 1913 દરમિયાન સર અર્નેસ્ટ રૂધરફર્ડના માર્ગદર્શન હેઠળ કિરણોત્સારી તત્વોના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદભવ અંગે સૈદ્ધાંતિક ભૂમિકાએ સંશોધન કર્યું. 1913માં બર્લિનમાં પ્રો. ગાઇગરના હાથ નીચે રેડિયોસક્રિયતા ઉપર કામ શરૂ કર્યું. બ્રિટિશ નાગરિક હોવાને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓ નડવા છતાં તેમણે મૅક્સ પ્લાન્ક, નર્ન્સ્ટ, માઇટનર જેવા વિજ્ઞાનીઓ સાથે કામ ચાલુ રાખ્યું અને મૂળ તત્વોમાંથી બહાર આવતા β-કણોની ઊર્જાનું મૂલ્યાંકન કર્યું. આ અભ્યાસ β-કિરણ સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખાય છે.
1921માં તેમને ગોન્વિલે અને કેઇસ કૉલેજ, કેમ્બ્રિજ ખાતે વોલાસ્ટોન છાત્રવૃત્તિ પ્રાપ્ત થઈ અને 1921માં તે જ કૉલેજમાં ફેલો નિમાયા. 1923માં કૅવેન્ડિશ લૅબોરેટરી ફૉર ઍક્સપેરિમેન્ટલ ફિઝિક્સના ઉપનિયામક નિમાયા. ત્યાં તેમણે રૂધરફર્ડ સાથે પરમાણુકેન્દ્રો ઉપર a-કણ પ્રતાડન(bombardment)નો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે બેરિલિયમના કેન્દ્ર ઉપર α-કણોનો મારો ચલાવવામાં આવે છે ત્યારે તેમાંથી એક એવું વિકિરણ ઉદભવે છે જે હાઇડ્રોજન-સમૃદ્ધ પૅરેફિનમાંથી પ્રોટૉન મુક્ત કરે છે. આ વિકિરણ ન્યુટ્રૉન નામના, પ્રોટૉન કરતાં 1.0067 ગણા ભારે અને વીજભારવિહીન કણોનું બનેલું છે તેમ તેમણે દર્શાવ્યું (1932). 1915થી 1933ના ગાળામાં રુધરફર્ડ સાથેનાં સંશોધનો વડે તેમણે સિદ્ધ કર્યું કે (અ) પરમાણુઓનું કૃત્રિમ રૂપાંતરણ (artificial transmutation) શક્ય છે, (બ) તત્વના પરમાણુની ત્રિજ્યાનો અંદાજ કાઢી શકાય છે અને (ક) પરમાણુના કેન્દ્રમાં પ્રોટૉન ઉપરાંત ન્યુટ્રૉન નામનો કણ પણ આવેલો છે.
તેમને 1932માં રૉયલ સોસાયટીનું સભ્યપદ અને હ્યુજીસ ચંદ્રક પ્રાપ્ત થયાં હતાં. ન્યુટ્રૉનની શોધ ઘણી અગત્યની સાબિત થઈ. તે વીજભારવિહીન કણ હોવાથી પરમાણુકેન્દ્રના વિભેદન (penetration) અને પરખ (probing) માટે ઘણો અસરકારક છે. ન્યુટ્રૉનના ઉપયોગથી પરમાણુ-વિખંડનની અને કેન્દ્રીય ભઠ્ઠીઓ(nuclear reactors)ની શોધ થઈ.
1935–48નાં વર્ષોમાં યુનિવર્સિટી ઑવ્ લિવરપૂલમાં પ્રાધ્યાપક રહ્યા. તે દરમિયાન પ્રતાડન માટે α-કણોને બદલે સાયક્લોટ્રૉન જેવા કણ-પ્રવેગકો દ્વારા મળતા અત્યંત વેગવાળા વીજભારિત કણોનો ઉપયોગ કરી ઊંચા પરમાણુભાર ધરાવતાં તત્વોનું વિખંડન શક્ય બનાવ્યું.
1943માં પરમાણુબૉમ્બ વિકસાવવા માટેના મૅનહટન પ્રોજેક્ટમાં અમેરિકન ટુકડીના નેતા એન્રિકો ફર્મી હતા જ્યારે અમેરિકા ગયેલી બ્રિટિશ ટુકડીના નેતા ચૅડવિક હતા. આ પ્રોજેક્ટના ફળસ્વરૂપે 1945માં પરમાણુબૉમ્બ તૈયાર થયો, જેના ઉપયોગથી જાપાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડી અને વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.
1945માં તેમને ઉમરાવપદ (knighthood) આપવામાં આવ્યું. 1948માં લિવરપૂલ છોડી કૅમ્બ્રિજમાં ગોન્વિલે કૉલેજનું આચાર્યપદ સંભાળ્યું. તેમના મુખ્ય શોખ માછીમારી અને બાગાયત હતા.
સૂ. ગી. દવે
રાજેશ શર્મા