આલ્કોહૉલ : કુદરતી રીતે છોડવાઓમાં મળી આવતાં તેમજ સંશ્લેષિત રીતે ઇથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી સંશ્લેષણ દ્વારા મેળવી શકાય તેવાં હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ. આ સંયોજનોમાં ઑક્સિજન-પરમાણુ કાર્બન-પરમાણુ સાથે એકાકી (single) બંધથી જોડાયેલ હોય છે. આલ્કોહૉલ તેમજ ફિનૉલમાં આ ઑક્સિજન-પરમાણુ બીજી સંયોજકતા દ્વારા હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે. આ હાઇડ્રૉક્સિલ (-OH) સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય છે (≡C-OH). આલ્કોહૉલ સંયોજનોને પાણીનાં વ્યુત્પન્નો પણ ગણી શકાય.
જેમ કે પાણી H-O-H આલ્કોહૉલ R-O-H (R-હાઇડ્રોકાર્બન સમૂહ).
પાણીના અણુમાંના એક હાઇડ્રોજનનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરતાં આલ્કોહૉલ વર્ગનાં સંયોજનો મળે છે. (હાઇડ્રોજનનું એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરતાં ફિનૉલ મળે છે.).
ઓછા કાર્બનવાળા આલ્કોહૉલ પાણીને કાંઈક મળતા આવે છે અને તટસ્થ હોય છે.
(દા.ત., ઇથેનૉલ Ka = 7.4 x 10–17).
આલ્કોહૉલનું વર્ગીકરણ : આલ્કોહૉલનું સામાન્ય સૂત્ર CnH2n+1 OH છે.
હાઇડ્રૉક્સિલ સમૂહ કેવા પ્રકારના કાર્બન સાથે જોડાયેલ છે તેના ઉપરથી આલ્કોહૉલનું વર્ગીકરણ કરવામાં આવે છે.
RCH2OH R2CHOH R3COH
પ્રાથમિક દ્વિતીયક તૃતીયક
જ્યાં R = હાઇડ્રોકાર્બન સમૂહ છે.
આલ્કોહૉલમાં એક, બે, ત્રણ કે વધુ OH સમૂહો શક્ય છે અને તે પ્રમાણે તેઓ મૉનોહાઇડ્રિક, ડાઇહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક કે પૉલિહાઇડ્રિક આલ્કોહૉલ તરીકે ઓળખાય છે.
નામકરણ : જે સમૂહ સાથે -OH સમૂહ જોડાયેલ હોય તેના નામ ઉપરથી નામકરણ થાય છે.
દા.ત., મિથાઇલ (-CH3) ઉપરથી CH3OH મિથાઇલ આલ્કોહૉલ, -C2H5, ઇથાઇલ ઉપરથી C2H5OH ઇથાઇલ આલ્કોહૉલ.
બીજી પદ્ધતિમાં બધા આલ્કોહૉલને મિથાઇલ આલ્કોહૉલ(કાર્બિનૉલ)નાં વ્યુત્પન્નો ગણીને નામ અપાય છે.
દા.ત., CH3CH2OH મિથાઇલ કાર્બિનૉલ
આઇયુપીએસી (IUPAC) પદ્ધતિ પ્રમાણે આલ્કેન(alkane)ના ‘e’ના બદલે ‘ol’ (ઑલ) મુકાય છે.
દા.ત., CH3OH મિથેનૉલ (methane ઉપરથી methanol).
C2H5OH ઇથેનૉલ વગેરે.
શૃંખલા-ઉપશૃંખલાવાળાં સંયોજનોમાં -OH સમૂહવાળી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીને OH-સમૂહવાળા કાર્બનનો (તથા ઉપશૃંખલાનો) ઓછામાં ઓછો આંક આવે તેમ આ શૃંખલાના કાર્બનને આંકડા આપી નામ યોજવામાં આવે છે; દા.ત.,
એકથી વધુ -OH સમૂહો હોય તો ‘ol’ની આગળ di (2-માટે), tri (3-માટે) ઉપસર્ગો લગાડાય છે; જેમ કે,
OHCH2-CH2OH ઇથેન ડાયોલ (ઇથિલીન ગ્લાયકૉલ)
HOCH2-CHOH-CH2OH પ્રોપેન-1, 2, 3-ટ્રાયોલ (ગ્લિસેરૉલ). બે OH સમૂહ સમૂહવાળાં સંયોજનો ગ્લાયકૉલ તરીકે ઓળખાય છે.
HOCH2-CH2-CH2OH 1, 3-પ્રોપિલીન ગ્લાયકૉલ,
સામાન્ય નામ | સૂત્ર | ગ.બિ.
0સે. |
ઉ.બિ.
0સે. |
ઘનતા
|
મિથાઇલ આલ્કોહૉલ | CH3OH | -93.9 | 64.96 | 0.7914 |
ઇથાઇલ આલ્કોહૉલ | C2H5OH | -117.3 | 78.50 | 0.7893 |
n-પ્રોપાઇલ આલ્કોહૉલ | CH3CH2CH2OH | -126.5 | 97.4 | 0.8015 |
આઇસો-
પ્રોપાઇલ આલ્કોહૉલ |
CH3CH(OH)CH3 | -89.5 | 82.4 | 0.7855 |
એલાઇલ આલ્કોહૉલ | CH2 = CHCH2OH | -125 | 97 | 0.8540 |
લોરાઇલ આલ્કોહૉલ | CH3(CH2)10CH2OH | 26 | 259 | 0.8309 |
સ્ટિરાઇલ આલ્કોહૉલ | CH3(CH2)16CH2OH | 59.4 | 332 | 0.8124 |
ઇથિલીન ગ્લાયકૉલ | CH2OHરCH2OH | -11.5 | 198 | 1.1058 |
ગ્લિસેરૉલ | CH2OHCHOHCH2OH | 20 | 290 | 1.2613 |
બેન્ઝાઇલ આલ્કોહૉલ | C6H5CH2OH | -15.2 | 205.35 | 1.0419 |
પેન્ટાઇરીથ્રિટોલ | C(CH2OH)4 | 260 | – | – |
ભૌતિક ગુણધર્મો : બાર સુધી કાર્બન-સંખ્યા ધરાવતા પ્રાથમિક આલ્કોહૉલ રંગવિહીન પ્રવાહી હોય છે, જ્યારે વધુ કાર્બનયુક્ત આલ્કોહૉલ ઘન પદાર્થો છે; દા.ત., સિટાઇલ અથવા પામીટિલ (Cetyl or Palmityl alcohol) આલ્કોહૉલ C16H33OH (ગ.બિં. 49.3 સે.).
વધુ હાઇડ્રૉક્સિલ સમૂહવાળા આલ્કોહૉલ ચાસણી જેવા ઘટ્ટ હોય છે. ત્રણ કાર્બન સુધીના આલ્કોહૉલ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. કાર્બનની સંખ્યા વધતાં જલદ્રાવ્યતામાં ઘટાડો થાય છે. મૉનોહાઇડ્રિક આલ્કોહૉલ બીજાં કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. અણુભાર વધતાં આલ્કોહૉલનાં ઉત્કલનબિંદુ, ગલનબિંદુ, બાષ્પદબાણ, ઘનતા અને શ્યાનતામાં વધારો થાય છે. સમાન કાર્બનસંખ્યા ધરાવતા આલ્કોહૉલના અણુમાં હાઇડ્રૉક્સિલ સમૂહની સંખ્યા વધતાં મીઠાશ, જલદ્રાવ્યતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા અને શ્યાનતામાં વધારો થાય છે. મૅનિટોલ[C6H8(OH)6]ની વધુ મીઠાશને કારણે તેને શુગર આલ્કોહૉલ કહે છે. સમાન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બનના મુકાબલે, હાઇડ્રોજનબંધને કારણે આલ્કોહૉલનાં ગલન તેમજ ઉત્કલનબિંદુઓ ઊંચાં હોય છે. 8થી 12 કાર્બનવાળા આલ્કોહૉલની વાસ ગુલાબ કે લિલી (Lily) જેવી હોય છે અને તેથી તેનો ઉપયોગ સુગંધીકારક ઘટક તરીકે થાય છે.
રાસાયણિક ગુણધર્મો અને પ્રક્રિયાઓ :
આલ્કોહૉલની પ્રક્રિયાઓમાં હાઇડ્રૉક્સિલ સમૂહમાંના Hનું તથા -OH સમૂહનું વિસ્થાપન થાય છે. આલ્કોહૉલ તટસ્થ સંયોજનો છે. આલ્કલી ધાતુઓ OHમાંના Hનું વિસ્થાપન કરે છે.
2 ROH + 2Na → 2 RONa + H2
ઍસિડ સાથે તે બેઇઝની માફક વર્તે છે. પ્રેરક અસરને (inductive effect) કારણે તૃતીયક આલ્કોહૉલ સૌથી વધુ બેઝિક છે (કાર્બોનિયમ આયન R3C+ વધુ સરળતાથી બને છે).
આલ્કોહૉલ અને કાબૉર્ક્સિલિક ઍસિડ વચ્ચે HCl કે H2SO4 ઍસિડની હાજરીમાં પ્રક્રિયા થતાં એસ્ટર બને છે.
આ એસ્ટરીકરણ પ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રક્રિયામાં આલ્કોહૉલનો -OH ઍસિડના H સાથે પ્રક્રિયા કરે છે. અકાર્બનિક ઍસિડ સાથે પણ એસ્ટર બને છે. લાંબી શૃંખલાવાળા આલ્કોહૉલનો ઉપયોગ કરીને મળતા આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ પ્રક્ષાલક તરીકે ઉપયોગી છે.
ROH + H2SO4 → RHSO4 + H2O
આલ્કોહૉલનું ઉપચયન (oxidation) કરતાં પ્રાથમિક આલ્કોહૉલ આલ્ડિહાઇડ જ્યારે દ્વિતીયક આલ્કોહૉલ કીટોન (ketone) આપે છે. તૃતીયક આલ્કોહૉલનું વિઘટન થાય છે.
આલ્કોહૉલનું નિર્જલીકરણ (dehydration) કરતાં ઊંચા તાપમાને ઑલેફિન (આલ્કીન, alkene) જ્યારે નીચા તાપમાને ઈથર મળે છે.
પ્રથમ પ્રક્રિયા અંતરા-અણુક (intermolecular) જ્યારે બીજી પ્રક્રિયા અંત:-અણુક (intramolecular) છે. નિર્જલીકરણની ઝડપનો ક્રમ તૃતીયક > દ્વિતીયક > પ્રાથમિક છે.
ઇથિલીન ગ્લાયકૉલનું સલ્ફ્યુરિક ઍસિડ વડે નિર્જલીકરણ કરવાથી ડાયૉક્સેન મળે છે, જે ઔદ્યોગિક દૃષ્ટિએ અગત્યનું સંયોજન છે :
એમોનિયા સાથે ઍસિડિક ઉદ્દીપક(દા.ત., ZnCl2, Al2O3)ની હાજરીમાં આલ્કોહૉલ એમાઇનનું મિશ્રણ આપે છે.
ROH + NH3 → RNH2 + H2O
ઉદ્યોગમાં દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું પ્રમાણ ન વધે તે માટે પ્રક્રિયા વખતે એમોનિયા ખૂબ વધુ લેવામાં આવે છે.
પ્રાથમિક આલ્કોહૉલના વિહાઇડ્રોજનીકરણથી આલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહૉલના વિહાઇડ્રોજનીકરણથી કીટોન મળે છે.
ઇથિલીન ઑક્સાઇડ સાથે આલ્કોહૉલ, ઇથૉક્સિ સમૂહયુક્ત બહુલક આપે છે.
હેલોજન હેલાઇડ કે ફૉસ્ફરસ હેલાઇડ સાથે આલ્કાઇલ હેલાઇડ મળે છે.
ROH + HX → RX + H2O
3ROH + PX3 → 3RX + H3PO3
પ્રાપ્તિ અને નિર્માણ : સામાન્ય આલ્કોહૉલ ક્વચિત્ જ મુક્ત અવસ્થામાં કુદરતમાં મળે છે. ઉચ્ચ આલ્કોહૉલ સુગંધીદાર તેલોમાં સારા પ્રમાણમાં મળી આવે છે; દા.ત., ગુલાબમાં સિટ્રોનેલોલ, અને જિરાનિયોલ હોય છે. સિન્નેમિક આલ્કોહૉલ, ફિનાઇલ-1-પ્રોપેનૉલ, મેન્થોલ (ઇજમેટનાં ફૂલ), ટર્પિનિયૉલ, સૉર્બિટૉલ, મૅનિટોલ, કોલેસ્ટેરૉલ વગેરે હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કુદરતમાં મળતા સંકીર્ણ પદાર્થો છે.
તેલ, માખણ અને ઘી ચરબીજ (fatty) ઍસિડના ગ્લિસેરૉલ સાથેના એસ્ટર (ગ્લિસરાઇડ) છે. મીણ વગેરેમાં પણ ઉચ્ચ આલ્કોહૉલ એસ્ટર રૂપે હોય છે; દા.ત., મધપૂડાનું મીણ મિરિસાઇલ પામિટેટ (C15H31COOC30H61) છે.
મિથેનૉલ (એસેટિક ઍસિડ અને એસિટોન સહિત) કાષ્ઠના વિચ્છેદક નિસ્યંદનથી આ સદીની શરૂઆતમાં વ્યાપારી ધોરણે મેળવવાનું શરૂ થયું હતું. હાલમાં મિથેનૉલ સંશ્લેષિત રીતે જ મેળવવામાં આવે છે.
ઇથેનૉલ મદ્યના રૂપમાં ઓછામાં ઓછાં દશ હજાર વર્ષથી જાણીતો છે. ખાંડ, ગ્લુકોઝ (ફળના રસ), સ્ટાર્ચ તથા મોલાસિસ(ખાંડની રસી)નું યીસ્ટ વડે આથવણ કરીને ઇથેનૉલ મેળવવામાં આવે છે.
C6H12O6 → 2C2H5OH + 2CO2
ઇથિલીન જે પેટ્રોરસાયણ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં મળે છે તેના જલીકરણ(hydration)થી પણ મોટા પ્રમાણમાં ઇથેનૉલ બનાવાય છે :
CH2 = CH2 + H2O → CH3CH2OH
ઇથિલીન પાણી ઇથેનૉલ
CH3-CH = CH2 + H2O → CH3-CH(OH)-CH3
પ્રોપિલીન પાણી 2-પ્રોપેનૉલ
આથવણમાં ફ્યુઝેલ ઑઇલ ઉપપેદાશ તરીકે મળે છે, જેમાંથી n-પ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ અને આઇસોએમાઇલ આલ્કોહૉલ મેળવી શકાય છે.
આથવણથી ગ્લિસેરૉલ, 1,3-પ્રોપેનડાયોલ, n-બ્યુટાઇલ આલ્કોહૉલ અને 2,3-બ્યૂટેન ડાયોલ પણ મળી શકે છે.
(1) ગ્રિગ્નાર્ડ (ગ્રિન્યાર્ડ) (Grignard) પ્રક્રિયા :
આ પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (આલ્કાઇલ/એરાઇલ મૅગ્નેશિયમ હેલાઇડ) આલ્ડિહાઇડ, કીટોન, એસ્ટર અથવા ઇપૉક્સાઇડ સાથે યોગાત્મક (additive) સંયોજન બનાવે છે, જેનું જલવિઘટન કરતાં આલ્કોહૉલ મળે છે.
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, ફૉર્માલ્ડિહાઇડ સાથે પ્રાથમિક આલ્કોહૉલ આપે છે :
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, HCHO સિવાયના, કોઈ પણ આલ્ડિહાઇડ સાથે દ્વિતીયક આલ્કોહૉલ આપે છે :
યોગ્ય સમૂહો(R´, R´´)ની પસંદગી કરીને સમાન કે ભિન્ન સમૂહોવાળા આલ્કોહૉલ મેળવી શકાય છે.
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઇથિલીન ઑક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક આલ્કોહૉલ મળે છે. આ પ્રક્રિયા સંશ્લેષણમાં અતિ ઉપયોગી છે :
(2) અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન(ઓલેફિન)નું જલયોજન : પેટ્રોરસાયણ ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સરળતાથી મળે છે. તેના લીધે આ પદ્ધતિ વધુ વિકસી છે.
ઇથિલીન ઇથેનૉલ જેવો પ્રાથમિક આલ્કોહૉલ આપે છે જ્યારે બીજાં ઉચ્ચ ઓલેફિન દ્વિતીયક આલ્કોહૉલ આપે છે.
(3) ઑક્સો (હાઇડ્રોફૉર્માઇલેશન) પ્રક્રિયા :
નીચા અણુભાર અને અંત્ય દ્વિબંધવાળા ઓલેફિન, CO અને H2 સાથે કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં આલ્ડિહાઇડ આપે છે, જેનું હાઇડ્રોજનીકરણ કરતાં પ્રાથમિક આલ્કોહૉલ મળે છે.
(4) હેલાઇડનું જલવિઘટન : આલ્કાઇલ હેલાઇડનું આલ્કલી વડે જલવિઘટન કરવાથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલ મળે છે.
પ્રોપિલીનમાંથી ગ્લિસેરૉલ અને એલાઇલ આલ્કોહૉલ તથા પેન્ટાઇલ ક્લોરાઇડમાંથી એમાઇલ આલ્કોહૉલ મોટા પ્રમાણમાં આ રીતે મેળવાય છે.
(5) એસ્ટરનું જલવિઘટન : એસ્ટરનું જલવિઘટન ઍસિડ કે બેઇઝ વડે ઉદ્દીપ્ત થાય છે અને ઍસિડ તથા આલ્કોહૉલ મળે છે.
RCOOR´+ H2O → RCOOH + R´OH
તૈલી પદાર્થોના જલવિઘટનથી ગ્લિસેરૉલ તથા ચરબીજ ઍસિડ મોટા પ્રમાણમાં મેળવવામાં આવે છે. તેલ/ચરબીમાંથી સાબુ બનાવતાં ગ્લિસેરૉલ ગૌણ પેદાશ તરીકે મળે છે.
(6) કાર્બોનિલ સંયોજનોના અપચયનથી : આલ્ડિહાઇડ અને કીટોનના અપચયનથી અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલ મળે છે.
RCHO + H2 → RCH2OH
RCOR´ + H2 → RCHOHR’
આ પ્રક્રિયાઓ રાસાયણિક રીતે કે ઉદ્દીપકની મદદથી શક્ય બને છે.
એસ્ટર(દા.ત., ગ્લિસેરાઇડ)નું Na અને આલ્કોહૉલ અથવા ઉદ્દીપકીય (કૉપર ઑક્સાઇડ + ક્રોમિયમ ઑક્સાઇડ) હાઇડ્રોજનીકરણ કરી ચરબીજ આલ્કોહૉલ મોટા પ્રમાણમાં મેળવવામાં આવે છે.
RCOOR´ + 2H2 → RCH2OH + R´OH
કાર્બન મોનૉકસાઇડના અપચયનથી મિથેનૉલ મોટા પ્રમાણમાં મેળવાય છે. આ માટે જરૂરી CO અને H2નું મિશ્રણ (સંશ્લેષણ વાયુ) મિથેન/હાઇડ્રોકાર્બન અને વરાળ વચ્ચેની પ્રક્રિયાથી મેળવાય છે.
CO + 2H2 → CH3OH
ઍલ્યુમિનિયમ આઇસોપ્રોપૉક્સાઇડ, લિથિયમ ઍલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ પ્રયોગશાળામાં કાર્બોનિલ સંયોજનનું અપચયન કરવા માટે ઘણા ઉપયોગી છે.
(7) હાઇડ્રોકાર્બનનું ઉપચયન (oxidation) : સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હવા વડે ગરમી, દબાણ અને યોગ્ય ઉદ્દીપકની મદદથી ઉપચયન કરીને આલ્કોહૉલ મેળવી શકાય છે; દા.ત.,
2 CH4 + O2 → 2CH3OH
મિથેન મિથેનૉલ
જરૂર કરતાં ઓછી હવા, 30 વાતાવરણનું દબાણ, 450-4700 સે. તાપમાન અને ઉદ્દીપક(Fe, Cu, Ni)થી આ ક્રિયા શક્ય બને છે.
(8) ઉદ્દીપકીય બહુલીકરણ : પેટ્રોરસાયણ ઉદ્યોગમાં ઓલેફિનનું ઇથિલીનમાંથી પ્રાથમિક આલ્કોહૉલના નિર્માણ માટે ઝિગ્લરે વિકસાવેલ ટ્રાયઇથાઇલ ઍલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે.
જૈવિક અસર : બધા જ આલ્કોહૉલ અનુરૂપ હાઇડ્રોકાર્બનની સરખામણીમાં નિર્બળ સ્વાપક (narcotic) ગણાય છે. તેમની ચયાપચયી (metabolic) વર્તણૂકની ભિન્નતા તેમની વિષાલુતાની માત્રા તથા સ્વરૂપ નક્કી કરે છે. મિથેનૉલ શરીરમાંથી જલદી બહાર આવતો નથી અને તેનું ફૉર્માલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડમાં રૂપાંતર થાય છે. આ પદાર્થો ચેતાપેશીઓ તથા આંખની પેશીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે અને અંધાપો લાવે છે. આથી મિથેનૉલને ઝેરી ગણવામાં આવે છે. ‘લઠ્ઠા’ના કરુણ બનાવો પાછળ મિથેનૉલ મહદ્અંશે જવાબદાર ગણાય છે. ઇથાઇલ આલ્કોહૉલ પણ સ્વાપક અસર ધરાવતો વિષાલુ પદાર્થ છે. તેનું શરીરમાં કાર્બન-ડાયૉક્સાઇડમાં સંપૂર્ણ રૂપાંતર થાય છે. પછી લગભગ 12 કલાકના અંતે તેનું પ્રમાણ શરીરમાં નહિવત્ થઈ જાય છે.
ઉપયોગો : મિથેનૉલ, ઇથેનૉલ, n- અને આઇસો-પ્રોપેનૉલ, બ્યુટેનૉલ, ગ્લિસેરૉલ, એલાઇલ આલ્કોહૉલ, બેન્ઝાઇલ આલ્કોહૉલ, ફિનાઇલ ઇથાઇલ આલ્કોહૉલ, ઇથિલીન ગ્લાયકૉલ અને પ્રોપિલીન ગ્લાયકૉલ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં બનાવાય છે. પેટ્રોરસાયણ ઉદ્યોગના વિકાસથી આ શક્ય બન્યું છે. આલ્કોહૉલ દ્રાવક તથા મધ્યસ્થી તરીકે વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે. આ બધામાં ઇથેનૉલની વપરાશ સૌથી વધુ ગણાય છે. પ્રક્ષાલકો (detergents), સુઘટ્યકારકો (plasticisers), પાયસીકારકો (emulsifiers), સ્નેહકો (lubricants), મૃદુકારકો (emolients), ફીણકારકો (foaming agents), ઔષધો, સુગંધીદાર પદાર્થો, શૃંગાર-પ્રસાધનો (cosmetics) વગેરેની બનાવટમાં આલ્કોહૉલ વપરાય છે. મોટરગાડીઓ તથા રૉકેટ માટે બળતણ તરીકે ઇથાઇલ આલ્કોહૉલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈશ્વરભાઈ ગોવિંદજી વશી