ભારતના ભૂસ્તરીય એકમો : દ્વીપકલ્પ, બાહ્ય દ્વીપકલ્પ અને સિંધુગંગાનાં મેદાનો. ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર અને ભૌગોલિક સંદર્ભમાં જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર આ ત્રણ સ્પષ્ટ વિભાગોનો બનેલો છે. આ ત્રણ ભૂસ્તરીય એકમોનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ છે :

(1) દ્વીપકલ્પીય વિસ્તાર : શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચસપાટ પ્રદેશ, જે ઈશાનમાં આસામના શિલોંગ ઉચ્ચપ્રદેશનો અને પશ્ચિમે સૌરાષ્ટ્ર–કચ્છનો પણ સમાવેશ કરે છે. ભારતીય વિસ્તારનો તે 70 % ભૂમિભાગ આવરી લે છે.

(2) બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તાર : ભારતની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા પર્વતીય વિસ્તારો, જેમાં અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન તેમજ મ્યાનમારના પર્વતપ્રદેશોનો પણ સમાવેશ થાય છે. હિમાલય ઉપરાંત તેમાં કાશ્મીર, નાગાલૅન્ડ, મણિપુર, ત્રિપુરા, આંદામાન–નિકોબાર ટાપુઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ભારતીય વિસ્તારનો તે 15 % ભૂમિભાગ આવરી લે છે.

(3) સિંધુ-ગંગાનો મેદાની વિસ્તાર : ઉપરના બંને વિસ્તારોને અલગ પાડતું સિંધુ-ગંગાનું મેદાન, જે સિંધુની ખીણથી માંડી પૂર્વોત્તર રાજ્યોમાં આવેલી બ્રહ્મપુત્રની ખીણ સુધી વિસ્તરેલું છે. ભારતીય વિસ્તારનો બાકીનો 15 % ભૂમિભાગ આ મેદાનો આવરી લે છે.

ત્રણે એકમોની જરૂરી માહિતી નીચે મુજબ છે :

દ્વીપકલ્પીય વિસ્તાર : આ વિસ્તાર દુનિયાનાં પ્રાચીન ભૂકવચો પૈકીનો એક ગણાય છે. તેનું ખડકબંધારણ મુખ્યત્વે ગ્રૅનાઇટ-નાઇસ સંકુલથી બનેલું છે. પૂર્વ કિનારાપટ્ટીમાંના ક્રિટેશિયસ અને ટર્શ્યરી સ્તરો, પશ્ચિમ કિનારાનો દક્ષિણ ભાગ, તેમજ પશ્ચિમ અને વાયવ્ય તરફ લંબાયેલા વિસ્તૃત વિભાગો, તેના પશ્ચિમ અને મધ્યભાગોને આવરી લેતા બૅસાલ્ટથી બનેલા લાવાપ્રવાહો તથા મૂલ્યવાન કોલસાધારક થાળાંને બાદ કરતાં બાકીનો બધો વિસ્તાર પ્રી-કૅમ્બ્રિયન ખડકોથી બનેલો છે. કરોડો વર્ષોથી આ વિસ્તાર ખૂબ જ ર્દઢ અને ચિરસ્થાયી રહ્યો છે. આ પ્રાચીનતમ ભૂમિભાગની ક્ધિાારીઓની આસપાસ તેનાથી પછીની વયના, અત્યંત ઘસાઈ ગયા પછી અવશિષ્ટ રહેલા ગેડવાળા પર્વતોની હારમાળાઓ ગોઠવાયેલી છે. કેટલાક વિભાગો તો ધોવાણની સમભૂમિની કક્ષા સુધી પહોંચી ગયા છે. પૂર્વ અને પશ્ચિમ ઘાટનાં કોતરો અને જળધોધની લાક્ષણિકતાઓ પણ આ જ કારણે વિકસી છે. મોટાભાગના ઊર્ધ્વ પૅલિયોઝોઇક કે તે પછીના ખડકસ્તરો કાં તો ક્ષિતિજસમાંતર વલણવાળા અથવા તો આછા નમનવાળા છે. પછીના ભૂસ્તરીય સમયમાં થયેલા વિક્ષેપો પૈકી સ્તરભંગ-થાળાં મુખ્ય છે, જે ભારતના મહત્વના કોલસા-નિક્ષેપો જાળવી રાખવા માટે જવાબદાર છે. આ ઉપરાંત, અંતિમ ક્રિટેશિયસ(સૌરાષ્ટ્ર-કચ્છ)થી ઇયોસીન કાળ સુધીમાં થયેલાં પ્રસ્ફુટનો દ્વારા જામેલા લાવાના થરો (ડેક્કન ટ્રૅપ) પણ આજ સુધી વિક્ષેપરહિત રહ્યા છે.

બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તાર : દ્વીપકલ્પીય વિસ્તારથી બધી જ રીતે તદ્દન જુદાં જ લક્ષણો ધરાવતો આ વિભાગ ભારતનો ખૂબ જ નબળો અને ફેરફારોને ગ્રાહ્ય વિસ્તાર ગણાય છે. હિમાલય-ઉત્થાનના જુદા જુદા તબક્કાઓની અસર હેઠળ તેમાં વિવિધ પ્રકારની ગેડરચનાઓ, સ્તરભંગરચનાઓ અને અતિધસારારચનાઓ ઉદભવેલી છે. ઘસારાનાં પરિબળોએ આ વિસ્તારમાં અનુપ્રસ્થ અને અનુદીર્ઘ ખીણો, કોતરો અને મહાકોતરો જેવાં અનેક પ્રકારનાં ભૂપૃષ્ઠ-લક્ષણો રચ્યાં છે. પર્વતોના ઢોળાવોનું અનિયંત્રિત ઘસારાકાર્ય આજ પર્યંત ચાલુ છે. દ્વીપકલ્પના જૂના ખડકોની માફક, પ્રી-કૅમ્બ્રિયન ભૂસંનતિ વખતે બનેલું તેનું અંદરનું ઉપસ્તર (substratum) હિમાલય-ઉત્થાનના પ્રથમ તબક્કા વખતે ભીંસમાં આવેલું છે; બાકીના બધા જ ખડકો દરિયાઈ ઉત્પત્તિજન્ય છે, જે કૅમ્બ્રિયનથી ટર્શ્યરી સુધીની બધી જ ખડકરચનાઓનો સમાવેશ કરે છે. ટેથિયન ભૂસંનતિમય થાળામાં જેમ જેમ કણજમાવટ થતી ગઈ તેમ તેમ સ્તરો સહિત થાળું અવતલન પામતું ગયું, મધ્ય ઇયોસીન પછીથી થતાં ગયેલાં તબક્કાવાર ઉત્થાનોને પરિણામે હિમાલયનું ગિરિનિર્માણ થતું રહ્યું. હિમાલય ક્રમે ક્રમે ઊંચકાતો ગયો અને એ રીતે તેના વિસ્તારે વર્તમાન સ્થિતિ પ્રાપ્ત કરી છે. દરેક તબક્કા બાદ નદીઓના કાયાકલ્પ થતા રહ્યા છે, પર્વતો ઘસાતા ગયા છે; પરિણામે વિવિધ પ્રકારનાં ભૂમિસ્વરૂપો રચાયાં છે. ઉત્થાનની ક્રિયા, ખરા અર્થમાં, હજી આજે પણ અટકી નથી.

સિંધુ-ગંગાનો મેદાની વિસ્તાર : દ્વીપકલ્પીય અને બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારોને જુદા પાડતો, સિંધુની ખીણથી બ્રહ્મપુત્રની ખીણ સુધીનો, આશરે 7,77,000 ચોકિમી.નો વિસ્તાર સિંધુ-ગંગાનાં મેદાનો તરીકે ઓળખાય છે. સ્થાનભેદે તેની પહોળાઈ-ઊંડાઈ જુદી જુદી છે. હિમાલયમાંથી નીકળતી સિંધુ-ગંગા જળપરિવાહની નદીઓએ લાવેલા કાંપથી તે રચાયેલો છે. નીચે જૂનો કાંપ (ખદર) અને ઉપર નવો કાંપ (ભાંગર) છે. આ અફાટ મેદાની વિસ્તાર વાસ્તવમાં તો વિશાળ ગર્ત-સ્વરૂપનું થાળું છે, જે હિમાલયના ઊર્ધ્વગમનના સહગામી અને પરિણામી પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા

વ્રિજવિહારી દીનાનાથ દવે