ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ)

January, 2001

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ) : બનારસ હિંદુ યુનિવર્સિટીના વિશાળ વિદ્યા-સંકુલમાં આવેલું મ્યુઝિયમ. તેમાં શિલ્પો, ચિત્રકૃતિઓ તથા વસ્ત્રોનો અસાધારણ સંગ્રહ છે. રાય કૃષ્ણદાસ જેવી એકલ વ્યક્તિના ખાનગી સંગ્રહમાંથી આ મ્યુઝિયમનો ઉદભવ થયો. 1950માં તે યુનિવર્સિટીને સોંપાયા પછી બીજા કેટલાક લોકોએ કલાકૃતિઓ આપીને તેની સમૃદ્ધિ વધારી. શિલ્પકૃતિઓના 3 વિભાગો છે : માટીની કૃતિઓ, પાષાણ-શિલ્પો તેમજ કાંસ્ય અને ભરતર લોખંડનાં શિલ્પો. પ્રાચીન માટીકામની કૃતિઓનો અહીં ઉત્તમ સંગ્રહ છે; કેટલીક મૌર્ય, શુંગ અને ગુપ્તકાળની છે. વારાણસી આસપાસના પુરાતત્વ-અન્વેષણ દરમિયાન કેટલીક તો મળી આવેલી છે.

પાષાણશિલ્પો માટે એક અલગ ગૅલરી છે. તેમાં જુદા જુદા યુગની અને જુદી જુદી શૈલીની મનોહર કૃતિઓ પ્રદર્શિત થયેલી છે.

આ સંગ્રહાલયનો ચિત્રકલા વિભાગ પણ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે. એમાં કિશનગઢ શૈલી (અઢારમી સદી), મેવાડ તથા મોગલ શૈલી, પહાડી શૈલી એમ બહુવિધ ભારતીય ચિત્રશૈલીઓની અનોખી છટા નયનરમ્ય છે.

વસ્ત્રવિભાગ પણ એવો જ રળિયામણો છે; તેનું મુખ્ય આકર્ષણ રેશમી તથા જરીભરતનાં વસ્ત્રોનું છે.

મહેશ ચોકસી