ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ (જ. 26 મે 1917, મહુવા, સૌરાષ્ટ્ર; અ. 11 નવેમ્બર 2000, મુંબઈ) : પ્રસિદ્ધ ભાષાવિજ્ઞાની, સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. 1934માં મૅટ્રિક. 1939માં સંસ્કૃત વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. 1941માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે, ભારતીય વિદ્યા ભવન-મુંબઈમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ. તેઓ 1951માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ, કવિ સ્વયંભૂદેવ-રચિત રામાયણ-વિષયક અપભ્રંશ મહાકાવ્ય ‘પઉમચરિય’ ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. થયા. દરમિયાન 1945થી 1965 સુધી ભારતીય વિદ્યા ભવનમાં સંશોધક-અધ્યાપક. 1965થી 1975 સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક. 1975માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ 1975થી 1985 સુધી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં માનાર્હ પ્રાધ્યાપક. વચમાં 1980માં ઇન્ટરનૅશનલ સ્કૂલ ઑવ્ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમ્માં ગુજરાતીના પ્રાધ્યાપક.
ડૉ. ભાયાણીરચિત ગ્રંથોની સંખ્યા આશરે 70 જેટલી થાય છે. તેમણે અપભ્રંશ તેમજ જૂની ગુજરાતીના ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન કરતાં જે તે ગ્રંથકાર ને ગ્રંથ સાથે સંકળાયેલ કર્તૃત્વ, સાહિત્યસ્વરૂપ, ભાષા-પરંપરા જેવા મુદ્દાઓનું તલસ્પર્શી અન્વેષણ કર્યું છે. તેમાં તેમની સંશોધકપ્રતિભાનું તેજ વરતાય છે. અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ અને તેનો ઇતિહાસ, સંસ્કૃતપ્રાકૃત તેમજ મધ્યકાલીન ગુજરાતી અને અન્ય ભાષાસાહિત્યોમાં લોકકથાનાં કુળ અને મૂળ, દેશવિદેશની કથાઓમાં જોવા મળતા સમાન કથાઘટકો, કથાપ્રકારોનું વૈવિધ્ય, કથાપરંપરાનું ઐતિહાસિક અને તુલનાત્મક ર્દષ્ટિએ આકલન, સાહિત્યનાં ઘટક-તત્વો, સાહિત્યમીમાંસાનાં મૂળભૂત તત્ત્વો અને વિભાવો, કેટલીક સાહિત્યિક સંજ્ઞાઓ વગેરેની અધ્યયનપૂત મર્મગામી સમજૂતી વગેરે આપતી નોંધ અને લેખસામગ્રી ગુજરાતી ભાષા-સાહિત્યમાં મૂલ્યવાન અર્પણ બની છે. તેમનો વ્યાકરણવિચાર પણ ગુજરાતી ભાષાનું પોતીકું વ્યાકરણ તૈયાર કરવાની દિશામાંનો એક ધ્યાનાર્હ પુરુષાર્થ છે.
‘વાગ્વ્યાપાર’ (1954) અને ‘અનુશીલનો’ (1965), ‘થોડોક વ્યાકરણ વિચાર’ (1969), ‘શબ્દપરિશીલન’ (1973), ‘વ્યુત્પત્તિવિચાર’ (1975), ‘ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ’ (1976), ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’ (1988) જેવા ગ્રંથો એમની ભાષાવૈજ્ઞાનિક વિચારણા અને અધ્યયન–સંશોધનના ફલસ્વરૂપે પ્રાપ્ત થયેલા છે. ભારતભરમાં ઇતિહાસનિષ્ઠ ભાષા-સંશોધનમાં એમનું કાર્ય ગણનાપાત્ર રહ્યું છે. તેમણે અનેક શાસ્ત્રીય સંપાદનો ઉપરાંત ‘શોધ અને સ્વાધ્યાય’ (1961), ‘કાવ્યમાં શબ્દ’ (1968), ‘અનુસંધાન’ (1972), ‘કાવ્યનું સંવેદન’ (1976), ‘રચના અને સંરચના’ (1980), ‘કાવ્યવ્યાપાર’ (1982), ‘કૃષ્ણકાવ્ય’ (1986), ‘કાવ્યકૌતુક’ (1987) વગેરે એમના સંશોધન-વિવેચનના ગ્રંથો છે. પ્રસ્તુત ગ્રંથોમાં ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યવિચારની તુલના કરતાં ભારતીય કાવ્યવિચારની જે સૂક્ષ્મતા છે તેનું તેઓ પ્રમાણિત રીતે દર્શન કરાવે છે.
ડૉ. ભાયાણીએ સંપાદિત ગ્રંથોમાં ‘મદનમોહના’ (1955), ‘સિંહાસનબત્રીસી’ (1960), ‘દશમસ્કંધ’ (ઉમાશંકર જોશી સાથે, 1966) વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યની, તો ‘સંદેશકરાસ’ (અન્ય સાથે, 1945), ‘પઉમસિરિચરિય’ (અન્ય સાથે, 1948), ‘અપભ્રંશ વ્યાકરણ’ (1961) વગેરે દ્વારા પ્રાકૃત–અપભ્રંશ સાહિત્યની સંપાદનર્દષ્ટિએ મૂલ્યવાન સેવા કરી છે. ડૉ. ભાયાણીએ ‘કમળના તંતુ’ (1979), ‘પ્રપા’ (1968), ‘મુક્તક-માધુરી’ (1986), ‘ગાથામાધુરી’ (1976) જેવા ગ્રંથો દ્વારા એમની સર્જકતા-રસિકતાના અને એમની અનુવાદક-અનુસર્જક પ્રતિભાનાયે યત્કિંચિત્ ઉન્મેષો દાખવ્યા છે. ડૉ. ભાયાણીએ અનેક વ્યાખ્યાન-શ્રેણીઓમાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ, ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા, પી. વી. કાણે વ્યાખ્યાન વગેરે અત્રે ઉલ્લેખનીય છે. તેઓ અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદના ચિદમ્બરમ્ ખાતેના અધિવેશનમાં જૈન ધર્મ તેમજ પ્રાકૃત વિભાગના પ્રમુખ હતા. તેમને 1963નો રણજિતરામ સુવર્ણચંદ્રક, 1981માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, 1985માં સંસ્કૃતના અખિલ ભારતીય વિદ્વાન તરીકે સન્માનપત્ર તથા 1994માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર 1989માં મળેલો. લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડિઝનું માનાર્હ ફેલોનું પદ પણ તેમને આપવામાં આવેલું. તેમનાં કેટલાંક લખાણો અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે.
રમણલાલ જોશી