ભાબુઆ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં પટણા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 03´ ઉ. અ. અને 83° 37´ પૂ.રે.ની આજુબાજુનો આશરે 1,840 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બક્સર જિલ્લો અને ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો ભાગ, પૂર્વ અને દક્ષિણે રોહતાસ જિલ્લો તથા પશ્ચિમે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને વારાણસી જિલ્લા આવેલા છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ કૈમુર હારમાળાનું વિસ્તરણ છે, તે મેદાન અને ઉચ્ચ પ્રદેશ જેવા બે વિભાગોમાં વહેંચાઈ જાય છે. મેદાની વિભાગ કાંપની ફળદ્રૂપ જમીનોથી બનેલો છે, જ્યારે ઉચ્ચપ્રદેશીય વિભાગ પથરાળ હોઈ ઓછો ફળદ્રૂપ છે. જિલ્લાના પશ્ચિમ ભાગો જંગલ-આચ્છાદિત છે. ત્યાંથી વાંસ, લાકડાં, ઇંધન તથા કોલસા માટેનાં લાકડાં મળી રહે છે. આ ઉપરાંત જંગલોમાંથી પશુઓ માટેનું ઘાસ, મધ, ફૂલો, ચામડાં, જંગલી પ્રાણીઓની ખાલ તેમજ શિંગડાં તથા અન્ય પેદાશો મળે છે.
જળપરિવાહ : કૈમુર ટેકરીઓમાંથી નીકળતી અને જિલ્લાની ઉત્તર અને પશ્ચિમ સરહદ રચતી કર્માંસા અહીંની મુખ્ય નદી છે. તે અહીંથી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી પસાર થાય છે. કર્માંસાની સહાયક નદી ગુરવાટ પણ કૈમુર ટેકરીઓમાંથી નીકળે છે. તે ઊંડી હોવા છતાં તેમાં બારે માસ પાણી રહેતું નથી. કૈમુરના ઉચ્ચપ્રદેશીય ભાગમાંથી ધોબા નદી નીકળે છે. રોહતાસ જિલ્લાના સસારામ નજીક તે બે શાખાઓમાં વહેંચાઈ જાય છે. તેની એક શાખા કુદ્રા પશ્ચિમ તરફ વહીને કર્માંસાને મળે છે. કૈમુરની ટેકરીઓમાંથી નીકળતી અને ઉત્તર તરફ વહેતી દુર્ગાવતી નદી પણ અહીંની મુખ્ય નદી ગણાય છે. ખોઈરા અને સોરા તેની સહાયક નદીઓ છે; કર્માંસાને મળતા અગાઉ તે પણ કુદ્રા ખાતે ભેગી થાય છે. દુર્ગાવતીમાં બારે માસ પાણી રહે છે.
ખેતી-પશુપાલન : ડાંગર, ઘઉં, મકાઈ, ચણા, તુવેર, મગ, અડદ, મસૂર જેવાં કઠોળ, શેરડી અને બટાટા અહીંના મુખ્ય કૃષિપાકો છે. સોન, કર્માંસા અને દુર્ગાવતી નદીઓ મારફતે ખેતીને સિંચાઈ ઉપલબ્ધ કરવામાં આવે છે, તળાવોમાંનાં સંચિત વર્ષાજળ રવી પાકો માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત નાના પાયા પરની સિંચાઈથી ટેકરીઓવાળા ભાગોમાં પણ ખેતી થાય છે. વધારાની ખેતી ટ્યૂબવેલ મારફતે કરવામાં આવે છે. બળદ, ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં અને ડુક્કર અહીંનું મુખ્ય પશુધન છે. પશુઓ માટે જિલ્લાના સમાજ-વિકાસ ઘટકો ખાતે પશુદવાખાનાંની સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
ઉદ્યોગ-વેપાર : મોટા પાયા પરના કોઈ ઉદ્યોગો અહીં વિકસેલા નથી. ભાબુઆ અહીંનું મુખ્ય વેપારી મથક છે. અળસીનું તેલ, સાબુ અને બીડી અહીંની મુખ્ય પેદાશો છે. ચોખા, ચણા અને ઇંધન-લાકડાંની અહીંથી નિકાસ થાય છે, જ્યારે ખાંડ, કાપડ અને ખનિજ તેલ-પેદાશોની આયાત કરવામાં આવે છે.
પરિવહન-પ્રવાસન : આ જિલ્લાની માર્ગ-પરિવહન વ્યવસ્થા ઘણી સારી છે. ગ્રાન્ડ ટ્રંક રોડ તથા પૂર્વીય રેલવિભાગનો ગ્રાન્ડ કૉર્ડ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે.
અઘોરા, બૈદ્યનાથ, ભગવાનપુર, ચૈનપુર, ચારગોટિયા અને રામગઢ અહીંનાં જાણીતાં પ્રવાસયોગ્ય સ્થળો ગણાય છે. વારતહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે. (1) અઘોરા : ભાબુઆથી દક્ષિણે આશરે 58 કિમી. અંતરે કૈમુરના ઉચ્ચપ્રદેશ પર 600 મીટરની ઊંચાઈ પર આ સ્થળ આવેલું છે. ટેકરીઓ અને જંગલોવાળા આ ભાગમાં લોકો જંગલી પ્રાણીઓના શિકાર માટે જાય છે. (2) બૈદ્યનાથ : તે ભાબુઆ ઉપવિભાગના રામગઢ સમાજવિકાસ ઘટકથી દક્ષિણે આશરે 9 કિમી. અંતરે આવેલું છે. પ્રતિહારોના શાસન સમયનું એક શિવમંદિર અહીં આવેલું છે. અહીં કરવામાં આવેલા ઉત્ખનનમાંથી ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન સિક્કા તથા અન્ય મૂલ્યવાન ચીજો મળી આવેલી છે. (3) ભગવાનપુર : ભાબુઆથી દક્ષિણે આશરે 11 કિમી. અંતરે ભગવાનપુરનું પ્રાચીન ઐતિહાસિક ગામ આવેલું છે. તે કુમાર ચંદ્રસેન શરણસિંહની ગાદીનું મથક હોવાનું કહેવાય છે. તે તક્ષશિલાના રાજા તેમજ પોરસનો વંશજ હોવાનો દાવો કરાય છે. શેરશાહે અહીંના રાજા શાલિવાહનની હત્યા કરેલી અને તેની માલમિલકત લઈ લીધેલી, પરંતુ અકબરના શાસનકાળ દરમિયાન આ સ્થળ તેના વારસને પાછું સોપવામાં આવેલું. (4) ચૈનપુર : ભાબુઆથી પશ્ચિમે 11 કિમી. અંતરે સમાજ-વિકાસ-ઘટક ચૈનપુર આવેલું છે. અહીં શેરશાહના વખતનો તેના જમાઈ (?) બખ્તિયારખાનનો મકબરો આવેલો છે. અહીંનો કિલ્લો અકબરના વખતમાં બંધાયેલો. હિન્દુઓનું હર્ષુ બ્રહ્મનું પવિત્ર સ્થાન અહીંનું આકર્ષણનું કેન્દ્ર ગણાય છે. એમ કહેવાય છે કે તત્કાલીન રાજા શાલિવાહને રાણીની ચઢવણીથી કાન્યકુબ્જના રાજપુરોહિતના ઘરને તોડી પડાવેલું, તેથી રાજપુરોહિતે આત્મવિલોપન કરેલું. તેના દેહને અગ્નિસંસ્કાર માટે ત્યાંથી વારાણસી લઈ જવાયેલો, પરંતુ ત્યાંના સ્મશાનઘાટનાં પગથિયાં પર રાજપુરોહિતને લાકડાની ચાખડીઓ પહેરીને ઊભેલો લોકોએ જોયેલો. રાજપુરોહિત હર્ષુના પ્રેતાત્માએ પોતે બ્રહ્મ બન્યો છે અને તેના પ્રત્યે માયાળુ એક રાજકુંવરી સિવાય રાજાના આખાય કુટુંબને મરણનો શાપ આપ્યો છે એવું જણાવ્યું હોવાનું કહેવાય છે. (5) ચારગોટિયા : અઘોરા સમાજવિકાસ-ઘટકમાં આવેલું આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભર્યુંભર્યું છે. તેની મધ્યમાં જળધોધ આવેલો છે. (6) રામગઢ : આ ગામ ભાબુઆ ઉપવિભાગના ભગવાનપુર સમાજવિકાસ-ઘટકમાં આવેલું છે. ત્યાં 180 મીટરની ઊંચાઈવાળી એક ટેકરી પર આવેલું મુંડેશ્વરીનું મંદિર જોવાલાયક છે. 635ની સાલનો એક હિન્દુ અભિલેખ પણ અહીંથી મળેલો છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 9,83,269 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 9,56,228 અને 27,041 જેટલું છે. આ જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સ્થાનિક લોકો ભોજપુરી બોલી બોલે છે. ભાબુઆ ખાતે એક વિનયન-વિજ્ઞાન કૉલેજ, 7 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 8 પ્રાથમિક શાળાઓ તથા 3 જાહેર પુસ્તકાલયો આવેલાં છે. ભાબુઆ ખાતે તબીબી માર્ગદર્શન મળી રહે છે. અહીં એક હૉસ્પિટલ, 8 જેટલાં આયુર્વેદિક-યુનાની તેમજ અન્ય ચિકિત્સાલયો, 1 ક્ષય-ચિકિત્સાલય તથા 1 કુટુંબનિયોજન-કેન્દ્ર આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં તથા 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. ભાબુઆ આ જિલ્લાનું એકમાત્ર નગર છે. તેની વસ્તી એક લાખથી ઓછી છે.
ઇતિહાસ : મૂળ રોહતાસ જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. ઈ.પૂ. છઠ્ઠી સદી અને ઈ.સ.ની પાંચમી સદી વચ્ચેના ગાળા દરમિયાન મગધના મૌર્ય વંશના, તેની અગાઉના વંશના તથા ગુપ્તવંશના શાસકોના શાસન હેઠળ આ વિસ્તાર રહેલો. મુંડેશ્વરી મંદિરના એક અભિલેખ મુજબ તે જિલ્લો ઉદયસેન રાજાના શાસન હેઠળ હતો.
ગિરીશભાઈ પંડ્યા