ભાણસાહેબ (જ. 13 ફેબ્રુઆરી 1698, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. 1755, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. કલ્યાણજી ભક્તના પુત્ર. માતાનું નામ અંબાબાઈ. માબાપે 4 પુત્રીઓ બાદ થયેલા આ પુત્રનું નામ ‘કાના’ રાખ્યું. માતા-પિતાના અવસાન બાદ 1725માં ભાનબાઈ સાથે લગ્ન કર્યું.
પરમ રામભક્ત અને પ્રસિદ્ધ મહાયોગી જાદવદાસના શિષ્ય આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસને તેમણે ગુરુપદે સ્થાપ્યા. કબીર સંપ્રદાયની પરંપરા અનુસાર સંતકવિ ભાણદાસ ‘ભાણસાહેબ’ નામે ઓળખાયા. એમણે સ્થાપેલી ગાદી બાજવા સ્ટેશન પાસે શેડકી ગામે આવેલી છે.
ભાણસાહેબ સતનામના ઉપાસક હતા. તેમના સંપ્રદાયમાં તેઓ કબીરનો અવતાર ગણાતા હતા. તેમણે તેમની કવિતા દ્વારા વેદાન્તી તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો. તેમના કવિપુત્ર ખીમદાસ સહિત 40 શિષ્યોની ફોજ સાથે તેમણે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વિચરણ કરીને લોકબોલીમાં સૌને અધ્યાત્મબોધ કર્યો. તેમની એ ફોજ ‘ભાણફોજ’ તરીકે જાણીતી થઈ હતી.
સદગુરુના મહિમાને કેન્દ્રમાં રાખીને તેમણે ગુજરાતી તેમજ હિંદીમાં પદો રચ્યાં છે. તેમાંથી કેટલાંક પ્રકાશિત થયાં છે. તેમની પદરચનામાં આરતી તથા ગરબી જેવા પ્રકારો પણ છે. તેમની કેટલીક પદરચનાઓ ચેતવણી પ્રકારની છે. તેમનાં પદોમાં કેન્દ્રસ્થાને જ્ઞાનબોધ-તત્વબોધ છે.
તેમણે કમીજડામાં જીવતાં સમાધિ લીધી હતી. તેમના સમાધિ-સ્થળે તેમના પટ્ટશિષ્ય ખીમદાસ તથા રવિરામ સાહેબે દેવાલયનું નિર્માણ કરાવ્યું છે.
બળદેવભાઈ કનીજિયા