ભાટે, રોહિણી (જ. 14 જાન્યુઆરી 1924, પટણા) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાને સમર્પિત અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ ગણેશ તથા માતાનું નામ લીલા. પિતા વ્યવસાયે પ્રાધ્યાપક હતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમણે ત્યાંની ફર્ગ્યૂસન કૉલેજમાંથી 1946માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. ઉપરાંત, 1966માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીત વિશારદ’ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી છે. પતિ નૌકાદળમાં અધિકારી હતા. તેઓ બાલ્યાવસ્થાથી જ નૃત્યકલા તરફ આકર્ષાયેલાં. તેમણે ત્રણ જુદી જુદી શૈલીના શાસ્ત્રીય નૃત્યકારો પાસેથી નૃત્યની તાલીમ લીધી છે. જયપુર ઘરાનાના સોહનલાલ મુન્નાલાલ પાસેથી કથક નૃત્યશૈલીનું શિક્ષણ લીધું, લખનૌ ઘરાનાના મોહનરાવ કલ્યાણપુરકર પાસેથી તેમણે નૃત્યની તાલીમ લીધી અને ઠૂમરી અભિનયનું વિશિષ્ટ શિક્ષણ વિખ્યાત નર્તક લચ્છુ મહારાજ પાસેથી મેળવ્યું. તેમણે ‘નાટ્યશાસ્ત્ર’, ‘અભિનયદર્પણ’, ‘દશરૂપક’, ‘સંગીતરત્નાકર’ જેવા ગ્રંથોનું અધ્યયન કરી મરાઠી ભાષામાં નૃત્યવિષયક મૌલિક ગ્રંથો લખ્યા છે. એટલું જ નહિ, પરંતુ મૂળ કથક શૈલીમાં જ્યાં જ્યાં તેમને ક્લિષ્ટતા દેખાઈ ત્યાં ત્યાં જરૂરી સુધારાવધારા અને ફેરફાર કરી તે શૈલીને સરળ અને લોકભોગ્ય બનાવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત તદ્દન નવા તાલોનું સર્જન કરી જુદા જુદા નૃત્યમહોત્સવોમાં તે સાદર કર્યા છે અને તેમના પ્રત્યે લોકોમાં ચાહના જગાવવા સાથે શાસ્ત્રીય નૃત્યનિષ્ણાતો પાસેથી એ નવા તાલોને માન્યતા પણ અપાવી છે. તેમણે સર્જન કરેલા નવા તાલોમાં સાડા છ, સાડા સાત અને સાડા તેર માત્રાના તાલોનો સમાવેશ થાય છે.

રોહિણી ભાટે

તેમણે દેશવિદેશમાં કથક નૃત્યશિબિરોનું આયોજન કરી યુવાપેઢીમાં શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે અભિરુચિ કેળવી છે. તેમણે અનેક નૃત્યનાટિકાઓમાં અભિનય કર્યો છે અને તેમાંથી કેટલીક નૃત્યનાટિકાઓનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે.

તેમણે નંદિકેશ્વરરચિત ‘અભિનયદર્પણ’નો મરાઠીમાં અનુવાદ કર્યો છે. તેવી જ રીતે વિખ્યાત ઇટાલિયન બૅલે નર્તકી ઇઝાડોરાના આત્મચરિત્ર ‘ઇઝાડોરા’નો મરાઠીમાં ‘મી ઇઝાડોરા’ શીર્ષક હેઠળ અનુવાદ કર્યો છે. તેમણે ‘માઝી નૃત્યસાધના’ શીર્ષક હેઠળ પોતાનું આત્મચરિત્ર પણ પ્રકાશિત કર્યું છે. દેશનાં વૃત્તપત્રોમાં તથા સામયિકોમાં તેમના શાસ્ત્રીય નૃત્યવિષયક ઘણા લેખો પ્રસિદ્ધ થયા છે.

ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સદસ્યની રૂએ 1952માં તેમણે ચીનનો પ્રવાસ કર્યો હતો. અને ત્યારબાદ નૃત્યના જાહેર કાર્યક્રમો નિમિત્તે તેમણે ઘણા દેશોની મુલાકાત લીધી હતી; જેમાં 1977માં અમેરિકા અને કૅનેડા, 1984માં જાપાન, 1987માં જર્મની અને પોલૅન્ડ તથા 1988માં પૂર્વ આફ્રિકાના કેટલાક દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધી જ્યાં જ્યાં નૃત્યમહોત્સવો આયોજિત થયા છે, ત્યાં ત્યાં લગભગ બધામાં તેમણે પોતાની નૃત્યકલાનું પ્રદર્શન કર્યું છે. 1955માં પુણે ખાતે તેમણે ‘નૃત્યભારતી’ નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા છેલ્લાં પિસ્તાળીસ વર્ષ(1955–2000)થી યુવક-યુવતીઓને કથક નૃત્યની તાલીમ આપતી રહી છે.

તેમને અત્યાર સુધી ઘણા પુરસ્કાર અને માનસન્માન મળ્યાં છે; જેમાં મહારાષ્ટ્ર રાજ્ય સંગીત નૃત્ય પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને સૂરસિંગાર સંસદ દ્વારા ‘નૃત્યવિલાસ’ પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમના બહોળા શિષ્યવર્ગમાં પ્રણતિ પ્રતાપ, ક્ષમા ભાટે, શરદિની ગોળે અને રોશન દાતેનાં નામ વિશેષ ઉલ્લેખનીય છે.

કથક નૃત્યની સાથોસાથ તેઓ પોતાના શિષ્યવર્ગને યોગસાધના પણ શીખવતાં હોય છે. નૃત્યકાર માટે યોગસાધના ખૂબ જરૂરી છે એવું તેઓ ર્દઢપણે માને છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે