ભંજ, ઉપેન્દ્ર (સત્તરમી શતાબ્દી) : ઊડિયા લેખક. મધ્યકાલીન ઊડિયાના ખ્યાતનામ કવિ. એમનો જન્મ ગુંજાર જિલ્લાના ધુમુસર ગામના રાજકુટુંબમાં થયો હતો. એમનો જીવનકાળ ઈ. સ. 1680થી ઈ.સ. 1720નો મનાય છે. એમના દાદા ધનંજય ભંજ એ યુગના અગ્રગણ્ય કવિ હતા. એમણે પરંપરાગત રીતે શિક્ષણ લીધું હતું. સંસ્કૃતમાં પાંડિત્ય મેળવ્યું હતું. એમણે 100 પુસ્તકો રચ્યાં હોવાનું મનાય છે. તેમાંનાં અર્ધા ભાગનાં તો અપ્રકાશિત છે. એમનાં કાવ્યોની ભાષા અલંકારપ્રચુર અને અર્થગૌરવવાળી છે. લાવણ્યવતી કોટિબ્રહ્માંડસુંદરી વૈદેહી વિલાસ’ એમનું વિખ્યાત પ્રણયકાવ્ય છે. ‘રસિકાહરવલી’ એમનું અન્ય પ્રસિદ્ધ કાવ્ય છે. એમાં પુરુષોત્તમ તરીકે જન્મેલા શાપિત વિદ્યાધરની દીકરી રસિકા રૂપરૂપનો અંબાર છે. તેને જોઈ કોશલનો રાજકુંવર તેના પ્રેમમાં પડે છે અને એને શોધતો શોધતો એના પિતા પુરુષોત્તમને મળે છે અને બંને પરણે છે.
આ કૃતિની વિશેષતા એ છે કે એમાં પ્રકૃતિનાં ર્દશ્યોનું ચિત્રાંકન, નગરો, રાજદરબાર, સામાજિક તહેવારો, જગન્નાથની રથયાત્રા – એ બધાંનું વર્ણન એટલું વિગતપૂર્ણ છે કે એ બધું નજરે જોતા હોઈએ એવું લાગે છે. ‘સુવર્ણરેખા’ એમનું બીજું કથનપ્રધાન કાવ્ય છે. ‘વૈદેહીવિલાસ’ અને ‘લાવણ્યવતી’ એમનાં પ્રચલિત દીર્ઘકાવ્યો છે. ‘વૈદેહીવિલાસ’નું વસ્તુ રામાયણમાંથી લીધું છે, જ્યારે ‘લાવણ્યવતી’- કર્ણાટકના રાજકુંવર ચિત્રભાનુ અને સિંહલદ્વીપની કન્યા લાવણ્યવતી વિષયક પ્રણયકાવ્ય છે. એવી જ રીતે ‘કોટિબ્રહ્માંડસુંદરી’માં રાજકુંવર પુષ્પકેતુની પ્રેમકથા છે. ‘સુભદ્રાપરિણય’નું વસ્તુ મહાભારતમાંથી પસંદ કરાયું છે. એમના ચિત્રકાવ્ય ‘બંધોદય’માં એમણે અનેકાર્થી શબ્દોનો સુપેરે પ્રયોગ કર્યો છે.
આ રીતે એમનાં કાવ્યો કથનાત્મક અને વર્ણનાત્મક છે. એમાં ઊડિયા ભાષાનું માધુર્ય તથા ઊડિયાનાં મધ્યકાલીન જીવન અને સમાજનું આલેખન માધુર્યસભર શૈલીમાં થયું છે. કવિ રામભક્ત હતા. એમનાં પ્રણયકાવ્યો તથા એમની અર્થગૌરવવાળી અલંકારપ્રચુર કાવ્યશૈલી મધ્યકાલીન ઊડિયા કવિઓમાં એમને ગૌરવયુક્ત સ્થાન અપાવે છે.
ચન્દ્રકાન્ત મહેતા