ભંગાર : ઉપયોગમાં ન લઈ શકાતી વસ્તુઓ. ઉત્પન્ન થયેલ વસ્તુઓ અમુક સમયના વપરાશ પછી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહે નહિ અથવા તો ઉપયોગમાં ચાલુ રાખવી એ તેમાં થતા ખર્ચને લીધે મોંઘી પડતી હોય ત્યારે તેને ભંગાર તરીકે કાઢી નાખવામાં આવે. અમુક પ્રકારના ઉત્પાદનમાં જે કાચો માલ વપરાય તે કાચા માલનો અમુક ભાગ ભંગાર (scrap) તરીકે બહાર પડે; દા.ત., સ્ટીલની પટ્ટીમાં પ્રેસકાર્ય કરી અમુક વસ્તુ તૈયાર કરાય ત્યારે તે પટ્ટીનો અમુક ભાગ બાકી રહે, જે બીજા કોઈ કામમાં વાપરી શકાય નહિ. તેને ભંગાર કહેવાય. ધાતુનું ઢાળણ કરી વસ્તુ તૈયાર કરવાનાં કારખાનાંઓ(ફાઉન્ડ્રી ઉદ્યોગ)માં ધાતુનો ભંગાર સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આમ અનેક કારખાનાંઓમાં ભંગાર ઉત્પન્ન થતો હોય છે. આવા ભંગારનું પ્રમાણ વધે નહિ અને જે કાંઈ પણ ભંગાર ઉત્પન્ન થાય તેનો યોગ્ય પ્રમાણમાં નિકાલ થાય તે જોવું મહત્વનું છે.

ભંગારમાં મુખ્યત્વે ધાતુનો ભંગાર હોય છે. લોખંડ, તાંબું, પિત્તળ, ઍલ્યુમિનિયમ જેવી મોટાભાગની ધાતુઓ સહેલાઈથી પિગાળી શકાય છે. એ રીતે ધાતુનો ભંગાર ભઠ્ઠીમાં પિગાળી તેનો ફરી ઉપયોગ થઈ શકે છે. તેથી ધાતુનો ભંગાર ખાસ કોઈ મોટા પ્રશ્નો ઊભા કરતો નથી. વળી એ ભંગાર ફરી ઉપયોગમાં લેવાતો હોઈ તેની મોટી માંગ રહે છે અને તે કારણે તેનું બજાર મોટું રહ્યું છે અને તે એક મોટા વ્યવસાય તરીકે વિકસેલ છે.

ભંગાર કઈ ધાતુનો છે, તેમાં કયાં તત્વો છે, તેમનું પ્રમાણ કેટલું છે, ભંગારમાં કચરાનું પ્રમાણ, ભંગાર જે ભાગો(વસ્તુઓ)નો બનેલો હોય તેનું સરેરાશ કદ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ જે તે ભંગારની કિંમત નક્કી થાય છે. એથી ભંગારનું યોગ્ય રીતે વિભાગીકરણ કરવામાં આવે છે.

ધાતુઓમાંથી બનેલ જે નવો માલ બજારમાં મુકાતો હોય છે તેમાં સરેરાશ 30 % થી 40 % ધાતુ ભંગારમાંથી જ ફરીને ગળાઈને આવતી હોય છે. આ હકીકત પરથી ધાતુના ભંગારનું મહત્વ સમજી શકાય છે.

પ્લાસ્ટિક ભંગાર પણ બિનઉપયોગી પ્લાસ્ટિકની વસ્તુ તેમજ ઉત્પાદન દરમિયાન ફાજલ પડતા નકામા ભાગને લીધે બને છે. પ્લાસ્ટિક બે પ્રકારનાં હોય છે – ઉષ્માપક્વ પ્લાસ્ટિક (thermo-setting plastic) અને ઉષ્માસુઘટ્ય પ્લાસ્ટિક (thermo-plastic plastic). પ્રથમ પ્રકારના પ્લાસ્ટિકનો કચરો (ભંગાર) ફરી વાપરી શકાતો નથી; જ્યારે બીજા પ્રકારના પ્લાસ્ટિકનો ભંગાર ફરી વાપરી (recycle) શકાય છે. પ્રથમ પ્રકારના પ્લાસ્ટિકના ભંગારનો નિકાલ કરવો એ આજનો મોટો પ્રશ્ન છે. તેણે પર્યાવરણની જાળવણીના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ