ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 24´થી 22° 17´ ઉ. અ. અને 72° 22´થી 73° 59´ પૂ. રે. વચ્ચેનો, નર્મદા જિલ્લા સહિતનો, 9,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેડા અને વડોદરા જિલ્લા, પૂર્વ તરફ નર્મદા જિલ્લો તથા તેની પેલી પાર મહારાષ્ટ્રનો ધુળે જિલ્લો, દક્ષિણે સૂરત જિલ્લો તથા પશ્ચિમ તરફ અરબી સમુદ્રના ભાગરૂપ ખંભાતનો અખાત આવેલો છે. 1998માં થયેલા જિલ્લા-વિભાજનમાં મૂળ ભરૂચ જિલ્લામાંથી ભરૂચ (પશ્ચિમ વિભાગ) અને નર્મદા (પૂર્વ વિભાગ) જિલ્લાઓની રચના કરવામાં આવી છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાનો કિનારા તરફનો આશરે 40 % જેટલો પશ્ચિમ વિભાગ નદીજન્ય કાંપનાં ફળદ્રૂપ મેદાનોથી બનેલો છે, જ્યારે રાજપીપળા તરફનો પૂર્વ વિભાગ પહાડી છે. આ પહાડી વિભાગ સાતપુડા અને સહ્યાદ્રિ હારમાળાઓ વચ્ચેની સરહદ રચે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાનભેદે 70-80 મીટરથી માંડીને 600 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, ઉત્તર તરફ તે છોટાઉદેપુરની ટેકરીઓમાં ભળી જાય છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ પાંચ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલું છે : (i) દરિયાઈ જળઘસારાની અસર પામેલો કળણભૂમિ વિભાગ, (ii) ઢાઢર, નર્મદા અને
કીમ નદીઓથી બનેલો મધ્યનો કાંપજન્ય મેદાની વિભાગ, (iii) નર્મદા ખીણપ્રદેશનું મેદાન, (iv) રાજપીપળાની ટેકરીઓનો તળેટી પટ્ટો અને (v) રાજપીપળા ટેકરીઓ.
જળપરિવાહ રચના : મહી, ઢાઢર, નર્મદા અને કીમ આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. અન્ય નદીઓમાં કરજણ અને ઓરસંગનો સમાવેશ થાય છે. તેમનાં નદીમુખ નદીનાળથી બનેલાં છે. આ પૈકીની એકમાત્ર નર્મદા નદી જ જળ-વાહનવ્યવહાર માટે ઉપયોગી છે. તેનો કુલ સ્રાવવિસ્તાર 98,796 ચો.કિમી. જેટલો છે. નર્મદા નદી ખંભાતના અખાતને જ્યાં મળે છે ત્યાં તેનું દરિયા નજીકનું મુખ 21 કિમી. જેટલું પહોળું છે. જિલ્લાની ઉત્તર સરહદ નજીકથી મહી નદી પસાર થાય છે. અહીંની વાયવ્ય તેમજ ઉત્તર સીમા કળણભૂમિવાળી છે. રાજપીપળાના પહાડી પ્રદેશમાંથી કરજણ નદી વહે છે.
નર્મદા અમરકંટકમાંથી નીકળી 1,333 કિમી. જેટલી લંબાઈમાં વહે છે, પરંતુ ગુજરાત રાજ્યમાં તેનો પ્રવાહપથ ઘણો ઓછો છે. ભરૂચ-વડોદરા સરહદે તેને કાવેરી, અમરાવતી, કરજણ અને દેવ નદીઓ મળે છે. નર્મદા આ જિલ્લાની (અને ગુજરાત રાજ્યની પણ) મુખ્ય નદી છે. નર્મદાથી ઉત્તર તરફ આશરે 32 કિમી. અંતરે તથા મહીના નદીનાળથી દક્ષિણે આશરે 32 કિમી. અંતરે ઢાઢર નદી વહે છે. તેની લંબાઈ 112 કિમી. જેટલી છે, પરંતુ જિલ્લા પૂરતી તેની લંબાઈ માત્ર 46 કિમી. જેટલી છે. તેનું જળપરિવાહથાળું આશરે 4,800 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. જિલ્લાની દક્ષિણ સીમા પર અંકલેશ્વર તાલુકા અને સૂરતના ઓલપાડ તાલુકા વચ્ચે કીમ નદી વહે છે. તે રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઈ પણ 112 કિમી. (જિલ્લામાં 86 કિમી.) જેટલી છે; પણ જળપરિવાહથાળું માત્ર 1,800 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. આ ચારેય નદીઓ પૂર્વથી પશ્ચિમ એકબીજીને લગભગ સમાંતર વહે છે. ઘણી શાખાનદીઓ પણ તેમને મળે છે. દક્ષિણ ગુજરાતનું કાંપનું મેદાન આ નદીઓથી રચાયેલું છે. કરજણ નદીની 74 કિમી.ની કુલ લંબાઈ પૈકી 58 કિમી. પૂરતી આ જિલ્લામાં વહે છે. જિલ્લામાં બધી મળીને 18 જેટલી નાની મોટી નદીઓ વહે છે.
જિલ્લામાં આવેલાં 100 જેટલાં તળાવો પૈકી 63 જેટલાં તળાવોમાં બારે-માસ પાણી રહે છે. નર્મદાના મુખભાગ વચ્ચે વિશાળ કદનો અલિયાબેટ આવેલો છે. તે ઉપરાંત નિક્ષેપજન્ય નાના નાના ઘણા ટાપુઓ રચાયેલા છે.
આબોહવા : જિલ્લાની આબોહવા ઉનાળામાં ગરમ અને શિયાળામાં પ્રમાણમાં ઠંડી રહે છે. અંકલેશ્વર, આમોદ, ડેડિયાપાડા અને ભરૂચના વિસ્તારોમાં આબોહવા પ્રમાણમાં વિષમ રહે છે; જ્યારે જંબુસર, નાંદોદ, વાગરા, વાલિયા અને હાંસોટમાં સમોષ્ણ રહે છે. મે માસમાં મહત્તમ તાપમાન 41°થી 45° સે. જેટલું અને જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 5.5° સે. જેટલું રહે છે. શિયાળાના તાપમાનનો ગાળો 21° સે.થી નીચે તરફનો રહે છે. જિલ્લાના મધ્યભાગની આબોહવા વિષમ, જ્યારે કિનારા નજીકના તથા પહાડી પ્રદેશોની આબોહવા સમોષ્ણ રહે છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ 796 મિમી. જેટલો ગણાય છે. દહેજમાં 700 મિમી., ભરૂચમાં 917 મિમી., રાજપીપળામાં 925 મિમી., વાલિયામાં 1,150 મિમી. અને ડેડિયાપાડામાં 1,250 મિમી. જેટલો વરસાદ પડે છે. મોસમનો આશરે 50 % વરસાદ જુલાઈ દરમિયાન પડી જાય છે.
જંગલો : જિલ્લાનો 1,725.52 ચોકિમી. જેટલો વિસ્તાર જંગલઆચ્છાદિત છે. આ પૈકી 1,129.94 ચોકિમી. વિસ્તાર અનામત જંગલોથી, 292.79 ચો.કિમી. વિસ્તાર બિનવર્ગીકૃત જંગલોથી અને 302.79 ચો.કિમી. વિસ્તાર ખાનગી જંગલોથી આવરી લેવાયેલો છે. આ પૈકીનાં 75 %થી વધુ જંગલો રાજપીપળા વિભાગમાં અને 25 %થી ઓછાં જંગલો ભરૂચ વિભાગમાં છે. જિલ્લામાં મુખ્યત્વે બે પ્રકારનાં ભેજવાળાં પર્ણપાતી અને સૂકાં પર્ણપાતી જંગલો જોવા મળે છે. અહીં સાગ, સીસમ, શીમળો, સાદડ, મોદડ, કાકડ, વાંસ, બિયો, આમળાં, બહેડાં, ટીમરુ, ખાખરો, ખેર, મહુડો, રાયણ અને આંબા જેવાં વૃક્ષો જોવા મળે છે. પ્રથમ પ્રકારનાં જંગલો ઇમારતી લાકડાં તો બીજા પ્રકારનાં જંગલો હલકાં લાકડાં આપે છે. સૂકાં પર્ણપાતી જંગલોમાં વૃક્ષો ઓછાં ગીચ, કદમાં નાનાં તેમજ બાવળ, બોરડી જેવાં કાંટાળાં હોય છે. અહીંનાં જંગલોમાંથી આકડો, આવળ, કુંવાર, કૌચા, ગળો, ફાંગ, વાસન, અમરવેલ, ઊંટકટારી, ચિત્રક, તુલસી, ભોંયરીંગણી, ગોખરુ, નાગરમોથ, હરડે, આમળાં, અરડૂસી, આકોલ, અરણી, લીમડો, ઈંગોરિયા, આસોતરો, એકલકંટો, ખેર, નગોડ, કડાયો, બહેડાં, દૂધલો, બોર, કરમદાં, કૂંવાડિયો, અઘેડો, આસન, મરડાશિંગી, ચણોઠી, રોહિસા, કલમ વગેરે જેવી વન્ય ઔષધિઓ મળી રહે છે. બધી મળીને કુલ 55 પ્રકારની વનસ્પતિઓ અહીંનાં જંગલોમાંથી મળે છે. 1970ના દાયકાથી રેલ-સડકમાર્ગોની ધારે, નહેરોને કાંઠે, વનીકરણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી છે. વનવિભાગ વિના મૂલ્યે વૃક્ષારોપણ માટે રોપાઓ પણ આપે છે.
જમીનો : આ જિલ્લામાં મુખ્યત્વે ચાર પ્રકારની જમીનો જોવા મળે છે : (i) રાજપીપળા (નાંદોદ), ઝઘડિયા, સાગબારા અને વાલિયા તાલુકાઓનો સમાવેશ કરતા પૂર્વ તરફના પ્રદેશોની જમીનો પહાડી છે. (ii) જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાઓનો સમાવેશ કરતા ભાગોમાં કથ્થાઈ તેમજ ક્ષારીય પડતર જમીનો છે. (iii) ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને જંબુસર તાલુકાઓનો સમાવેશ કરતા તાલુકાઓના મધ્ય ભાગોની જમીનો મધ્યમ કાળી અને રેતાળ-ગોરાડુ પ્રકારની છે. મેદાનની ઉત્તર તરફ લોએસ નામથી ઓળખાતી અર્ધ-કાંપ, અર્ધ-રેતીમિશ્ર જમીનો જોવા મળે છે. નર્મદા નદીના ઉત્તર ભાગમાં ભરૂચની આજુબાજુ પશ્ચિમ તથા પૂર્વ તરફ વડોદરા જિલ્લા નજીક કાળી ફળદ્રૂપ જમીનો છે. મહી-ઢાઢર વચ્ચેના વાકળ પ્રદેશની જમીનો ફળદ્રૂપ ગોરાડુ પ્રકારની છે. ઢાઢર-કીમ વચ્ચેનો કાનમનો પ્રદેશ કપાસની કાળી જમીનો ધરાવે છે. મધ્યનું નર્મદાતાપી વચ્ચેનું મેદાન વિસ્તારમાં મોટું છે. (iv) જંબુસર તાલુકાને સમાવી લેતા વાયવ્ય ભાગની જમીનો બાગાયતી છે.
ખેતી : અહીંના મુખ્ય ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર અને જુવાર વધુ તથા બાજરી અને મકાઈ થોડા પ્રમાણમાં થાય છે. કઠોળમાં તુવેર વધુ તથા મગ, અડદ અને ચણા ઓછા પ્રમાણમાં થાય છે. રોકડિયા પાકોમાં કપાસ, મગફળી (ઉત્તમ કક્ષાનાં) તથા તલ, એરંડા, શેરડી, મરચાં, શાકભાજી અને ફળો(મુખ્યત્વે કેળાં)નું વાવેતર થાય છે. ધાન્ય પાકોની ખેતી નહેર, કૂવા અને તળાવોની સિંચાઈથી જ્યારે બાકીના કેટલાક પાકો વરસાદથી થાય છે. જિલ્લામાં ચાર મધ્યમ અને છ ગૌણ કક્ષાની સિંચાઈ-યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત કેટલીક જગાએ ઘાસચારાનું ઉત્પાદન પણ લેવાય છે.
પ્રાણીજીવન : જિલ્લાના પૂર્વ વિભાગમાં આવેલાં જંગલોમાં વન્ય પ્રાણીઓનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તેમાં વાઘ, દીપડા, રીંછ, જંગલી બિલાડી, વનિયર, નોળિયા, હસતું હરણ, શિયાળ, લોંકડી, જરખ, ચીતળ, સાબર, જંગલી કૂતરા, સાપ વગેરેનો સમાવેશ થાય છે. ડેડિયાપાડાના ડુમખલ ખાતે રીંછનું અભયારણ્ય આવેલું છે. પાલતુ પ્રાણીઓ પૈકી ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર, ઊંટ, ડુક્કર તેમજ મરઘાં-ઉછેર થાય છે. મરઘાં-ઉછેરનું પ્રમાણ તાજેતરનાં વર્ષોમાં વધ્યું છે. અહીં બે પશુ-ચિકિત્સાલયો અને 29 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે. પક્ષીઓ પૈકી અહીં ખડમોર, બટાવડા, તેતર, બટેર, ગારાખોદ અને ટિટોડીની અનેક જાતો જોવા મળે છે. નદીકાંઠે અને દરિયાકિનારે મુખ્યત્વે ચકવો, કુંજ અને કરકરા જોવા મળે છે. 250 જેટલાં જુદાં જુદાં યાયાવર પક્ષીઓની અહીં અવરજવર રહે છે. જંગલી કબૂતર, લાવરી, બતક, ચક્રવાક, ધોમડા, કાગડો, સમડી, બગલા, સારસ વગેરે પણ જોવા મળે છે.
આ જિલ્લાને મળેલા 160 કિમી. લાંબા દરિયાકિનારા પરનો આશરે 60 કિમી. જેટલો વિસ્તાર આંતરિક ભરતીની અસરવાળો છે. અહીં ઘણાં દરિયાઈ મત્સ્ય-કેન્દ્રો આવેલાં છે. જિલ્લાનાં ગામ-તળાવોમાં પણ મત્સ્યક્ષેત્રો વિકસાવવામાં આવ્યાં છે. આમ માછીમારીની પ્રવૃત્તિઓ અહીં સારા પ્રમાણમાં વિકસી છે. તે માટે 9 મત્સ્ય સહકારી મંડળીઓ કાર્યરત છે.
ખનિજપેદાશો, ઉદ્યોગો, વેપાર : આ જિલ્લામાં અકીક, ફ્લોરાઇટ, કૅલ્સાઇટ, રેતી, ઇલ્મેનાઇટ, બેન્ટોનાઇટ, લિગ્નાઇટ, ખનિજતેલ, કુદરતી વાયુ, ચૂનાખડકો તેમજ બૅસાલ્ટ મળે છે. ચિરોડી અને ડૉલોમાઇટ પણ થોડા પ્રમાણમાં મળે છે. લિગ્નાઇટ, ખનિજતેલ અને કુદરતી વાયુ અહીંની મુખ્ય પેદાશો છે. આ ઉપરાંત અહીં સાદી માટી, મરડિયો તથા રેતી પણ મળી આવે છે.
કાપડ-ઉદ્યોગ ભરૂચનો ઘણો પ્રાચીન ઉદ્યોગ છે. અહીં થતા કપાસના વિપુલ ઉત્પાદનને કારણે ભરૂચ, જંબુસર અને અંકલેશ્વર ખાતે ઘણી સંખ્યામાં જિનિંગ-પ્રેસિંગ મિલો આવેલી છે. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, રાજપીપળા, પાલેજ, જંબુસર, વાગરા, ડેડિયાપાડા અને વાલિયા તાલુકાઓમાં ઔદ્યોગિક વસાહતો સ્થપાઈ છે. જિલ્લામાં રસાયણો અને રાસાયણિક પેદાશો, ઊન-રેશમ અને કૃત્રિમ રેસાઓનો કાપડ-ઉદ્યોગ, ધાતુઓના તેમ જ ધાતુસંલગ્ન ઔદ્યોગિક એકમો તથા રબર, પ્લાસ્ટિક અને ખનિજ-પેદાશોના, યાંત્રિક ઓજારો, યંત્રસામગ્રી અને ખાદ્યપેદાશોના એકમો વિકસ્યા છે.
ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઇઝર્સ, ભરૂચ; ગુજરાત નર્મદા ઑટો લિ. કંપની, વાલિયા; ઇલેક્ટ્રૉનિક્સ ઑટોમૅટિક એક્સચેન્જ, રૂપનગર-વાલિયા; મીઠાનું કારખાનું, દહેજ; અતુલ સાથેના સહયોગમાં ગુજરાત ઍરોમૅટિક્મ; એશિયન પેઇન્ટ્સ, અંકલેશ્વર; ગુજરાત ઇન્સેક્ટિસાઇડ્ઝ, નર્મદા વૅલી કેમિકલ ઇન્ડસ્ટ્રી, રાજપીપળા; ગુજરાત કેબલ્સ ઍન્ડ એનેમલ્ડ પ્રૉડક્ટ્સ; ગુજરાત લેધર ઇન્ડસ્ટ્રિઝ; ફૈઝલ ફૅબ્રિક્સ; જિલ્લા સહકારી ડેરી જેવા ઉદ્યોગો આ જિલ્લાના મુખ્ય ઉદ્યોગો તરીકે વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત અહીં હાથવણાટ, દરજીકામ, સુથારીકામ, ભરતકામ, છાપકામ, રંગકામ, ચર્મકારીગરી જેવા કારીગર-સંચાલિત નાના પાયા પરના કુટિર-ઉદ્યોગો પણ ચાલે છે.
આ જિલ્લામાં લાકડાં, ખાદ્યતેલો, ખાદ્યાન્ન, ખાંડ, કઠોળ, મગફળી, ગોળ, રસાયણો, સિમેન્ટ, બાંધકામ-નિર્માણ-સામગ્રી, કપાસ, સૂતર, રૂની ગાંસડીઓ, કાપડ, હાથસાળનું કાપડ, નાયલૉન-રેસા, તિજોરીઓ, ચપ્પાં, હોઝિયરી, કાગળ, કાર્બન, કાથો, માછલીઓ વગેરેનો વેપાર ચાલે છે. અહીંનાં લગભગ બધાં જ મુખ્ય શહેરોમાં બૅંકો તથા કૃષિ ક્રેડિટ સોસાયટીઓની સુવિધા છે.
પરિવહન : આ જિલ્લામાં 263 કિમી. લંબાઈના રેલમાર્ગો અને તેના પર 47 જેટલાં રેલમથકો છે. આ પૈકી 48.56 કિમી. લંબાઈનો બ્રૉડગેજ રેલમાર્ગ છે. ડેડિયાપાડા, સાગબારા અને હાંસોટને બાદ કરતાં બાકીનાં નગરો રેલમાર્ગોથી સંકળાયેલાં છે. ભરૂચ અને દહેજ મહત્ત્વનાં બંદરો છે. ભરૂચ બંદર કાંપથી પુરાતું ગયું છે. જિલ્લામાં 2,845 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. તે પૈકી 44 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 457 કિમી.ના રાજ્યમાર્ગો, 616 કિમી.ના જિલ્લામાર્ગો, 799 કિમી.ના તાલુકામાર્ગો તેમજ 929 કિમી.ના ગ્રામીણ માર્ગો છે. નગરો ઉપરાંત અહીંનાં 1,116 વસ્તીવાળાં ગામડાં પૈકી 931 ગામડાંઓને રાજ્ય-પરિવહનની બસોથી સાંકળી લેવામાં આવેલાં છે.
પ્રવાસન : (1) ભરૂચ : આ શહેર ઘણા દૂરના ભૂતકાળથી અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. ટૉલેમીના સમયમાં પણ તે ભારતમાં પશ્ચિમ કિનારા પરનું મુખ્ય બંદર હતું. ત્યાંથી પરદેશો સાથે આયાત-નિકાસને અનુલક્ષીને ધમધોકાર વેપાર ચાલતો હતો. અણહિલવાડના રજપૂત રાજાઓના શાસન હેઠળ તેનો વિકાસ થયેલો. તેમના પતન બાદ તે અમદાવાદના મુસ્લિમ શાસન હેઠળ આવેલું. 1536, 1546 અને 1614માં પૉર્ટુગીઝોએ અહીં લૂંટ ચલાવેલી. 1573માં અકબરે તેનો કબજો લીધેલો. 1616માં અને 1617માં અહીં અનુક્રમે બ્રિટિશ અને ડચ ફૅક્ટરીઓ નંખાયેલી. 1675 અને 1686માં મરાઠાઓએ ભરૂચમાં લૂંટ ચલાવેલી. ઔરંગઝેબે તેને ફરતો કોટ બનાવરાવેલો અને તેને સૂકાબાદ (સૂકું નગર) નામ આપેલું. 1772માં તે અંગ્રેજોના અંકુશ હેઠળ આવેલું, પરંતુ સિંધિયા શાસકોએ લઈ લીધેલું, 1803માં ફરીથી તે બ્રિટિશ શાસન હેઠળ ગયેલું. સિદ્ધરાજ જયસિંહે અહીં નગર અને નદી વચ્ચે પૂર્વ-પશ્ચિમ જતી મજબૂત પથ્થરની દીવાલ તૈયાર કરાવેલી, જેનું સમારકામ ગુજરાતના સુલતાન બહાદુરશાહે કરાવેલું. તે હજી આજે પણ જોવા મળે છે. (2) શુકલતીર્થ : નર્મદા નદી પર આવેલા હિન્દુઓના મહત્વના ગણાતા આ યાત્રાધામમાં દર વર્ષની કાર્તિક પૂર્ણિમાને દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં 20થી 25 હજાર જેટલા યાત્રાળુઓ આવે છે. (3) કાવી : માન્યતા મુજબ પ્રાચીન સમયમાં અહીં કપિલ મુનિનો આશ્રમ હતો. એમ પણ કહેવાય છે કે આ સ્થળે કનકાવતી બંદર હતું. શક્ય છે કે કાવી નામ કનકાવતીમાંથી થયું હોય. આજે તે જૈનોનું યાત્રાસ્થળ છે. 17મી સદીનાં સાસુ-વહુનાં જૈન દહેરાં અહીં આવેલાં છે. તે પુરાતત્વીય ર્દષ્ટિએ સ્મારક સમાં છે. (4) ઝઘડિયા : આ નગરમાં ઋષભદેવનું જૈન મંદિર આવેલું છે, મૂર્તિના નીચેના ભાગમાં કોતર્યા મુજબ 1064ના ડિસેમ્બરમાં (સંવત 1120ના માગશર સુદ ચૌદશે) તેની પ્રતિષ્ઠા થયેલી, પરંતુ તે પછી લાંબો સમય આ મૂર્તિ ગુમ થઈ ગયેલી, જે છેક 1864માં નજીકના લિમોદ્રા ગામેથી ખેતરમાંથી દાટેલી મળી આવેલી. રાજપીપળાના તત્કાલીન શાસકે ઝઘડિયા ખાતે મંદિર બંધાવી 1872ના ફેબ્રુઆરીમાં (સંવત 1928ની મહા વદ પાંચમે) તેની પુન:પ્રતિષ્ઠા કરેલી છે.
(5) રાજપીપળા : રાજપીપળા પહેલાં નાંદોદ (નાંદોટ) નામથી ઓળખાતું હતું. તે એક જૂનું રજવાડું હતું. ત્યાંના મુખીને મુસ્લિમોએ 1304માં હાંકી કાઢેલો અને નાંદોદને તાબે કરી તેને જિલ્લાનું વડું મથક બનાવેલું. ત્યાં મસ્જિદ પણ બાંધેલી; પોતાના અલગ સિક્કા પડાવેલા. નાંદોદના આગેવાનો 1730 સુધી ત્યાં વસ્યા. 1730માં તેમણે અહીંની એક ટેકરી પર નવો કિલ્લો બાંધ્યો ત્યારથી આ સ્થળ રાજપીપળા નામથી ઓળખાતું થયું. 1830 સુધીમાં અહીં મુસ્લિમ અંકુશની અસર ઓછી થઈ ગઈ હતી. 1918-19માં આ સ્થળને સત્તાવાર રીતે રાજપીપળા નામ અપાયું જે તે પછીથી લોકોમાં રૂઢ થઈ ગયેલું છે.
(6) રામપુરા : નર્મદાકાંઠે આવેલા આ સ્થળનું મહત્વ અહીંના એક ખેતરમાંથી મળી આવેલી રણછોડજીની વિશિષ્ટ પ્રકારની મૂર્તિને કારણે વધેલું છે. આ મૂર્તિ દશ અવતારોનો ખ્યાલ આપતી હોવાથી વિરલ ગણાય છે. આ મૂર્તિની અહીં મંદિર બંધાવીને તેમાં પ્રતિષ્ઠા કરેલી છે.
(7) ભાગાતળાવ (ભાગાત્રાવ) : ભરૂચ જિલ્લામાં કીમ નદીના મુખપ્રદેશમાં જેતપુર નજીક ભાગાતળાવનો ટીંબો આવેલો છે. રાજપીપળાની અકીકયુક્ત ટેકરીઓમાં જવાનું અહીંથી વધુ સરળ પડે છે. ડૉ. રમણલાલ મહેતા અને રંગનાથ રાવને હડપ્પા સંસ્કૃતિની અંતિમ કક્ષાના તેમજ તે પછીના કાળના અવશેષો પણ અહીંથી મળી આવેલા. આ સ્થળ હડપ્પા સંસ્કૃતિનું ગુજરાતમાં છેક દક્ષિણે આવેલું મથક ગણાય છે. આ સંસ્કૃતિનો સમય ઈ. પૂ. 2400થી 1900નો મુકાયો છે, જ્યારે ઉત્તરકાલીન હડપ્પા સંસ્કૃતિ ઈ. પૂ. 1900થી 1600 દરમિયાન અવનતિ પામેલ છે.
જિલ્લાનાં અન્ય જોવાલાયક સ્થળો પૈકી કબીરવડ, કતપોર, ઝાડેશ્વર, ગરુડેશ્વર, ગંધાર, દેવમોગરા, ભાડભૂત, રતનપુર, જંબુસર, સુરપાણ અને ત્રિવેણીસંગમ (ચાંદોદ) મુખ્ય છે. નર્મદા નદી પરનો સુરપાણનો ધોધ આરસપહાણના ખડકોમાંથી વહે છે. જિલ્લામાં શુક્લતીર્થનો, ભાડભૂત ખાતે ભારેશ્વરનો અને કદોડ ખાતે કોટેશ્વરનો મેળો ભરાય છે, આ ઉપરાંત જળાશયો તેમજ કેટલીક ટેકરીઓ પર આદિવાસીઓના મેળા પણ ભરાય છે.
વસ્તી : 1991 મુજબ વિભાજન પૂર્વે ભરૂચ અને નર્મદા જિલ્લાની સંયુક્ત વસ્તી 15,46,145 જેટલી હતી. તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ હતા. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું હતું. આ જિલ્લામાં હિન્દુઓ અને મુસ્લિમોનું પ્રમાણ વિશેષ, ખ્રિસ્તી અને જૈનોનું મધ્યમસરનું તથા શીખો અને બૌદ્ધોનું ઓછું હતું. જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 8,01,385 હતી. તે પૈકી 60 % પુરુષો અને 40 % સ્ત્રીઓ હતાં; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 72.5 % અને 27.5 % જેટલું હતું. જિલ્લાનાં કુલ 1,180 પૈકીનાં 1,116 વસ્તીવાળાં ગામડાં પૈકી 1,071 ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા હતી. આમોદ, અંકલેશ્વર, હાંસોટ અને પાલેજ સિવાયનાં અન્ય નગરોમાં કૉલેજ-શિક્ષણની સગવડ છે. જંબુસરમાં વિનયન-વાણિજ્યની, રાજપીપળામાં વિનયન-વિજ્ઞાનની અને શારીરિક શિક્ષણની કૉલેજો છે. જિલ્લામથક ભરૂચ ખાતે ત્રણ કૉલેજો અને એક પૉલિટૅકનિક સંસ્થા છે. અંકલેશ્વરને બાદ કરતાં બધાં જ નગરોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. અંકલેશ્વર અને પાલેજ સિવાય બીજે બધે પ્રૌઢ-શિક્ષણ-કેન્દ્રો પણ આવેલાં છે.
વિભાજનપૂર્વે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 8 હૉસ્પિટલો, 91 નાનાં દવાખાનાં, 161 કુટુંબનિયોજન-કેન્દ્રો, 12 પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો, 256 પ્રાથમિક સ્વાસ્થ્ય-ઉપકેન્દ્રો, 59 પ્રસૂતિગૃહો–બાળકલ્યાણ-કેન્દ્રો તથા 625 સમાજ-સ્વાસ્થ્ય-સેવકોની વ્યવસ્થા હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ભરૂચ, જંબુસર અને રાજપીપળા ખાતે હૉસ્પિટલો; આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, પાલેજ અને રાજપીપળા ખાતે નાનાં દવાખાનાં; 7 નગરોમાં કુટુંબનિયોજન-કેન્દ્રો; 2 નગરોમાં સ્વાસ્થ્ય-કેન્દ્રો અને ભરૂચમાં ક્ષય-ચિકિત્સાલય છે.
વહીવટી સરળતા માટે ભરૂચ અને નર્મદા જિલ્લાને અનુક્રમે 8 અને 4 તાલુકાઓમાં વહેંચેલા છે. બંને જિલ્લાઓમાં મળીને 10 નગરો અને 1,116 વસ્તી ધરાવતાં ગામડાં આવેલાં છે, આ પૈકીનાં 12 ગામ 5,000થી વધુ વસ્તીવાળાં છે.
ઇતિહાસ : જિલ્લાનું પ્રાચીન નામ ભરુકચ્છ હોવાનું જાણવા મળે છે. ‘ભરુ’ શબ્દ પ્રાચીન બોલીનો દેશ્ય શબ્દ છે. તેની સાથે ‘ભરુ’ નામના રાજાનું નામ જોડાયેલું હોવાનો પણ એક મત છે. આ શબ્દ ઑસ્ટ્રો-એશિયાટિક મૂળ સૂચવે છે. તેના પરથી દેશવાચક ‘ભારુકચ્છ’ નામ પ્રચલિત થયેલું. ઈ. સ.ની છઠ્ઠી સદીના ગ્રંથ ‘આવશ્યક ચૂર્ણિ’માં ભરુકચ્છનો ‘આહાર’ (વહીવટી એકમ) તરીકે ઉલ્લેખ મળે છે. 1998માં આ જિલ્લાનું ભરૂચ અને નર્મદા (રાજપીપળા) જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે. ભરૂચ જિલ્લામાં આમોદ, અંકલેશ્વર, ભરૂચ (જિલ્લામથક), હાંસોટ, જંબુસર, વાગરા, વાલિયા અને ઝઘડિયા તાલુકાઓ; જ્યારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા, નાંદોદ, સાગબારા અને તિલકવાડા તાલુકાઓ મૂકવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાનું મુખ્યમથક રાજપીપળા ખાતે છે. ભરૂચ જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થયેલો છે. નર્મદા જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન, જંગલોવાળો અને પહાડી છે. દહેજ બંદરના વિકાસ સાથે જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ વેગીલો બનતો જાય છે. દહેજને રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડતો પાકો રસ્તો તૈયાર થયેલ છે તેથી નર્મદા યોજના પૂર્ણ થતાં જિલ્લાનો વધુ ઝડપી વિકાસ થવાની શક્યતા છે.
ભરૂચ (શહેર) : ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલું શહેર, જિલ્લામથક અને પ્રાચીન બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 40´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર નર્મદા નદીના ઉત્તર કાંઠા પર વસેલું છે તથા મુંબઈ–અમદાવાદ બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું મહત્વનું મથક છે. 1991 મુજબ આ શહેરની વસ્તી 1,38,246 જેટલી છે.
અહીંનાં જોવાલાયક સ્થળોમાં સિદ્ધરાજ જયસિંહના સમય(1094–1143)ના કોટના અવશેષો, નવનાથનાં નવ શિવમંદિરો, ભૃગુ-આશ્રમ, મહારુદ્રનું સ્થાનક, સ્વામિનારાયણ મંદિર (1833), નર્મદામાતાનું મંદિર, દત્તાત્રેય મંદિર, ભૂતનાથ, અંબાજી અને રણછોડરાયનાં મંદિરો, શ્રીજીમંદિર, નીલકંઠ મહાદેવ, સિંધવાઈ (સિંહવાહિની) માતાનું મંદિર, કબીરમંદિર, જૈન મંદિર, લલ્લુભાઈની હવેલી, પારસીઓનાં ટાવર ઑવ્ સાયન્સ અને અગિયારી, જુમા મસ્જિદ, બેગમવાડી, ઇમાદ-ઉલ-મુલ્કનો રોજો, મદરેસા મસ્જિદ, ઈદગાહ, વલંદાની કોઠી, વ્રેડનબર્ગની કબર, ડચ તેમજ અન્ય યુરોપિયનોની કબરો તથા ખ્રિસ્તી દેવળનો સમાવેશ થાય છે.
પેરિપ્લસમાં તથા ટૉલેમીના ભૌગોલિક અહેવાલમાં ભરૂચનો ‘બારુગાઝા’ કે ‘બારીગાઝા’ તરીકે; સ્ટ્રૅબોએ ‘બારગોસા’ તરીકે; આરબ મુસાફરોએ ‘બરૌઝ’ (Baraus), ‘બરૂચ’, ‘બરુચી’ કે ‘બરહુ’ તરીકે; અલબિરૂનીએ ‘બિહરોજ’ તરીકે; જ્યારે ફારસી અને ઉર્દૂમાં ‘ભલોચ’ તરીકે ઉલ્લેખ કરેલો જોવા મળે છે. સાતમી સદીના હર્ષવર્ધનના સમકાલીન હ્યુ-એન-સંગે ‘પો-લુ-ક-છે-પો’ તરીકે તેનું નામ જણાવ્યું છે. મરાઠા શાસકોએ ‘ભડોચ’ અને અંગ્રેજોએ ‘બ્રૉચ’, ‘ભડુચ’, ‘ભડોચ’ જેવાં નામોથી તેની નોંધ લીધી છે.
હેડંબાની પુત્રી હાટિકાના આમંત્રણથી ભૃગુઋષિ તેમના 18,000 શિષ્યો સહિત અહીંના વનમાં વસેલા. સ્કંદપુરાણના રેવાખંડમાં જણાવ્યા મુજબ નંદન સંવત્સરના માઘ માસની સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો ત્યારે કૂર્મની પીઠ પર વિશ્વકર્માનું સ્મરણ કરીને ભૃગુઋષિએ આ નગર વસાવેલું; તે પરથી તે ભૃગુકચ્છ નામથી ઓળખાય છે. જૈનોના પ્રભાવકચરિતમાં ભૃગુક્ષેત્ર અને ભૃગુપુર નામો મળે છે. ઈ. પૂ. 5મી સદી દરમિયાન અવંતિના પ્રદ્યોતનું અહીં શાસન હતું. ઈ. પૂ. ‘ભૃગુકચ્છજાતક’ જેવી બૌદ્ધ જાતકકથાઓમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. ઈ. પૂ. 322ના અરસામાં તે ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ હતું. મિનેન્દર તથા ઍપોલોડોટસના સિક્કાઓ ભરૂચમાં ચલણ તરીકે પ્રચલિત હતા. ઈ. સ.ના પ્રારંભમાં નભોવાહન કે નહપાનનું અહીં શાસન હતું. પહેલી સદીમાં તે અહીંનું પ્રમુખ બંદર હતું. રોમન સામ્રાજ્ય સાથે તેનો બહોળો વેપાર ચાલતો હતો. જૈનોનાં અશ્વાળબોધતીર્થ તથા શકુનિકાવિહાર જેવાં તીર્થસ્થળો અહીં હતાં. મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં ભૃગુકચ્છ અને તેના કાપડનો ઉલ્લેખ મળે છે. ક્ષત્રપ રાજા રુદ્રદામા(ઈ.સ. 150)ના ગિરનારના શિલાલેખમાં પણ ભૃગુકચ્છનો ઉલ્લેખ છે.
ભરૂચનો વેપાર રોમન સામ્રાજ્ય, ઈરાન તથા તેના અખાતનાં બંદરો દ્વારા પશ્ચિમ એશિયાના દેશો સાથે બહોળા પ્રમાણમાં ચાલતો હતો. ભરૂચથી કપડવંજ–ભીલસા–સાંચી થઈને પાટલીપુત્ર જતો એક ધોરી માર્ગ હતો; બીજો એક માર્ગ રાજસ્થાનમાં થઈને વાયવ્ય ભારત તથા કાબુલને જોડતો હતો. નાસિક મારફતે દક્ષિણાપથનાં અગ્રગણ્ય નગરો પણ ભરૂચ સાથે વેપારથી જોડાયેલાં હતાં. શકુનિકાવિહારની કથા ભરૂચ અને લંકા વચ્ચેના સાંસ્કૃતિક અને વેપારી સંબંધોનું સૂચન કરે છે. ભરૂચની રાજકુમારીએ ભરૂચમાં શકુનિકાવિહાર બંધાવ્યાની અનુશ્રુતિ પ્રચલિત છે. ધરસેન ચોથાનું ઈ. સ. 648નું દાનશાસન તથા શીલાદિત્ય ત્રીજાનું 676નું દાનશાસન ભરૂચ મૈત્રકોના શાસન હેઠળ રહ્યું હોવાનું સૂચવે છે. તે પૂર્વે 5મી સદીના અંતમાં અહીં ત્રૈકૂટકોનું શાસન હતું. તે પછી મહાસામંત સંગમસિંહનું અને 580થી 735 સુધી ગુર્જર નૃપતિવંશનું શાસન હતું. 735 પછી અહીં ચાહમાન વંશની સત્તા પ્રસરી હતી. તેઓ પ્રતિહારોના તાબેદાર હોવાનું જણાય છે. 788માં મૈત્રક વંશના પતન બાદ અહીં રાષ્ટ્રકૂટ વંશનું શાસન થોડો વખત રહેલું. ચીની મુસાફરે (ઈ.સ. 726) અહીં 10 મઠો, 10 દેવાલયો અને 300 બૌદ્ધ સાધુઓ હોવાનો ઉલ્લેખ કરેલો છે. ચાલુક્ય પુલકેશી બીજાના પુત્ર વિક્રમાદિત્યના નાના ભાઈ ધરાશ્રય જયસિંહે દક્ષિણ ગુજરાતનો વહીવટ સંભાળ્યો હતો. રાષ્ટકૂટો દ્વારા ચાલુક્ય શાસનનો અંત આવેલો. દંતીદુર્ગ તેનો સ્થાપક હતો. તેના વંશજોએ લાટદેશના શાસક તરીકે 967 સુધી અહીં રાજ્ય કરેલું. ત્યારબાદ ભરૂચ સોલંકી વંશના સીધા શાસન નીચે 1300 સુધી રહેલું. કર્ણદેવ, સિદ્ધરાજ વગેરે સોલંકી રાજાઓએ ભરૂચ બંદરથી આકર્ષાઈને અહીંના સ્થાનિક રાજવંશને હરાવીને તે કબજે કર્યું હતું. મૈત્રક અને ગુર્જર વંશના શાસન દરમિયાન બગદાદના આરબ શાસકોએ ભરૂચ પર આક્રમણ કર્યું હતું અને વલભીના મૈત્રક વંશનો અંત આવ્યો હતો.
1397થી 1572 સુધી ભરૂચ અમદાવાદના સુલતાનોની સત્તા નીચે રહેલું. આ દરમિયાન 1534માં હુમાયૂંએ ગુજરાત જીતી લેતાં ભરૂચ મુઘલ સત્તા હેઠળ આવ્યું હતું. 1536 અને 1546માં પૉર્ટુગીઝોએ ભરૂચ પર હુમલો કરી તેને લૂંટ્યું હતું. 1573માં તે અકબરના શાસન હેઠળ આવ્યું. 1614માં ફરીથી પોર્ટુગીઝોએ, તથા 1675 અને 1686માં મરાઠાઓએ ભરૂચને લૂંટ્યું હતું. 1735 સુધી તે મુઘલ શાસન તળે રહેલું. મુઘલ સત્તા નબળી પડતાં ભરૂચનો સૂબેદાર સ્વતંત્ર નવાબ બનેલો. આ નવાબી શાસન 1736થી 1772 સુધી રહેલું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ નવાબને હરાવી કાયમ માટે તે હસ્તગત કર્યું. ભરૂચની તેમની આવકમાંથી તેઓ અમુક રકમ ગાયકવાડને ખંડણી તરીકે આપતા હતા. દામાજીરાવ બીજા તેને જીતીને રાજધાની બનાવવા માગતા હતા, પણ તેમની આ મુરાદ બર આવેલી નહિ. 1778માં ભરૂચ ગ્વાલિયરના સિંધિયાની હકૂમત હેઠળ આવેલું. 1803માં અંગ્રેજોએ ફરીથી ભરૂચનો કબજો લીધો હતો. ત્યારથી ભરૂચની જાહોજલાલી ઓસરવા માંડેલી. સ્ટીમરો અને રેલસુવિધા થતાં ભરૂચનું મહત્વ ઘટતું ગયું. 1860–64ના અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન રૂની તેજીને કારણે ભરૂચે સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો, પણ તે ક્ષણજીવી હતો. ભરૂચથી રૂ, કપાસિયા અને અનાજની નિકાસ થતી હતી. યંત્રયુગના આગમનને કારણે જૂનો કાપડ-ઉદ્યોગ નષ્ટ થતો જતો હતો. લૅન્ડને અને રણછોડભાઈએ ભરૂચમાં મિલઉદ્યોગ સ્થાપવા પ્રયત્ન કરેલો, પણ તેમાં સફળતા મળી ન હતી. 1868માં ભરૂચમાં ઔદ્યોગિક પ્રદર્શન ભરાયું હતું.
1849માં અહીં સર્વપ્રથમ અંગ્રેજી શાળા શરૂ થઈ હતી. 1-9-1927માં ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 1-4-1944માં તે દાખલ કરાયું હતું. ભરૂચમાં બીજી કેળવણી પરિષદ પણ ભરાઈ હતી. આજે તો અહીં ઘણી શિક્ષણ-સંસ્થાઓ વિકસી છે. 1930–47 દરમિયાન કનૈયાલાલ મુનશી, છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી, છોટે સરદાર ડૉ. ચંદુલાલ દેસાઈ, ચંદ્રશંકર ભટ્ટ વગેરેએ આઝાદીની લડતમાં તેમજ 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં આગળ પડતો ભાગ ભજવેલો. 1942ની લોકક્રાંતિમાં તેમણે સરકારને હંફાવી હતી. પોતાની જાહેર કારકિર્દી ભરૂચથી શરૂ કરનાર દિનકરરાય દેસાઈ મુંબઈ રાજ્યના કેળવણીપ્રધાન બનેલા. આજે તો ભરૂચનું બંદર નર્મદાના કાંપથી પુરાઈ ગયું છે. જોકે ઔદ્યોગિક વિકાસને કારણે તે હવે વિકાસના પંથે છે.
શિવપ્રસાદ રાજગોર