આલે અહમદ ‘સુરૂર’ (જ. 9 સપ્ટેમ્બર 1911, બદાયૂન; અ. 9 ફેબ્રુઆરી 2002, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક, પ્રાધ્યાપક અને કવિ. પ્રાથમિક શિક્ષણ બદાયૂનમાં શરૂ થઈને પિતાની નોકરીના કારણે પીલીભીત, બિજનૌર અને સીતાપુરમાં ચાલુ રહ્યું હતું. ઉચ્ચશિક્ષણ સેંટ જૉન્સ કૉલેજ આગ્રામાં. આલે અહમદને કાવ્યરચનાનો નાનપણથી જ શોખ હતો. આગ્રામાં કવિઓની સોબત અને મુલાકાતોથી તેમને પ્રેરણા મળી, શેર કહેવાની શરૂઆત કરી અને ‘સુરૂર’ તખલ્લુસ ધારણ કર્યું હતું.
તેમણે અલીગઢમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને 1934માં અંગ્રેજીના વ્યાખ્યાતા નિમાયા હતા. ડૉ. ઝાકિરહુસેનની સૂચનાથી તેમણે ઉર્દૂ વિષય સાથે ફરી વાર એમ.એ.ની ડિગ્રી મેળવી હતી અને ઉર્દૂના વ્યાખ્યાતા બન્યા હતા. થોડોક વખત રામપુરમાં મહિલા કૉલેજના આચાર્ય પદે પમ રહ્યાં હતા. 1945 લખનૌ યુનિવર્સિટીમાં ઉર્દૂના રીડર નિમાયા હતા. લખનૌની સાહિત્યિક સંગોષ્ઠીએ તેમને પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડ્યું હતું, પછી અલીગઢ વિશ્વવિદ્યાલયમાં ઉર્દૂના પ્રાધ્યાપક અને અધ્યક્ષ થયા અને નિવૃત્તિકાળ સુધી આ હોદ્દા ઉપર રહ્યા હતા. પછી શ્રીનગરની કાશ્મીર યુનિવર્સિટીમાં ઇકબાલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક પ્રાધ્યાપક થયા હતા.
સુરૂરસાહેબે અંજુમને તરક્કીએ ઉર્દૂના મહામંત્રી તરીકે પણ રસ લઈ સેવાઓ આપી અને ઉર્દૂ ભાષા તથા પુસ્તકોના પ્રકાશનથી લઈ ઉર્દૂ પરિષદો અને સંમેલનોના આયોજનમાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. કવિ તરીકે તેમનો કાવ્યસંગ્રહ ‘ઝૌકે જુનૂં’ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે; પરંતુ સવિશેષ ઉલ્લેખનીય તેમના વિવેચનસંગ્રહો છે. ઉર્દૂ ભાષા અને સાહિત્યને લગતા તેમના નિબંધો શૈલી અને રજૂઆતના કારણે એટલા તો માર્ગદર્શક, ચિંતનશીલ અને હૃદયસ્પર્શી પુરવાર થયા છે કે તેમની અનેક આવૃત્તિઓ થઈ છે. ‘તનકીદ ક્યા હૈ’, ‘તનકીદી ઇશારે’, ‘અદબ ઔર નઝરિયા’, ‘નયે ઔર પુરાને ચિરાગ’, ‘નઝર ઔર નઝરિયે’ વગેરે તેમના સાહિત્યિક નિબંધોના સંગ્રહો છે, જે સર્વભોગ્ય છે. તેમને 1974માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1991માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા