ભટ્ટ, વિજય (જ. 1907, પાલિતાણા, સૌરાષ્ટ્ર; અ. 1993) : હિંદી-મરાઠી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ વિજયશંકર યજ્ઞેશ્વર ભટ્ટ. સૌરાષ્ટ્ર અને મુંબઈમાં કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે વિદ્યુત ઇજનેરીનો અભ્યાસ કર્યો અને બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રામવેઝ કંપનીમાં જોડાયા. ફિલ્મ અને રંગભૂમિનો રસ તેમને શરૂઆતથી હતો. મૂક ફિલ્મો માટે પટકથા અને ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખવાનું તેમણે શરૂ કર્યું. ઉદાહરણ તરીકે, ‘લાખો ફુલાણી’. વડીલ બંધુ શંકરભાઈ ભટ્ટ સાથે તેમણે 1928માં રૉયલ ફિલ્મ્સ અને 1933માં પ્રકાશ પિક્ચર્સની સ્થાપના કરી અને એક લાંબી અને ગૌરવવંતી કારકિર્દીનો આરંભ કર્યો. લઘુબંધુ હરસુખભાઈ સહાયક રહ્યા. ‘સંસારલીલા’ (1933), ‘નઈ દુનિયા’ (1933), ‘ઍક્ટ્રેસ’ (1934) અને ‘બૉમ્બે મેઇલ’ (1935) ફિલ્મોનું લેખન તેમજ નિર્માણ કર્યું. 1936માં ‘ડ્રીમલૅન્ડ’ ફિલ્મથી દિગ્દર્શનમાં પદાર્પણ કર્યું. વિજય ભટ્ટની ફિલ્મોમાં ભારતીય સંસ્કૃતિ અને સાંપ્રત સામાજિક સમસ્યાઓનું આલેખન જોવા મળે છે. 1939ની ફિલ્મ ‘પૂર્ણિમા’ની નાયિકા એક વેશ્યાની પુત્રી છે, જે સન્માનભર્યું જીવન જીવવાની કોશિશ કરે છે. 1944ની ફિલ્મ ‘પોલીસ’માં ફિલ્મનો નાયક એક આદર્શવાદી પોલીસમૅન છે. 1965ની ફિલ્મ ‘હિમાલય કી ગોદમેં’નો નાયક એક ડૉક્ટર છે, જે દુર્ગમ પહાડી વિસ્તારમાં એક હૉસ્પિટલ બાંધે છે.
તેમની ધાર્મિક અને પૌરાણિક ફિલ્મો ખૂબ જ લોકપ્રિય થઈ. 1942ની ‘ભરતમિલાપ’ ફિલ્મને ભારતીય સંસ્કૃતિની હિમાયત બદલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. 1943ની ‘રામરાજ્ય’ ફિલ્મે તો ધૂમ મચાવી દીધી. મહાત્મા ગાંધીએ પણ તે ફિલ્મ જોઈને પ્રશંસા કરી હતી. આ ફિલ્મ અમેરિકામાં પણ પ્રદર્શિત થયેલી. વિજય ભટ્ટ ફિલ્મ સંગઠનોમાં પણ સક્રિય હતા. ફિલ્મ સલાહકાર સમિતિના સભ્ય હતા. હિંદી ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિમાં હતા. મહારાષ્ટ્રની મરાઠી ચલચિત્ર પુરસ્કાર સમિતિ તથા ગુજરાતની ગુજરાતી ચલચિત્ર પુરસ્કાર સમિતિના તેઓ સભ્ય હતા. ગુજરાત રાજ્યે ફિલ્મ ફાઇનાન્સ કૉર્પોરેશનમાં જે ચાર સભ્યોની નિમણૂક કરી તેમાં વિજય ભટ્ટ પણ હતા.
1954માં સોવિયટ સંઘમાં ભારતીય ચલચિત્ર મહોત્સવ યોજાયો. ભટ્ટ તેમાં ડેલિગેટ તરીકે સામેલ હતા. તેમની ‘બૈજુ બાવરા’ ફિલ્મ તેમાં પ્રદર્શિત કરાઈ હતી.
1981માં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ સુવર્ણચંદ્રક અર્પણ કરીને તેમનું સન્માન કર્યું. 1990માં ઇન્ડિયન મોશન પિકચર પ્રોડ્યુસર્સ ઍસોસિયેશને ટ્રૉફી આપીને તેમને સન્માન્યા. મુંબઈના દૈનિક ‘જન્મભૂમિ’માં તેમણે હપતાવાર આત્મકથા પ્રસિદ્ધ કરી હતી.
ફિલ્મોની સૂચિ : નિર્માતા તરીકે : ‘દિલ્હી કા છેલા’ (મૂક) (1929), ‘બ્લૅક ઘોસ્ટ’ (મૂક) (1930), ‘વ્હાઇટ ડેવિલ’ (મૂક) (1930), ‘પાસિંગ શો’ (મૂક) (1931), ‘ગુનાહગાર’ (મૂક) (1931), ‘અરેબિયન નાઇટ્સ’ (અલિફ લૈલા) (1932), ‘સંસારલીલા’ (ગુજરાતી) (1933), ‘નઈ દુનિયા’ (1933), ‘ઍક્ટ્રેસ’ (1934), ‘બૉમ્બે મેલ’ (1935), ‘જયમનનું રસજીવન’ (ગુજરાતી) (1935), ‘રેડ લેટર’ (1935), ‘બૉમ્બે કી શેઠાની’ (1935), ‘શમશિરે અરબ’ (1936), ‘સ્નેહલતા’ (હિન્દી, ગુજરાતી) (1936), ‘તોપ કા ગોલા’ (1936), ‘પાસિંગ શો’ (1936), ‘ચૅલેન્જ’ (1936), ‘હિઝ હાઇનેસ’ (1937), ‘રિવેન્જ’ (1938), ‘પૂર્ણિમા’ (1939), ‘મિ. ઍક્સ’ (1939), ‘હીરો નં. 1’ (1939), ‘બીજલી’ (1939), ‘હુકમ કા એક્કા’ (1939), ‘સરદાર’ (1940), ‘દેશભક્તિ’ (1940), ‘ઉષાહરણ’ (1940), ‘માલા’ (1941), ‘દર્શન’ (1941), ‘સ્ટેશન-માસ્ટર’ (1942), ‘ચુડિયાં’ (1942), ‘પનઘટ’ (1943), ‘પોલીસ’ (1944), ‘કવિતા’ (1945), ‘હમારા સંસાર’ (1945), ‘નઈ મા’ (1946), ‘ઝમીન આસમાન’ (1946), ‘ઘૂંઘટ’ (1946), ‘ભક્ત ધ્રુવ’ (1947), ‘ભક્ત સૂરદાસ’ (1947), ‘બિલ્વમંગલ’ (1948), ‘રાખી (1949), ‘સાવનભાદોં’ (1949), ‘શાદી કી રાત’ (1950), ‘બાલયોગી’ (1958), ‘પ્યાસે પંછી’ (1961), ‘હોલી આઈ રે’ (1970).
નિર્માતા-દિગ્દર્શક તરીકે : ‘ડ્રીમલૅન્ડ’ (1936), ‘સ્ટેટ ઍક્સપ્રેસ’ (1938), ‘લેધર ફેઇસ’ (1939), ‘એક હી ભૂલ’ (1940), ‘નરસી ભગત’ (1940), ‘નરસી મહેતા’ (ગુજરાતી) (1940), ‘ભરતમિલાપ’ (1942), ‘ભરત ભેટ’ (મરાઠી) (1942), ‘રામરાજ્ય’ (1943), ‘રામરાજ્ય’ (મરાઠી) (1943), ‘વિક્રમાદિત્ય’ (1945), ‘સમાજ કો બદલ ડાલો’ (1947), ‘રામબાણ’ (1948), ‘બૈજુ બાવરા’ (1952), ‘શ્રીચેતન્ય મહાપ્રભુ’ (1954), ‘રામાયણ’ (1954), ‘પટરાણી’ (1956), ‘ગુંજ ઊઠી શહનાઈ’ (1959), ‘હરિયાલી ઔર રાસ્તા’ (1962), ‘હિમાલય કી ગોદમેં’ (1965), ‘રામરાજ્ય’ (1967).
દિગ્દર્શક તરીકે : ‘અંગુલિમાલ’ (1960), ‘બાપુ ને કહા થા’ (1962), ‘બનફૂલ’ (1971), ‘હીરા ઔર પત્થર’ (1977).
પીયૂષ વ્યાસ