ભટ્ટ, ચંદ્રવદન (જ. 1915, રાંદેર, જિ. સૂરત) : મુંબઈની નૂતન વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યનિષ્ણાત. પ્રવીણ જોષી, કાંતિ મડિયા અને વિજય દત્ત જેવા નીવડેલા દિગ્દર્શકોના તેઓ નાટ્યગુરુ હતા. પત્ની નિહારિકા (જ. 10 સપ્ટેમ્બર 1929, સૂરત) નાટ્ય અને ચલચિત્ર સૃષ્ટિનાં યશસ્વી કલાકાર.
મોઢા પર ચૂનો ને માથે દીવાબત્તી સાથે જીવનના ચાર દાયકા, રંગભૂમિ પરથી નાટ્યરસિકોને હસાવતા-રડાવતા અને તેમને વિચારતા રાખવામાં વિતાવનાર ચંદ્રવદન ભટ્ટે 15 વર્ષની ઉંમરે પારસી પાઘડી પહેરી નિશાળના રંગમંચ ઉપર પહેલી વાર પગ મૂક્યો. 1940થી ફિલ્મ-ઉદ્યોગમાં નિર્માતા અને વિતરક તરીકે કામ કરતા રહી ‘સંતાન’, ‘ઘર ઘરકી કહાની’ જેવી ફિલ્મો બનાવી; 1946માં સાહિત્યસંસદના ઉપક્રમે ભજવાયેલા, ક. મા. મુનશીના નાટક ‘છીએ તે જ ઠીક’ના દિગ્દર્શનથી વ્યાવસાયિક રંગભૂમિ-ક્ષેત્રે પગરણ માંડ્યાં.
1949માં ભારતીય વિદ્યાભવન થિયેટર બંધાયું અને તેમણે રજૂ કર્યું પહેલું નાટક ‘લગ્નની બેડી’. આ નાટક આઇએનટીનું પણ પહેલું નાટક. આ નાટકથી મુંબઈની રંગભૂમિને ‘બૉક્સ ઑફિસ’ મળી. આ પહેલાં સીમાચિહ્નરૂપ નાટક પછી ‘સ્નેહનાં ઝેર’ જેવું બીજું સીમાચિહ્નરૂપ નાટક કર્યું. નવી રંગભૂમિનું તે પહેલું રહસ્ય-નાટક. 1951માં ‘મનુની માસી’ ભજવ્યું. ટિકીટબારી પર તે અત્યંત સફળ નીવડ્યું. એના પરથી તેમણે ફિલ્મ પણ બનાવી. 1952માં નવી રંગભૂમિનું પહેલું સંગીત-નાટક ‘રાખનાં રમકડાં’ ભજવ્યું. તે પછી 1955માં ‘અમલદાર’ નાટક ભજવ્યું. જેમાં પહેલાં કાંતિ મડિયા અને પછી પ્રવીણ જોષી અને વિજય દત્તનો પ્રવેશ થયો. એ જ વર્ષે ‘વારસદાર’ પણ ભજવ્યું. 1959માં આઇએનટીના ઉપક્રમે રજૂ કર્યું એક અન્ય સીમાચિહ્નરૂપ નાટક ‘ગુનેગાર’ જે પ્રથમ કોર્ટરૂમ નાટક હતું. 1960માં પોતાની સંસ્થા ‘રંગફોરમ’ સ્થાપી. ‘જેવી છું તેવી’ અને ‘છૂટાછેડા’ જેવાં એક જમાનાનાં અત્યંત સફળ નાટકોને ફરી રજૂ કર્યાં. 1962માં હરિ જરીવાળા(સંજીવકુમાર)ને ‘દીદી’ નાટકમાં પહેલી વાર ચમકાવ્યા અને 1963માં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સોહરાબ મોદીને લઈ ‘ન્યાયના પંથે’ નાટક ભજવ્યું. ત્યારપછીનાં વર્ષોમાં ‘મારે જુદાં થવું છે’, ‘સાસુજીની સવારી’, ‘ભાઈબીજ’, ‘સુખના સુખડ જલે’ વગેરે નાટકો રજૂ કર્યાં. 1969માં ભજવાયું તેમનું સર્વકાલીન અત્યંત સફળ નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’ જેના 187 જેટલા પ્રયોગ થયા. તે પછી રજૂ થયું તેમની અભિનય કારકિર્દીનું યશકલગી સમું શિરમોર નાટક ‘બહોત નાચ્યો ગોપાલ’. મરાઠી નાટક ‘નટસમ્રાટ’નું ગુજરાતી રૂપાંતર, જેનું દિગ્દર્શન કર્યું કાંતિ મડિયાએ.
નવતર શૈલીનાં એકએકથી ચડિયાતાં નાટકો આપતાં રહી તેમણે નવી રંગભૂમિનું કલેવર ઘડ્યું. 4 દાયકાની સુદીર્ઘ નાટ્ય કારકિર્દી પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી વડોદરા ખાતે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જ્યાં તેમણે વડોદરાના કલાકારોને લઈને એક જમાનાના પોતાના સફળ નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’ ફરીથી ભજવ્યું. જેનો એક પ્રયોગ અમેરિકા ખાતે રજૂ થયા પછી ઈ. સ. 2000ની 23મી માર્ચે વડોદરા ખાતે પણ તે ભજવાયું.
મહેશ ચંપકલાલ શાહ