ભચેચ, શુકદેવ (જ. 9 માર્ચ 1922; અ. 3 માર્ચ 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અખબારી છબીકાર. તેમણે અખબારી છબીકાર તરીકેની પોતાની 5 દાયકાની કારકિર્દી દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘જનસત્તા’ જેવાં ગુજરાતનાં અગ્રિમ દૈનિક અખબારો અને વિભિન્ન સામયિકો ઉપરાંત પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા જેવી સમાચાર-સંસ્થામાં અવિરત સેવા આપી હતી. પીઢ છબીકાર સુખદેવ ભચેચ નિવૃત્તિ પહેલાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ સાથે ત્રણેક દાયકા સુધી સંકળાયેલા રહ્યા હતા. અમદાવાદમાં તેમનો સ્ટુડિયો પણ હતો.
અસામાન્ય છબીઓ ઝડપવાની આગવી સૂઝને લઈને તેમની ઘણી છબીઓ વિશિષ્ટ બની છે. તેમણે ઘણા પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા છે. મંચ ઉપર પંડિત જવાહરલાલ નહેરુ રમૂજમાં બીજા નેતા તરફ તકિયો ફેંકતા હોય તે પ્રસંગની કે 1982માં વિખ્યાત ઉદ્યોગપતિ જે. આર. ડી. તાતાએ કરાંચીથી મુંબઈ સુધીના પોતાના ઐતિહાસિક ‘સુવર્ણ જયંતી’ હવાઈ ઉડ્ડયન વખતે અમદાવાદ હવાઈ અડ્ડા પર રોકાણ કર્યું તે વખતની તેમની ઐતિહાસિક તસવીરો ગુજરાતની અખબારી આલમને હંમેશાં યાદ રહેશે.
પંડિત જવાહરલાલ નહેરુ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્, બ્રિટનનાં રાણી એલિઝાબેથ, સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન, આચાર્ય વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, આચાર્ય કૃપાલાની, અટલબિહારી વાજપેયી અને મોરારજી દેસાઈ જેવી અગ્રણી વ્યક્તિઓને ભચેચે તેમની લાક્ષણિક મુદ્રામાં એમના કૅમેરામાં કંડારી હોવા ઉપરાંત દમણ-યુદ્ધ, અંજારનો ધરતીકંપ, અમદાવાદની વિમાનની દુર્ઘટના, મહાગુજરાતની ચળવળ, નવનિર્માણ આંદોલન, અનામતવિરોધી આંદોલન અને ગાંધી-શતાબ્દી-વર્ષમાં અમદાવાદમાં થયેલાં હિન્દુમુસ્લિમ રમખાણો જેવા પ્રસંગોને પણ પોતાની છબીઓ દ્વારા વાચા આપી હતી.
1987માં અમદાવાદ મ્યુનિસિપિલ કૉર્પોરેશન દ્વારા અમદાવાદના સંસ્કારકેન્દ્ર ખાતે ‘અમદાવાદનાં પચાસ વર્ષ’ નામનું તેમની અવિસ્મરણીય છબીઓનું પ્રદર્શન યોજાયું હતું. તેઓ અમદાવાદના ‘ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશન ઑવ્ ગુજરાત’ના સ્થાપક-પ્રમુખ રહ્યા હતા. તેમણે અમદાવાદ ફોટોગ્રાફર્સ એસોસિયેશનના સભ્ય તરીકે ઘણો સક્રિય રસ લીધો હતો.
રમેશ ઠાકર