ભગોષ્ઠ ખૂજલી (pruritus vulvae) : સ્ત્રીનાં બાહ્ય જનનાંગોમાં અનુભવાતી ખૂજલીનો વિકાર. સારવાર લેવા આવતી આશરે 10 % સ્ત્રીઓને તેની તકલીફ હોય છે. તેને ભગખૂજલી પણ કહે છે. સામાન્ય રીતે ત્યાં દુખાવો, કોઈ વિકાર દર્શાવતી વિકૃતિ કે સ્પર્શવેદના (tenderness) હોતી નથી. સંવેદનાઓને વિશિષ્ટ પ્રકારની ચેતાઓ વડે મગજ સુધી લઈ જવામાં આવે છે. વળી લાગણીઓને કારણે પણ ક્યારેક સ્થાનિક રુધિરાભિસરણમાં અનિયમિતતા આવે છે, જે હિસ્ટામિનનું સ્રવણ કરાવે છે. હિસ્ટામિનની હાજરી ખૂજલીની સંવેદના સર્જે છે. રાત્રિના સમયે મન અન્યત્ર જોડાયેલું હોતું નથી, વળી કેન્દ્રીય ચેતાતંત્ર પણ થાકેલું હોય છે અને તે ભાગ ઢંકાયેલો અને ગરમ થયેલો હોવાને કારણે રાત્રે ખૂજલીની તકલીફ વધુ રહે છે.
કારણવિદ્યા : ટ્રાલ્કોમોનાસ વજાઇનાલિસ અને/અથવા કેન્ડિકા આલ્બિકાન્સ (શ્વેત ફૂગ) જેવા સૂક્ષ્મજીવોને કારણે યોનિ(vagina)માં ચેપ લાગે છે ત્યારે તેમાંથી પ્રવાહી ઝરે છે. તેને યોનિસ્રાવ (vaginal discharge) અથવા શ્વેતપ્રદર (leucorrhoea) કહે છે. તે સમયે ખૂજલીની તકલીફ રહે છે. ભગવિસ્તારની ચામડીના વિવિધ રોગો; દા.ત., સોરાયસિસ, તેલસ્રાવી ત્વચાશોથ (seborrhoeic dermatitis), ખસ વગેરે પણ ખૂજલી કરે છે. તેવી જ રીતે ભગની દુ:ક્ષીણતા (vulval dystrophy), પેજેટનો રોગ કે કૅન્સર પણ ખૂજલી કરે છે. બાહ્યજનનાંગને ઢાંકતાં વસ્ત્રો કે તેને સાફ કરવા વપરાતા સાબુ કે અન્ય દ્રવ્યોની ઍલર્જી (વિષમોર્જા) હોય તોપણ ખૂજલી થાય છે. સૂત્રકૃમિ (thread worm) અને ચાબુકકૃમિ (whip worm) જેવા આંતરડામાં થતા કૃમિ જ્યારે ભગવિસ્તારમાં આવે ત્યારે તે ખૂજલી કરે છે. મધુપ્રમેહના દર્દીના પેશાબમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે. વળી તેમને શ્વેત ફૂગ(candida)નો ચેપ પણ વધુ લાગે છે. તે ભગખૂજલી કરે છે. કેટલાક નિષ્ણાતોએ લોહ, ફૉલિક ઍસિડ, વિટામિન બી-12, વિટામિન-એ વગેરેની ઊણપને કારણે પણ ખૂજલી થાય છે એવું જણાવેલું છે. તેથી અપશોષી સંલક્ષણ (malabsorption syndrome), વારંવાર અને લાંબો સમય ચાલતા ઝાડા, જઠરરસમાં ઍસિડની ઊણપ તથા મહારક્તકોષી પાંડુતા(megaloblastic anaemia)ના દર્દીમાં ભગખૂજલીની તકલીફ રહે છે એવું મનાય છે. માનસિક ચિંતા તથા જાતીય અસંતોષ પણ આવી તકલીફ કરે છે તથા તેને વણસાવે પણ છે.
નિદાન : ખૂજલી શરૂ થવાની ઉંમર, તેની તીવ્રતા, સમયગાળો, શ્વેતપ્રદરની હાજરી, ગર્ભનિરોધક સાધન કે દવાનો ઉપયોગ, દર્દીની માનસિક સ્થિતિ, એને થતી વિવિધ પ્રકારની ઍલર્જી (વિષમોર્જા), એના દ્વારા વપરાતા સાબુ કે કપડાંનો પ્રકાર વગેરે અંગેની માહિતી મેળવાય છે. ત્યારબાદ તેના બાહ્ય જનનાંગની શારીરિક તપાસ કરાય છે. આ ઉપરાંત દર્દીના પોષણનું સ્તર, તેને ખસ, ફૂગનો ચેપ કે અન્ય ચામડીનો કોઈ વિકાર છે કે નહિ તે પણ જોવાય છે. ફક્ત ભગવિસ્તારમાં ખૂજલી હોય તો ઉપર જણાવેલા સ્થાનિક ચેપ, મધુપ્રમેહ તથા ભગીય દુ:ક્ષીણતા (vulval dystrophy) મુખ્ય કારણરૂપ વિકારો હોય છે. નિદાન માટે યોનિસ્રાવને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. દર્દીનાં હીમોગ્લોબિન અને ગ્લુકોઝનું પ્રમાણ જાણી લેવાય છે. તેના મળમાં કૃમિ કે કૃમિનાં ઈંડાં જાય છે કે નહિ તે જોઈ લેવાય છે. જો લાંબા સમયની ખૂજલી હોય તો અન્ય તપાસ કરીને કૅન્સર છે કે નહિ તે પણ જાણવું જરૂરી બને છે.
સારવાર : સ્થાનિક સફાઈ, જરૂર પડ્યે સાબુ કે સ્થાનિક કપડામાં ફેરબદલી, જરૂરી ઍન્ટિબાયૉટિક વડે સ્થાનિક ચેપનો ઉપચાર, કૉર્ટિકોસ્ટીરૉઇડ કે હિસ્ટામિનરોધક ઔષધો વડે ખૂજલીમાં ઘટાડો, રાત્રી સમયે ઊંઘ આવે તેવી નિદ્રાપ્રેરક દવાનો પ્રયોગ, પૂરતું અને યોગ્ય પોષણ વગેરે વિવિધ બાબતો પર ધ્યાન આપીને દર્દીને રાહત અપાય છે. કૅન્સર કે મધુપ્રમેહ જેવો કોઈ રોગ હોય તો તેની વિશિષ્ટ સારવાર અપાય છે.
કોકિલ કનુભાઈ દવે
શિલીન નં. શુક્લ