ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ.
1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા બની 2 કાંસ્યચંદ્રક મેળવ્યા અને રાજ્ય તરફથી જુનિયર ઍવૉર્ડનાં વિજેતા બન્યાં.
ચોરવાડથી વેરાવળ સુધી 24 કિમી.ના અંતર માટે 1998માં યોજાયેલ અખિલ ભારત સમુદ્ર તરણસ્પર્ધામાં તેમણે સતત 4 કલાક, 34 મિનિટ અને 24 સેકંડમાં તે અંતર કાપીને તૃતીય સ્થાન મેળવી કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરેલ. રાષ્ટ્રીય કક્ષાની 200 મીટર અને 800 મીટરની મુંબઈ, લુધિયાણા અને બરેલી ખાતે ખુલ્લા વિભાગની 2000ના વર્ષની આવી જ સ્પર્ધામાં વિજેતા બનીને તેમણે રૌપ્યચંદ્રક મેળવ્યો છે. એ રીતે તરણસ્પર્ધામાં તથા રાજ્યની જુનિયર વિભાગની 100 મીટર, 200 મીટર અને 400 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં નવો આંક સ્થાપ્યો છે.
તેમની ખાસ સિદ્ધિઓમાં (1) ગુજરાત સ્ટેટ ઍક્વેટિક્સ– ચૅમ્પિયનશિપમાં (1996–98) બીજો ક્રમ; (2) ઑલ ઇન્ડિયા વીર સાવરકર સમુદ્ર તરણસ્પર્ધામાં (1997–98) ત્રીજો ક્રમ; (3) 22મા નૅશનલ સ્પૉટર્સ ફેસ્ટિવલ ફૉર વિમેન, ચેન્નાઈ(1997–98)માં 2 કાંસ્યચંદ્રક અને (4) નૅશનલ સ્કૂલ ઍક્વેટિક્સ ચૅમ્પિયનશિપ, નાસિક(1998–99)માં કાંસ્યચંદ્રક ઉલ્લેખનીય છે.
તેમને કુલ 51 સુવર્ણચંદ્રક, 69 રૌપ્યચંદ્રક અને 36 કાંસ્યચંદ્રકો મળ્યા છે. નાની વયે હાંસલ કરેલ આ સિદ્ધિઓ ધ્યાનમાં લઈને તેમને ગુજરાત રાજ્ય તરફથી 1999ના વર્ષનો રૂ. 20,000નો ‘જયદીપસિંહજી ઍવૉર્ડ’ આપવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા